________________
ત્રીજા ષોડશકમાં ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. ધર્મતત્ત્વની ખૂબ જ ઉત્કૃષ્ટ છણાવટ આ અધિકારમાં થઇ છે. ધર્મ ચિત્તમાં જન્મે છે. ચિત્તના શુભભાવોની પુષ્ટિ અને અશુભભાવોની શુદ્ધિ એ ધર્મ છે. પુષ્ટિ નિરંતર ચાલે તો મોક્ષનું કારણ બને - તેમનો આ અનુબંધ પ્રણિધાન વગેરે પાંચ આશયોથી ચાલે છે.
ધર્મ ચિત્તના પરિણામ સ્વરૂપ છે. ચિત્તના પરિણામો ખૂબ જ સંકુલ (Complex) છે. તેમને ઓળખવા અઘરા છે. પરિણામો વિચાર કે ક્રિયા દ્વારા જાણી શકાય છે. પરિણામો ધર્મમય છે કે નહીં તે જાણવાનાં ત્રણ લિંગ છે ૧. ગુણ ૨. દોષોનો અભાવ ૩. ભાવનાનો અભ્યાસ.
ગુણો પાંચ છે. ઉદારતા, દાક્ષિણ્યભાવ, પાપની જુગુપ્સા, નિર્મલબોધ, લોકપ્રિયતા. વિષયની તૃષ્ણા, દ્રષ્ટિ સંમોહ (મતિવિપર્યાસ), ધર્મમાં અરુચિ અને ક્રોધની આદત, આ ચાર દોષો જીવનમાં ન હોય તો જીવનમાં ધર્મ છે, એમ કહી શકાય. મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાનો વારંવાર અભ્યાસ હોય તો ધર્મ સહજ બને છે. મુખ્યત્વે મૈત્રી વગેરે ભાવનાઓ પ્રાપ્ત થયેલા શુભભાવને જીવંત રાખવામાં ઉપયોગી છે.
ધર્મના આ લિંગોની વાત ચોથા ષોડશકમાં છે. તો પાંચમા ષોડશકમાં લોકોત્તર સંપ્રાપ્તિનું વર્ણન છે. ચરમાવર્તમાં આવેલા જીવને જ આગમવચનો પરિણામ પામે છે.જેના હૃદયમાં આગમવચનો પરિણત થયાં છે તે લોકોત્તર તત્ત્વ સંપ્રાપ્તિના અધિકારી છે. ભાવથી અપુનબંધક અવસ્થા અને દ્રવ્યથી પરમાત્માનું શાસન મળે તો લોકત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થાય છે.
- છઠ્ઠા-સાતમા-આઠમા-નવમા ષોડશકમાં સ્તવપરીક્ષાનું વર્ણન છે. પૂર્વમાં રહેલા આ પદાર્થને પૂજયશ્રીએ પોતાના અનેક ગ્રંથોમાં સ્થાન આપ્યું છે. જિનભવન અને જિનબિંબ નિર્માણનો વિધિ, જિનબિંબની પ્રતીષ્ઠા, જિનબિંબની પૂજાનું વિસ્તૃત વર્ણન આ અધિકારોમાં છે. - જિનપૂજાથી સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. સર્વોત્તમ ક્રિયા માર્ગની સ્પર્શના એ ભગવાનની ભક્તિનું ફળ છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગઃ આ ચાર સદનુષ્ઠાનો છે. ભગવાનની ભક્તિ દ્વારા વચનાનુષ્ઠાનની સ્પર્શના થાય છે. વચનાનુષ્ઠાનની સ્પર્શનાથી સજ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશુશ્રુષા સજ્જ્ઞાનનું લિંગ છે. પર અને અપર શુશ્રુષા , શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ વગેરે નું વર્ણન દશમા અને અગિયારમા ષોડશકમાં છે. '
સજજ્ઞાન દીક્ષાનો અધિકાર આપે છે. દેશવિરતિ દીક્ષા પ્રાપ્ત કરવા પણ સજજ્ઞાન જરૂરી છે. વિશુદ્ધ દીક્ષિત આત્માની વિશુદ્ધ ભાવદશાનું વર્ણન બારમા ષોડશકની વિશેષતા છે.
વિરતિના પરિણાનને ઉવલ બનાવવા પાંચ ગુણો અપેક્ષિત છે. ૧. ગુરુનો વિનય ૨. સ્વાધ્યાય ૩. યોગાભ્યાસ ૪. પરોપકાર ૫. ઇતિકર્તવ્યતા.
સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અને નિરાલંબન આ પાંચ યોગ છે. તેનો અભ્યાસ કરનાર સાધુ જે કંઇપણ કરે તે પરોપકાર છે..
નિયત સમયે કરવાની ક્રિયા ઇતિકર્તવ્યતા છે. સાધુપણાની ક્રિયામાં સામર્થ્ય છે, મૈત્રી વગેરે ભાવોને સિદ્ધ કરાવવાનું. આ પાંચ ગુણોના અભ્યાસ કરવાથી યોગી બનાય છે. સિદ્ધયોગીનું ચિત્તમાત્ર સાક્ષિભાવમય હોય છે.પ્રવૃત્તયોગીના ચિત્તમાં મૈત્રી વગેરે શુભ ભાવો હોય છે. તેને માટે એ જરૂરી પણ છે. આ ભાવનાઓનો અભ્યાસ કરવાથી જ તે સિદ્ધ થાય છે. વિરાધનાનો ડર જીવના વીર્યને વધારનારો છે. આ વીર્ય અભ્યાસમાં સહાયક છે-ગુરુવિનય અવિરાધકભાવનું મૂળ છે તો પરિપૂર્ણ યોગમાર્ગનું મૂળ નીચે કહેલાં ચાર તત્ત્વો છે. (૧) શાસ્ત્રોની કથા (શ્રવણ, વાચન કે મનન)