________________
૨૩૬-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
દિઢપ્રકારની કથા એ રીતે મંદ પરિણામથી મારું કર્મરૂપ મલ દૂર નહિ થાય. પછી તેણે ગુરુની પાસે અતિશય ઘોર દુષ્કર અભિગ્રહ કર્યો. તે આ પ્રમાણે બીજાથી મરાતા એવા પણ મારે ક્રોધ ન કરવો. વળી બીજું– જ્યાં સુધી તરફડતા ગર્ભનું સ્મરણ થાય ત્યાં સુધી ચારેય પ્રકારનો આહાર હું ગ્રહણ નહિ કરું. પછી જ્યાં ચોરપણામાં લોક સંતાપ પમાડાયો હતો ત્યાં જ વિચરે છે. તેને જોઈને કોઈ લાકડીના ઘાથી મારે છે, અન્ય ધૂળ ફેંકે છે, અન્ય પેનીના પ્રહારોથી મારે છે, કોઈ પૂર્વના અપકારને સંભારીને તેને અતિશય બાંધે છે, કુટે છે, ભૂમિમાં ફેંકે છે, અનેક રીતે સજા કરે છે. તેવો કોઈ પ્રકાર નથી કે જે પ્રકારથી તે લોક વડે વિડંબના ન પમાડાયો હોય તો પણ ચિત્તમાં વિચારે છે કે, હે જીવ! તું કોઈના ઉપર કોપ ન કર. કારણ કે અનાદિભવમાં ભમતા એવા તે આ સર્વ જીવોને અનંતવાર દુઃખમાં મૂક્યા અને બધાય જીવોને માર્યા છે. અથવા આ જન્મમાં પણ તે જીવોનું તે શું નથી કર્યું? કારણ કે તે વખતે મૂઢ ચિત્તવાળા મેં કોઈનું ધન ચોર્યું છે, અન્યનું કુટુંબ પણ મારી નાખ્યું છે, અન્યને તીક્ષ્ણ દુઃખવાળી પીડાઓ કરી છે. કોઈના પુત્રને, અન્યના બંધુને, કોઇના સ્વજનવર્ગને મેં લુંટ્યો છે, અથવા માર્યો છે. રે જીવ! તેથી હમણાં જ શુભગુરુનો યોગ અને જિનેન્દ્રધર્મ પ્રાપ્ત થયે છતે તથા વિવેક પ્રગટ થયે છતે તું પણ સમ્યફ સહન કર. અન્યથા આગળ(=ભવિષ્યમાં) આવી સામગ્રીથી રહિત, અતિદુઃખી અને અશુભધ્યાનવાળો તું આ કર્મની અસંખ્યકાળથી નિર્જરા કરીશ. (હમણાં સમ્યક્ રીતે સહન કરવામાં આવે તો થોડા કાળમાં ઘણી નિર્જરા થાય, પછી ઘણા કાળે થોડી નિર્જરા થાય એવો અહીં ભાવ છે.) ધીરપુરુષ બાલસુલભ આક્રોશ, તાડન, પ્રાણનાશ અને ધર્મભ્રંશના યથોત્તરના અભાવમાં લાભ માને છે, અર્થાત્ કોઈ ગાળ આપવી વગેરે આક્રોશ કરે તો આ માત્ર આક્રોશ જ કરે છે, પણ તાડન કરતો નથી, એટલું સારું છે. કોઇ તાડન કરે તો આ માત્ર તાડન જ કરે છે, પણ મારી નાખતો નથી, એટલું સારું છે. કોઈ હદ ઉપરાંત મારીને પ્રાણ લેવાનો પ્રયત્ન કરે તો આ માત્ર મારી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ ધર્મથી ભ્રષ્ટ કરતો નથી, એટલું સારું છે. આમ પછી પછીના અભાવને વિચારીને લાભ માને. ઈત્યાદિ ભાવનાથી આત્માને સમ્યક્ ભાવિત કરતા, સર્વ આહારનો ત્યાગ કરતા, અદીનવૃત્તિવાળા, કાયલેશ વગેરે મહાન તપશ્ચર્યાને કરતા તે મુનિને ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભવોપગ્રાહી કર્મસમૂહને પણ ખપાવીને દઢપ્રહારી મુનિ સિદ્ધ(=કૃતકૃત્ય), બુદ્ધ( કેવલજ્ઞાની) અને મુક્ત (=સર્વકર્મોથી મુક્ત) થઈને મોલમાં ગયા. [૨]
આ પ્રમાણે દઢપ્રહારીનું કથાનક પૂર્ણ થયું.
૧. નાત=સમૂહ.