________________
૭૦૦-પરિશાન ધાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સંલેખનાનો વિધિ વળી બીજું- બારમા વર્ષે છેલ્લા ચાર માસ સુધી એકાંતરે પારણાના દિવસોમાં મુખમાં તેલનો કોગળો ધારણ કરે. પછી તેલના એ કોગળાને કફની કુંડીમાં રહેલી રાખમાં નાખીને મુખને ઉષ્ણ પાણીથી શુદ્ધ કરે. જો મુખમાં તેલનો કોગળો ધારણ કરવાની વિધિ ન કરાવવામાં આવે તો વાયુથી મુખ બંધ થઈ જવાનો સંભવ છે. જો એમ થાય તો અંતસમયે નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે.
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સંલેખનાના અનુસારે જઘન્ય ને મધ્યમ પણ સંલેખના કરવી. સંખનાના અંતે ભક્ત પ્રત્યાખ્યાન આદિ ત્રણ પ્રકારના મરણમાંથી કોઈ એક મરણને સ્વીકારે. સંલેખના દ્વાર પૂર્ણ થયું.
૫ અગીતાર્થ- અગીતાર્થોની પાસે અનશન ન સ્વીકારવું. અગીતાર્થો અનશન કરનારને ભૂખ-તરસ વગેરેથી પીડાતો જોઈને સૂત્રમાં કહેલી યતનાથી સેવા ન કરે, કિંતુ સહસા જ છોડી દે. વળી બીજું– અનશની પીવા આદિ માટે પાણી વગેરે રાતે માગે તો તે અગીતાર્થો કાન બંધ કરીને કહે કે, આહ! પાપ શાંત થાઓ. તું ધર્મવાસનાથી રહિત અસાધુ છે, કે જેથી રાતે આ માગે છે. તેથી આર્તધ્યાનમાં પડેલો અનશની વ્રતને પણ છોડી દે, મિથ્યાત્વને પામે, અથવા મરીને તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય. વ્યંતર વગેરેમાં ઉત્પન્ન થયેલો તેમનો ઉપઘાત કરવા પ્રવર્તે. ઇત્યાદિ બીજું પણ સમજી લેવું. અગીતાર્થો વડે છોડી દેવાયેલા અનશનીને જોઈને ગીતાર્થો તો આશ્વાસન આપીને સ્થિર કરે, સમાધિ ઉત્પન્ન કરે, તેથી અનશનીને સુગતિગામી કરે, ઇત્યાદિ જલદી જાણીને ગીતાર્થની પાસે જ અનશન કરવું જોઇએ. અગીતાર્થ દ્વાર પૂર્ણ થયું.
૬. સંવિગ્ન- ગીતાર્થ પણ જે સંવિગ્ન હોય તેની પાસે અનશન સ્વીકારવું, શિથિલની પાસે નહિ. શિથિલ આહાર, ઔષધ અને પથ્ય વગેરે આધાકર્મી લાવીને આપે. તેના પરિભોગમાં મનુષ્યભવ આદિ ચાર અંગો વ્યર્થ થવાનો પ્રસંગ આવે. વળી બીજું– અસંવિગ્ન યશ અને કીર્તિનો કામી હોવાથી અનશનની લોકમાં પ્રસિદ્ધિ કરે. તેથી લોક પુષ્પોને લાવવા વગેરે આરંભ કરે. ઇત્યાદિ દોષો સ્વયં વિચારવા. સંવિગ્ન દ્વાર પૂર્ણ થયું.
૭. એક– ગીતાર્થ અને સંવિગ્ન પણ એક નિર્યાપક ન કરવો, કિંતુ હવે કહેવાશે તેટલી સંખ્યાવાળા અનેક નિર્યાપક કરવા.
१. चत्तारि परमङ्गाणि दुल्लहाणि य जंतुणो । माणुसत्तं सुई सद्धा संजमंमि य वीरियं ॥
મનુષ્યભવ, જિનવાણીશ્રવણ, સમ્યગ્દર્શન અને સંયમમાં વીર્યને ફોરવવું એ ચાર મોક્ષનાં મુખ્ય અંગો સાધનો
છે, અને અતિશય દુર્લભ છે. ૨. નિર્યાપક એટલે સેવા કરનાર કે આરાધના કરાવનાર.