________________
ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઈલાપુત્રનું દૃષ્ટાંત-પ૬૭
આ તરફ ભરતક્ષેત્રમાં ઇલાવર્ધન નગર છે કે જ્યાં કમળોમાં અને ઘરોમાં જાણે ગુણોથી બંધાઈ હોય તેમ લક્ષ્મી વસે છે. ત્યાં ઇભ્ય નામનો શેઠ છે. રોહિણી નામની તેની પત્ની છે. ત્યાં ઇલા નામની નગરદેવી સુપ્રસિદ્ધ છે. ઇભ્યશેઠને પુત્ર નથી. તેથી ઉત્સુકમનવાળા તેણે પત્નીની સાથે ઇલાદેવીની માનતા કરી કે, જો મારે પુત્ર થશે તો તારા સંબંધવાળું નામ કરીશ. વિશ્વમાં તારો અતિશયમહાન ઉત્સવ કરાવીશ. આ તરફ તે સાધુનો જીવ દેવલોકમાંથી ઇભ્યશેઠની પત્નીના ગર્ભમાં ઉત્પન્ન થયો અને શુભ દિવસે જન્મ પામ્યો. જન્મ થયો ત્યારથી જ વર્યાપનક શરૂ થયું. વર્યાપનક શરૂ થયું તેનાથી બારમા દિવસે તેનું ઈલાપુત્ર એવું નામ રાખ્યું. પછી દેહશોભાથી અને કલાસમૃદ્ધિથી વધતો તે દર્શનથી શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ લોકમાં હર્ષ ઉત્પન્ન કરે છે. પૂર્વભવની પત્ની પણ જાતિમદના દોષથી નટની પુત્રી થઈ. તે અતિશય શ્રેષ્ઠ રૂપ-લાવણ્યરૂપ જલની નદી હતી. નૃત્યમાં તે એવી રીતે નાચે છે કે જેથી 'અનિમેષપણાથી હર્ષ પામેલા ઇન્દ્રો પણ અપ્સરાના નૃત્યને ભૂલી જઇને વિસ્મયને પામે છે.
હવે એકવાર શરદઋતુકાળના સમયે નગરના મધ્યમાં નૃત્ય કરતી તેને ઇલાપુત્રે જોઇ. તેના અતિશય રૂપને, અતિશય યૌવનને અને અતિશય વિજ્ઞાનને જોવાના કારણે અને પૂર્વભવના અભ્યાસથી તે નટપુત્રી પ્રત્યે કોઈપણ રીતે એટલો બધો આકર્ષાયો કે જેથી જાણે ઘડાયેલો હોય, જાણે લખાયેલો હોય, જાણે મૂછિત થઈ ગયો હોય તેમ ચેષ્ટાથી રહિત બની ગયો. તે રીતે ચેષ્ટારહિત બનેલો જોઇને મિત્રો તેને બોલાવે છે, પણ તે કંઇપણ બોલતો નથી. અંતરમાં કામનો વિકાર અતિશય વધી જતાં તે ભય અને લજ્જાને છોડીને મનમાં નિશ્ચય કરે છે કે કમલ જેવાં નેત્રોવાળી અને શ્રેષ્ઠગુણોથી વિભૂષિત એવી આને જ પરણીશ, અન્યથા અગ્નિમાં પ્રવેશીને પ્રાણનો ત્યાગ કરીશ. ત્યારબાદ મિત્રો તેને જેમ તેમ કરીને ઘરે લઈ ગયા. ત્યાં પણ તે પ્રમાણે જ ચિંતારૂપ જવરથી ગ્રહણ કરાયેલો અને કામથી સંતપ્ત કરાયેલો રહે છે. આકુળ-વ્યાકુલ થયેલા માતા-પિતાએ મિત્રોને પૂછ્યું: આ શું થયું? તેથી મિત્રો તેને આગ્રહથી પૂછે છે. તે લજ્જાથી કહી શકતો નથી. પછી મિત્રે કોઈપણ રીતે (જાણીને માતા-પિતાને) વાત કરી. તેથી પિતા જાણે વજથી હણાયો હોય તેમ દુઃખી થયો. પિતાએ પુત્રની પાસે જઈને કહ્યું અરે! તે આ શો નિર્ણય કર્યો? બ્રાહ્મણ ઠંડુ પણ ચંડાલનું પાણી કેવી રીતે ઇચ્છે? શ્રીમંત વણિકોની રૂપવતી કન્યાઓ શું પૂર્ણ થઈ ગઈ છે? જેથી તું વાત કરવાને માટે પણ અયોગ્ય એવી નટપુત્રી ઉપર અનુરાગવાળો થયો છે. પછી ઇલાપુત્રે કહ્યું: હે પિતાજી!
૧. જો અનિમેષપણું ન મળ્યું હોત તો નટપુત્રીનું નૃત્ય એકીટસે જોઇ ન શકાત. અનિમેષપણું મળ્યું તેથી
નટપુત્રીનું નૃત્ય એકીટસે જોઇ શકાય છે એમ અનિમેષપણાથી હર્ષ પામેલા. ઉ. ૧૩ ભા.૨