________________
ચરણશુદ્ધિદાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બીજાઅણુવ્રતનું સ્વરૂપ-૨૭ ઉત્તર- જે ગુસ્સે થઇને વધ વગેરે કરે છે તે વ્રતમાં નિરપેક્ષ છે. આવી રીતે વધ આદિ કરવામાં મૃત્યુ ન થવાથી નિયમ રહે છે, કોપથી દયાહીન બની જવાથી પરમાર્થથી નિયમનો ભંગ થાય છે. પૂજ્ય પુરુષો વ્રતના એક દેશના ભંગને અને એકદેશના પાલનને અતિચાર કહે છે.
વળી– વ્રતોની ચોક્કસ સંખ્યા નહિ રહે ઇત્યાદિ જે કહ્યું તે પણ અયુક્ત છે. વિશુદ્ધ રીતે હિંસાદિની વિરતિ થાય, અર્થાત્ નિરતિચારપણે વ્રતોનું પાલન થાય ત્યારે બંધાદિ ન જ હોય. તેથી બંધ વગેરે અતિચારો જ છે, જુદાં વ્રતો નથી. અહીં બંધ આદિનું ગ્રહણ ઉપલક્ષણ હોવાથી હિંસકમંત્રો વગેરેને પણ અતિચારો રૂપ જાણવા.
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત અતિચારસહિત પહેલું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ મૃષાવાદ વિરમણરૂપ બીજું વ્રત કહેવાય છે. સ્થૂલ એટલે મોટું. મૃષાવાદ એટલે અસત્યકથન. દ્વિપદ વગેરે મોટી વસ્તુઓ સંબંધી અને અતિદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલું જે અસત્યકથન તે સ્થૂલ મૃષાવાદ. તેનું વિરમણ તે સ્થૂલ મૃષાવાદ વિરમણ. અહીં સ્થૂલ મૃષાવાદનું વિરમણ છે, સૂક્ષ્મ મૃષાવાદનું નહિ. કારણ કે સૂક્ષ્મ મૃષાવાદનું વિરમણ મહાવ્રતનો વિષય છે. તે સ્થૂલ મૃષાવાદ કન્યાઅલીક, ગો-અલક, ભૂમિ-અલીક, ન્યાસાપહાર અને કૂટસાક્ષી એ પાંચ ભેદથી પાંચ પ્રકારનો છે. તેમાં નિર્દોષ પણ કન્યાને દોષવાળી અથવા દોષવાળી કન્યાને નિર્દોષ કહેનારને કન્યાઅલીક થાય. આ ( કન્યાલીક) દ્વિપદ સંબંધી સઘળા ય અસત્યનું ઉપલક્ષણ માત્ર છે. એ પ્રમાણે ગાય-અલીક પણ વિચારવું. કેવલ આ વિશેષ છે– આ ત=ગાય—અલીક) ચતુષ્પદ સંબંધી અસત્યનું પણ ઉપલક્ષણ છે. ભૂમિ બીજાની હોવા છતાં પોતાની છે ઇત્યાદિ કહેનારને ભૂમિઅસત્ય થાય. આ =ભૂમિ–અલીક) અપદસંબંધી સઘળાય અસત્યનું ઉપલક્ષણ છે.
પ્રશ્ન- જો એમ છે તો કન્યા વગેરે વિશેષનું ગ્રહણ કર્યા વિના સામાન્યથી દ્વિપદ-ચતુષ્પદ-અપદ એ પ્રમાણે જ ગ્રહણ કેમ ન કર્યું? કારણ કે તે ત્રણથી વધારે કોઈ વસ્તુ ન હોવાથી સર્વનો સંગ્રહ થઇ જાય છે.
ઉત્તર- તમારું કથન સત્ય છે. પણ કન્યા-અલીક વગેરે લોકમાં અતિશય નિંદ્ય હોવાથી વિશેષથી તેમનો ત્યાગ કરવા માટે કન્યા-અલીક વગેરેનું ગ્રહણ કર્યું છે. એથી જ દ્વિપદ આદિ ત્રણ સંબંધી અસત્યથી અન્ય અસત્ય ન હોવા છતાં લોકમાં અતિ નિંદિત રૂઢ થઈ ગયું હોવાના કારણે ન્યાસાપહાર અને કૂટસાક્ષી એ બેનું કન્યા-અલીક આદિથી જુદું ગ્રહણ કર્યું છે.