________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અતિથિસંવિભાગ વ્રત-૩૧૫
આસેવન કરવું. આના પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે- અપ્રત્યુપેક્ષિત-દુષ્પ્રત્યુપેક્ષિત-શય્યાસંસ્તારક, અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-શય્યાસંસ્તારક, અપ્રત્યુપેક્ષિત-દુષ્પ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ,
સમ્યગ્ અનનુપાલન.
પાંચેયનો અર્થ સ્પષ્ટ છે.
અપ્રત્યુપેક્ષિત= દૃષ્ટિથી ન જોયેલું.
દુષ્પ્રત્યુપેક્ષિત= પ્રમાદના કારણે દૃષ્ટિથી બરોબર ન જોયેલું.
અપ્રમાર્જિત= રજોહરણ આદિથી નહિ પૂજેલું.
દુષ્પપ્રમાર્જિત= રજોહરણ આદિથી બરોબર નહિ પૂજેલું. જો સાધુની પાસે ઔપગ્રહિક (=વધારાનું) રજોહરણ હોય તો તે માગે. તેના અભાવમાં વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કરે. શય્યાસંસ્તારક=સૂવા માટેનો સંથારો.
સમ્યગ્ અનનુપાલન– પૌષધમાં હોય ત્યારે પણ મનથી આહારને ઇચ્છે, પારણે પોતાના માટે આદર કરાવે. શરીરસત્કારમાં શણગારબુદ્ધિથી મસ્તકના વાળ, શરીરના વાળ વગેરેને વ્યવસ્થિત રાખે, ઉદ્દવર્તન વગેરે કરે. મન વગેરેથી અબ્રહ્મ અને કોઇક સાવદ્યવ્યાપારનું સેવન કરે.
અતિથિસંવિભાગવ્રત
હવે અતિથિસંવિભાગરૂપ ચોથું શિક્ષાવ્રત કહેવાય છે. તિથિ અને પર્વ વગેરે લૌકિક વ્યવહારનો ત્યાગ કરીને ભોજનના સમયે ઉપસ્થિત થનાર સાધુ શ્રાવકના અતિથિ કહેવાય. કહ્યું છે કે— ‘(લૌકિક)તિથિઓ, પર્યો અને ઉત્સવો જે મહાત્માએ છોડી દીધા છે તેને અતિથિ જાણવા. બાકીના અભ્યાગત (પરોણા) જાણવા.''
સંવિભાગ શબ્દમાં સં, વિ અને ભાગ એમ ત્રણ શબ્દો છે. સં એટલે સંગત, અર્થાત્ `નિર્દોષ. વિ એટલે વિશિષ્ટ રીતે, અર્થાત્ પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે. ભાગ એટલે પોતાની વસ્તુનો અંશ. પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે ન્યાયથી ઉપાર્જિત અને કલ્પનીય (=ઉદ્ગમ આદિ દોષોથી રહિત) વસ્તુઓનો શ્રદ્ધાસત્કાર અને ક્રમથી યુક્ત અંશ આપવો તે સંવિભાગ.
અતિથિનો સંવિભાગ કરવો તે અતિથિસંવિભાગ. આના પણ પાંચ અતિચારો છે. તે આ પ્રમાણે– સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ, માત્સર્ય.
૧. ટીકામાં વિ શબ્દનો અર્થ આપ્યો નથી. અન્યગ્રંથોના આધારે અહીં વિ શબ્દનો અર્થ લખ્યો છે.