________________
૭૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર તૈયાર કરીને મોહ ન પામો. આ પ્રમાણે માંરું વચન કહીને કોઈક રીતે તે પ્રમાણે માલતીરાણીને આશ્વાસન આપવું કે જેથી સ્વપ્નમાં પણ આ ન વિચારે. તે કુમારે આ પ્રમાણે કહીને દાસીને જવાની રજા આપી. દાસીએ રાણી પાસે જઈને બધું ય વિશેષથી કહ્યું. આ પ્રમાણે કહેવા છતાં રાણી કુમારના રાગને છોડતી નથી. કામને આધીન બનેલી રાણી ફરી બીજી બીજી દાસીને કુમારની પાસે મોકલે છે. બક્તિઓથી રોકવાનો પ્રયત્ન કરવા છતાં
જ્યારે આવા અકાર્યથી નિવૃત્ત થતી નથી ત્યારે ખેદ પામેલા કુમારે મનમાં આ પ્રમાણે વિચાર્યું- આનો પરિણામ નિવૃત્ત થતો નથી. મારા માટે આ અકાર્ય છે. જો રાજાને કહેવામાં આવે તો ખરેખર! રાણી નાશ પામે, આત્મહત્યા કરવી એ વિરુદ્ધ છે. આ ઉપાય વિલંબને સહન કરે તેમ નથી. (અર્થાત્ રાણી અનુચિત કંઈ પણ કરે એ પહેલાં જલદી મારે આનો ઉપાય કરવો જોઇએ.) તેથી અહીં મારે શું યોગ્ય છે તે હું સમ્યક્ જાણતો નથી. સર્વ પક્ષોને (આમ કરવું, તેમ કરવું ઇત્યાદિ સર્વ પક્ષોને) આ લોક આદિથી વિરુદ્ધ જાણીને રાજાને જણાવ્યા વિના કુમાર ત્યાંથી વિદેશમાં ગયો.
રસ્તામાં પુરંદરકુમારને બ્રાહ્મણનો મેળાપ. અન્ય અન્ય દેશને જોવાનું કુતૂહલ જેનું વધી રહ્યું છે એવો તે કુમાર જલદી ઘણા પર્વતોને અને જંગલોને ઓળંગીને દૂર સુધી ગયો. જતા એવા તેને માર્ગમાં એક સ્થળે એક બ્રાહ્મણ મળ્યો. અંજલિ જોડીને તેણે કુમારને કહ્યું: હે મહાસત્ત્વ! આ જ જંબૂદ્વીપમાં સંદહા દેશમાં નંદિપુરનામનું સુપ્રસિદ્ધ નગર છે. મારે તે નગરમાં જવાનું છે. આ માર્ગ ક્રમશઃ તે નગરમાં જાય છે. હે સુભટ! તેથી જો તમે મારા ઉપર અનુગ્રહ કરો તો હું તમારી નિશ્રાએ જઉં, અર્થાત્ તમારી સાથે ચાલું. કુમારે તેને કહ્યું: તારી સાથે વાતો કરતાં આપણે સુખપૂર્વક જઇશું. તેથી અહીં અમને અનુગ્રહ કરવા માટે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. દરિદ્ર, શુદ્ર, સર્વ સુલક્ષણોથી રહિત તે બ્રાહ્મણ વાચાળ હોવાના કારણે રસ્તામાં કુમારને સુખી કરે છે.
પુરંદરકુમારે પલ્લિપતિને હરાવ્યો. બ્રાહ્મણની સાથે ક્યાંક જંગલમાં જતા કુમારને પિતાનો શત્રુ અને ચોર એવા વજભુજ નામના પલ્લિપતિએ જોયો. કુમાર અતિશય દૂર ન ગયો તેટલામાં સૈન્ય અને વાહનોથી સહિત વાદળાની જેમ ગળાની ગર્જના કરતાં તે કુમાર ઉપર ઉછળ્યો. તેણે કુમારને કહ્યું: અરે! તું એમ ન કહેતો કે મને ન કહ્યું. આ હું તારા પિતાનો શત્રુ છું. તેથી જે યુક્ત હોય તે કર. હવે કંઇક હસીને, ક્ષોભ પામેલા બ્રાહ્મણને મૂકીને લીલાથી ડોકને વાળીને કુમારે કહેવાનું શરૂ કર્યું. બાળક પણ પિતાના શત્રુઓનું જે યુક્ત હોય તે કરે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ કરુણારસ જ કંઈક ક્ષણવાર રોકે છે. કુમારનું વિચારપૂર્વક કહેલું સાંભળીને જેમાં કોપરૂપ વિજળી ચમકી છે એવો પલ્લિપતિ બાણરૂપી જલધારાઓથી વરસવા લાગ્યો.