________________
પ્રેમના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) | કૂિણિકનું ચરિત્ર-૫૯૭ પેશાબ કર્યો. પેશાબ રોકાવાના ભયથી કૂણિકે તેને જરા પણ ફેરવ્યો નહિ. મૂત્રથી ખરડાયેલા ભોજનને દૂર કરીને બાકીનું ભોજન ખાધું. પોતાના પુત્રસ્નેહથી અભિમાની બનેલો તે ચેલણાને પૂછે છે કે, હે મા! શું આટલો સ્નેહ કોઈને પુત્ર ઉપર દેખાય છે? (૭૫) તેથી રડતી ચેલુણાએ કહ્યું: હે પાપી! તારા પિતાને તારા ઉપર જે સ્નેહ હતો તેની અપેક્ષાએ આ સ્નેહ કેટલો છે? અર્થાત્ અતિશય અલ્પ છે. કૂણિકે પૂછ્યું: મા! કેવી રીતે? તેથી ચેલણાએ આંગળીનો વૃત્તાંત કહીને કહ્યું: હે અતિશય પાપી! તે સ્નેહનો તે આ ઉપકાર કર્યો! હવે કૂણિકે કહ્યું: હે પૂજ્ય! જો આમ છે તો પિતા મને કેવળ ગોળના જ મોદકો કેમ અપાવતા હતા? ચેલ્લણાએ કહ્યું તું ગર્ભમાં હતો ત્યારથી તું મને અતિશય અશુભ વિકલ્પોનો કારણ થયો. તું ગર્ભમાં હતો ત્યારે મને તારા પિતાના ઉદરનું માંસ ખાવાનો દોહલો થયો હતો. તેથી ગર્ભમાં તને મારી નાખવા માટે મેં ઔષધો પીધાં. (છતાં ગર્ભનો નાશ ન થયો.) જન્મ થતાં જ મેં તને અશોકવન ઉદ્યાનમાં તજી દીધો હતો. પછી તારા પિતાએ ત્યાંથી લાવીને તને પોપ્યો. ગોળના મોદકો મેં જ તને આપ્યા હતા. આ પ્રમાણે કહ્યા પછી ચેલ્લણાએ કહ્યું : હે પાપી! મેં બધું તું જેવો હતો તેવું કર્યું. પણ હું શું કરું કે સ્વચ્છ હૃદયવાળા, અસ્થાને પ્રેમ કરનારા, ભાગ્યને વશ થનારા અને મૂઢ એવા તારા પિતાએ જેવી રીતે કાલસર્પ( કાળા મોટા સર્પ)નું કરંડિયામાં નાખીને રક્ષણ કરે તેમ તારું રક્ષણ કર્યું, અને પોતાના જીવનની જેમ સ્વહાથે તારું પાલન કર્યું. તે પાપી! તારા પાલન-પોષણ માટે પ્રયત્નશીલ તારા પિતાએ કરેલા તે ઉપકારોનો સુપુત્ર તે જ પ્રત્યુપકાર કર્યો. અથવા આમાં તારો દોષ નથી. પુણ્યરહિત અને રાગથી મૂઢ હૃદયવાળા જીવોને સઘળી આપત્તિઓ હાથમાં રહેલી થાય છે એમાં શું આશ્ચર્ય છે? દુર્જન ઉપર કરેલા ઉપકારથી દુર્બલ વાઘના ચક્ષુરોગને દૂર કરનાર વૈદ્યને આપત્તિઓ આવી એમ શાસ્ત્રોમાં પણ સંભળાય છે.
આ સાંભળીને કૂણિકરાજાનો પિતા પ્રત્યેનો વૈર શાંત થઈ ગયો અને તેના મનમાં અતિશય ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી બેડીને તોડવા માટે હાથમાં લોઢાનો દંડ લઇને એકદમ પિતા તરફ દોડ્યો. શ્રેણિકરાજાનું રક્ષણ કરનારા પુરુષોએ શ્રેણિકને કહ્યું છે દેવ! તમારો આ દુષ્કૃત્ર હાથમાં લોઢાનો દંડ લઈને આવી રહ્યો છે. તે શું કરશે તે અમે જાણતા નથી. તેથી કદર્થના થવાના ભયથી શ્રેણિકરાજાએ સહસા તાલપુટ ઝેર ખાઈ લીધું. પછી કાલ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન થયા. ત્યાં ૮૪ હજાર વર્ષ રહીને આગળ (આવતી ઉત્સર્પિણીમાં) તીર્થંકર થશે.
૧. “તેં આ ઉપકાર કર્યો” એ વાત કટાક્ષમાં કહી છે.