________________
શું ભાવાનુવાદકારના ભાવોની અભિવ્યક્તિ આ
નિપુણમતિ આચાર્ય શ્રી હેમભૂષણસૂરિજીએ મને ભવભાવના અને ઉપદેશમાળા એ બે ગ્રંથોનો ટીકા સહિત ગુજરાતી અનુવાદ કરવા માટે પ્રેરણા કરી. આ બંને ગ્રંથોની ટીકા ઘણી મોટી છે, અને તેમાં આવતી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં છે. આથી બંને ગ્રંથોનો સટીક અનુવાદ કરવામાં ઘણો વિલંબ થાય. આ અંગે દીર્ઘ વિચાર કર્યા પછી આ કાર્ય જલદી થાય એ માટે ભવભાવના ગ્રન્થનો અનુવાદ કરવા માટે મેં મારા શિષ્યરત્ન કર્મસાહિત્યનિપુણ આચાર્યશ્રી વીરશેખરસૂરિજીના શિષ્યરત્ન પોતાના નામને યથાર્થ કરનારા મુનિશ્રી સુમતિશેખરવિજયજીને પ્રેરણા કરી. તેમણે સહર્ષ પ્રેરણાને ઝીલીને થોડા જ સમયમાં એ કાર્ય પૂર્ણ કર્યું.
મેં ઉપદેશમાલા ગ્રન્થનો સટીક અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો. વચ્ચે વચ્ચે શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રન્થોનું કામ આવી જતાં આ અનુવાદમાં વિલંબ થયો. વિલંબે પણ આ અનુવાદનું પ્રકાશન નિહાળીને મારું હૈયું હર્ષવિભોર બની રહ્યું છે. આ પ્રસંગે મારા પરમોપકારીઓ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ., નિઃસ્પૃહતાનીધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ., વર્ધમાનતપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. ને વંદન કરું છું.
અનુવાદના નિમિત્તથી આવા મહામૂલ્ય ગ્રંથનું વાંચન કરવાની તક મળવા બદલ અનુવાદના પ્રેરક નિપુણમતિ આચાર્ય શ્રી હેમભૂષણસૂરિજીને કેવી રીતે ભૂલી શકું ?
ગ્રંથમુદ્રણનો પ્રારંભ થયા પછી પ્રૂફ સંશોધનથી પ્રારંભીને અનુક્રમણિકા તૈયાર કરવા સુધીનું લગભગ બધું જ કામ સંભાળી લેનારા અને અનુવાદમાં ભાષાકીય કે અર્થની દૃષ્ટિએ ક્ષતિ ન રહી જાય તે માટે ઘણી જ મહેનત કરનારા મુનિશ્રી ધર્મશેખરવિજયજી પણ આ પ્રસંગે મૃતિપથમાં આવ્યા વિના રહેતા નથી.
મુનિ શ્રી દિવ્યશેખરવિજયજીએ પણ પૂફસંશોધન આદિમાં ઘણો સહકાર આપ્યો છે.
સંસ્કૃતભાષાવાળા ગ્રંથના અનુવાદની અપેક્ષાએ પ્રાકૃતભાષાવાળા ગ્રંથનો અનુવાદ વધારે કઠીન છે. કારણ કે પ્રાકૃત એક જ શબ્દના સંસ્કૃતમાં અનેક શબ્દો થતા હોય છે. જેમ કે, પ્રાકૃત રોગ શબ્દના સંસ્કૃતમાં વેડ, સેવ, શ્રેય, શ્વેત વગેરે અનેક શબ્દો થતા હોય છે. આમાંથી કયો શબ્દ લેવો તે પ્રકરણના અનુસારે નક્કી કરવું પડે છે. તથા ઘણા દેશ્યશબ્દોના પણ પ્રયોગો હોય છે. કેટલાક શબ્દો શબ્દકોષમાં પણ મળતા નથી. આમ અનેક રીતે પ્રાકૃતગ્રન્થોનો અનુવાદ કઠીન છે. એમાં પણ ઉપમાઓ અને યર્થક શબ્દો વારંવાર જેમાં આવે છે તેવા આ ગ્રંથનો અનુવાદ અલ્પબુદ્ધિ મારા જેવા માટે કઠીન ગણાય. આથી સંભવ છે કે આ અનુવાદમાં અનેક સ્થળે ક્ષતિઓ રહી ગઈ હોય. વિદ્વાનો રહી ગયેલી ક્ષતિઓનું પ્રમાર્જન કરે અને મને વિદિત કરે એવી વિનમ્ર પ્રાર્થના.
આ અનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે ગ્રંથકારના આશયથી વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
-આચાર્ય રાજશેખરસૂરિ
વિ.સં. ૨૦૫૮ કા.સુ. ૬ શ્રીરત્નત્રયી આરાધના હોલ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨.