________________
૧૬૪.
શાંતસુધારસા ધારણ કરે તે મૈત્રીભાવના છે. આ મૈત્રીભાવનાનો વિષય જગતના તમામ જીવો છે; કેમ કે જગતના સર્વ જીવોનું હિત થાય તેવી બુદ્ધિ હૈયામાં સદા વર્તતી હોય તો જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ થઈ શકે અને મૈત્રીભાવનાથી વાસિત જીવોને કોઈની ખરાબ પ્રવૃત્તિથી ક્લેશની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓ તેવા સંયોગને પામીને વિચારે છે કે હું કેવા પ્રકારનો યત્ન કરું કે જેથી તેનું પારમાર્થિક હિત થાય.
વળી, કેટલાક જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા હોય છે તેઓની યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિમાં જે જે પ્રકારના મોક્ષને અનુકૂળ ગુણો દેખાય છે તે તે ગુણોને અનુસાર તે જીવો પ્રત્યે બહુમાનનો ભાવ તે પ્રમોદભાવના છે. પ્રમોદભાવનાનો વિષય સર્વ જીવો નથી પરંતુ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા ગુણસંપન્ન જીવો છે. જે મહાત્મા મોક્ષમાર્ગના ગુણોના પરમાર્થને જાણવા માટે સદા યત્ન કરે છે તે મહાત્માને ઘણા દોષોથી યુક્ત પણ કોઈક જીવમાં મોક્ષમાર્ગને અનુકૂળ અલ્પ પણ ગુણ દેખાય તો પ્રમોદભાવનાને કારણે તેના ગુણોને આશ્રયીને તેના પ્રત્યે બહુમાન થાય છે અને તેના અન્ય દોષોને જોઈને અસહિષ્ણુતા થતી નથી. તેથી પ્રમોદભાવનાથી આત્માને ભાવિત કરવા અર્થે મોક્ષને અનુકૂળ પારમાર્થિક ગુણોનો બોધ કરવા માટે મહાત્માએ સદા યત્ન કરવો જોઈએ. મોક્ષને અનુકૂળ અલ્પ પણ ગુણોથી યુક્ત કોઈ મહાત્મા દેખાય તો તેના પ્રત્યે બહુમાન ભાવ કરવો જોઈએ જેનાથી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે. આ રીતે મહાત્મામાં રહેલા અલ્પગુણોને જોવાથી ગુણગ્રાહી દૃષ્ટિનો સદા વિકાસ થાય છે.
પીડાથી આર્ત દેહવાળા રોગી જીવોના રોગોને દૂર કરવાની ઇચ્છા તે કરુણાભાવના છે. કરુણાભાવનાથી ભાવિત મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર શારીરિક રોગવાળા, માનસિક રોગવાળા કે માર્ગ અપ્રાપ્તિને કારણે ભાવરોગવાળા દુઃખી જીવોને જોઈને હૈયામાં કરૂણાવાળા થાય છે અને તેઓના તે તે પ્રકારના દુઃખને દૂર કરવાના અભિલાષવાળા થાય છે અને પોતાની જે પ્રકારની શક્તિ હોય તેને અનુરૂપ ઉચિત યત્ન કરીને તેઓના દુઃખને દૂર કરવા યત્ન કરે છે. સુસાધુ પોતાના સંયમની મર્યાદા અનુસાર ગૃહસ્થનો ભાવરોગ દૂર કરવા અર્થે ઉચિત યત્ન કરે છે. આમ છતાં કોઈ જીવને દેહાદિ રોગ વર્તતો હોય અને શાસનપ્રભાવના આદિ વિશેષલાભનું કારણ જણાય તો તેના રોગના નાશનો ઉપાય પણ મહાત્મા બતાવે છે. જેમ મુનિસુંદર મ.સા.એ શ્રીપાળ રાજાના કોઢ રોગને દૂર કરવાનો ઉચિત ઉપાય બતાવ્યો. વળી, જેઓ કરુણાભાવનાથી આત્માને ભાવિત કરે છે તેઓ તે ભાવનાના બળથી પોતાના આત્મામાં વર્તતા કઠોર પરિણામનો સતત નાશ કરે છે. આથી વિશેષ પ્રકારની કરુણાભાવના જેના હૈયામાં સ્થિર થાય તેવા જીવો મોક્ષમાં ન જાય ત્યાં સુધી તિર્યંચગતિમાં કે નરકગતિમાં જાય તેવા પરિણામની યોગ્યતાનો પણ નાશ કરે છે. તેથી તેવા જીવો દેવગતિ મનુષ્યગતિ પામીને અલ્પકાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. આ કરુણાભાવનાનો વિષય સર્વ જીવો નથી પરંતુ શારીરિક, માનસિક દુઃખી જીવો છે. શારીરિક અને માનસિક સુખી હોવા છતાં મોહને વશ સંસારના ભાવોમાં રચ્યાપચ્યા રહેનારા જીવો સુધરી શકે તેવા જણાય ત્યારે તે જીવો પણ મહાત્માની કરુણાભાવનાનો વિષય બને છે. ગુણસંપન્ન જીવો કરુણાનો વિષય બનતા નથી પરંતુ પ્રમોદભાવનાનો વિષય બને છે. આમ છતાં ગુણસંપન્ન જીવો પણ ક્યારેક શારીરિક આદિ પીડાવાળા હોય તો કરુણાભાવનાનો વિષય બને છે એટલું જ નહિ પણ કોઈ ગુણસંપન્ન જીવ કોઈક નિમિત્તે પ્રમાદને વશ થઈને પતનને