________________
૩૭૮-મહાવ્રતોના રક્ષણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દરિદ્રપુરુષની કથા આ પ્રમાણે સાંભળ્યા પછી શેષ વ્યવસાયો અશક્ય છે એમ જાણીને, મોટાઓની ચરણસેવા નિષ્ફલ ન થાય એમ જાણીને, જગતમાં સમુદ્ર મહાન છે એમ જાણીને, તેણે સમુદ્રની સેવા શરૂ કરી. ત્રિકાળે સમુદ્રમાં પુષ્પ અને જલ નાખે છે. વિનયથી સમુદ્રને નમે છે. ભરતી ચઢતી હોય ત્યારે દોડે છે અને ભરતી પાછી હટતી હોય ત્યારે પાછો ફરે છે. કિનારાના ગામમાં ભિક્ષા માટે ભમીને આ પ્રમાણે નિત્ય જ કરે છે. આ પ્રમાણે ઘણા કાળ સુધી તેણે દુઃખસહન કર્યું. ત્યારે કોઈપણ રીતે લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવ તેના વિનયગુણથી આકર્ષાયો. તેથી પ્રસન્ન થઈને દરેકનું એકલાખ મૂલ્ય થાય તેવા પાંચ રત્નો આપે છે. તેણે વિનયથી રત્નો લઈને આ પ્રમાણે વિચાર્યું- (રપ) મેં આ રત્નો ઘણા કાળે દુઃખથી મેળવ્યાં છે. માટે મોટા ઉપાયથી સ્વદેશમાં લઈ જવા એ યોગ્ય છે. આમ વિચારીને તેણે ત્યાં અતિશય ગુણ પ્રદેશમાં એ પાંચ રત્નો દાટી દીધાં. રત્ન જેવાં પથ્થરના પાંચ ટુકડા લઈને કોસાંબી નગરીના માર્ગે ચાલ્યો. રસ્તામાં જ્યાં જ્યાં ચોરપલ્લી આવે ત્યાં ત્યાં ચોરપલ્લીની નજીક “મારા પાંચ રત્નોને જુઓ” એમ ઘોષણા કરતો જાય છે. તેથી ચોરો દોડીને જુએ છે તો પથ્થર છે. ચોક્કસ આ કોઈ ગાંડો છે એમ કહીને તેને છોડી દે છે. આ પ્રમાણે કોસાંબી અને સમુદ્રની વચ્ચે ત્રણવાર ગમનાગમન કર્યું. તેથી “મારા પાંચ રત્નો જુઓ” એમ પોકારતો હોવા છતાં બધા સ્થળે આ ગાંડો છે એમ સમજીને ચોરો એને ગણતા નથી. આ ગાંડો છે એવો નિશ્ચય કરીને બધા પોતાના સ્થાનથી પણ ઊભા થતા નથી. પછી ચોથી વખત રત્નોને પોતાની જંઘામાં છુપાવીને નગરીના તે જ માર્ગથી ચાલ્યો. સેવાળ આદિથી ડહોળું પણ પાણી માર્ગની નજીકમાં જ પીવે છે. અસાર પણ નજીકમાં રહેલા કંદ-ફળ વગેરેને એકઠા કરીને ખાય છે. નહિ જોયેલા ચોર આદિના ભયથી દૂર બહુ સાવધાનીપૂર્વક જાય છે. એ પ્રમાણે શયન વગેરે પણ કષ્ટપ્રદ હોવા છતાં નજીકમાં કરે છે. આ પ્રમાણે તે યત્નથી રત્નોની રક્ષા કરીને દુઃખપૂર્વક નગરીમાં આવ્યો, અને વિષયસુખોનો ભાગી બન્યો. એ પ્રમાણે મુનિ પણ પાંચ મહાવ્રતરૂપ રત્નોને સુગુરુરૂપ સમુદ્ર પાસેથી મેળવીને રક્ષા કરીને જ્ઞાનાદિ માર્ગથી લઈ જાય. એષણીય અને પ્રાંત (=નિરસ) અશન આદિ તેના ઉપકારી છે અને તેની નજીક રહેલા છે (એમ જાણવું). એષણીય અને પ્રાંત અશનાદિનું ભોજન કરતો તે મોક્ષને પ્રાપ્ત કરે છે અને અનંતસુખનો ભાગી થાય છે. વિદ્વાનોએ ઇત્યાદિ બીજો પણ ઉપનય કરવો. [૧૬૬]
આ પ્રમાણે દરિદ્રપુરુષનું કથાનક પૂર્ણ થયું. અહીં ઉપદેશમાલાનો પહેલો ભાગ પૂર્ણ થયો.
De/bbs/