________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંપાદિકાનું કથન
સંપાદિષાનું કથન ?
આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા અને ટીકાકાર આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાને કોટિ કોટિ વંદન. પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે, જેના દ્વારા યોગ્ય જીવ સમ્યક્તની પ્રાપ્તિપૂર્વક દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ પાળવા સ્વભૂમિકા અનુસાર સમર્થ બની શકે છે.
પ્રસ્તુત ભાગ-૨માં સમ્યક્તની પ્રાપ્તિ માટે પ્રથમ ઉપદેશ આપેલ છે. સમ્યક્ત વગર દેશવિરતિધર્મ કે સર્વવિરતિધર્મ ગ્રહણ કરવો ન્યાય નથી. વળી, ઉપદેશક યોગ્યજીવોને સર્વવિરતિધર્મનો સૂક્ષ્મ બોધ કરાવે છે, જેથી ચારિત્રને અનુકૂળ બળસંચયવાળા થાય. જો બળસંચય કર્યા વગર સાધુપણું ગ્રહણ કરવામાં આવે તો ઉભયભ્રષ્ટ થવાના કારણે સંસારપરિભ્રમણ જ કરે છે તેનું સુંદર વિવેચન કરીને સાધુપણાની દુષ્કરતા બતાવેલ છે.
વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ મોતાને કોટિ કોટિ પ્રણામ. સમગ્ર જીવન યોગસાધનામાં પસાર કરનાર તેઓશ્રીએ વિવિધ ગ્રંથોનું વાંચન ૧૦-૧૫ વખત કર્યા પછી વિવેચનનું કાર્ય કરીને આપણા ઉપર આ કાળમાં અત્યંત ઉપકાર કરેલ છે. ગ્રંથના વિવેચનકાર્ય સમયે પણ માત્ર ગ્રંથના લખાણના જ કાર્યને પ્રધાનતા આપવાને બદલે સ્વકલ્યાણ અને તત્ત્વજિજ્ઞાસુ સાધકને બોધ થાય તે માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ હોય છે.
આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પૂ.સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
તત્ત્વજિજ્ઞાસુ જીવો સમ્યક્ત, દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મનું વર્ણન વાંચીને પોતાની સ્વભૂમિકા અનુસાર શક્તિ આદિને અનુરૂપ ધર્મનું યોગ્ય સેવન કરીને ભાવની ઉત્તરોત્તર વિશુદ્ધિ દ્વારા ધર્મના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના અને વિવેચનકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્'.
– મિતા ડી. કોઠારી
વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૧૨, બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.