________________
૨૩૦-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા
જરૂર છે એમ બોલતા સહસા ઉઠ્યા. દેવમુનિએ પણ કહ્યુંઃ ઝાડાના રોગથી પીડાયેલા અતિવિદ્દલ તે મુનિ જંગલમાં છે, અને હે નિર્લજ્જ! તું અહીં નિશ્ચિંત રહ્યો છે, (૨૫) મિષ્ટાન્ન ખાય છે, નિરપેક્ષપણે રાત-દિવસ સૂઇ રહે છે. કેવલ ‘‘હું વેયાવચ્ચ કરનારો છું” એટલા માત્રથી તું ખુશ રહે છે. હે મહાનુભાવ! નહિ જાણતા એવા મારા આ પ્રમાદની ક્ષમા કરો એ પ્રમાણે કહીને નંદિષણમુનિ તે મુનિને વારંવાર નમે છે. તે દેવ મુનિએ ક્ષેત્રમાં અને કાલમાં દુર્લભ એવા ઔષધો લાવવા કહે છે અને ઉષ્ણ પાણી મંગાવે છે ત્યારે તે દેવ દરેક ઘરે અનેષણીય=દોષિત કરે છે. તો પણ નંદિષણમુનિ દીન બન્યા વિના પોતાના પ્રભાવથી તે દેવને છેતરીને ઔષધ-પાણી આદિ સર્વ વસ્તુ લઇને બીજા મુનિની પાસે ગયા. નંદિષણને જોઇને ગુસ્સે થયેલા તે મુનિએ કહ્યું: હું જંગલમાં આવી અવસ્થાને પામેલો છું, અને હે નિર્ભાગ્યશેખર! ક્ષુદ્ર! નિર્લજ્જ! તું સુખથી રહે છે. આ પ્રમાણે તિરસ્કાર કરાયેલા પણ નંદિષણમુનિ તે મુનિને પણ વારંવાર ખમાવે છે. તે સમયે મુનિની રજા લઇને અશુચિરસથી ખરડાયેલા શરીરને સાફ કરીને નંદિષણમુનિએ તે મુનિને પોતાના ખભા ઉપર બેસાડ્યા. ગાળોને આપતા તે મુનિ પણ નંદિષણની નિંદા કરે છે અને મસ્તકમાં ગાઢ પ્રહારોથી મારે છે, અને તેની ઉપર દુર્ગંધ ભરેલી અશુચિને મૂકે છે. હે નિર્દય! મને આમ-તેમ હલાવ નહિ. સમાન માર્ગે કેમ ચાલતો નથી? કઠણ હાથોથી મારા શરીરને સજ્જડ (=મજબૂત) ધારણ કરે છે. તું પરની પીડાને કેમ જાણતો નથી. જેથી મને પગલે પગલે દુ:ખી કરે છે. હે નિષ્ઠુર! તું અતિ નિર્દય છે. આવા તેં વેયાવચ્ચ કરવાનો કેવી રીતે સ્વીકાર કર્યો? દેવમુનિ આ રીતે નિષ્ઠુર કહી રહ્યા હતા ત્યારે નંદિષેણ મુનિએ વિચાર્યું: મારે આ સાધુની સમાધિ કેવી રીતે કરવી? કારણ કે બરોબર નહિ ચાલતો હું મુનિને પીડા કરું છું. અહીં વ્યાધિથી વિહ્વલ બનેલા મુનિસંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. શુદ્ધ મનવાળા અને મુનિઓમાં શ્રેષ્ઠ નંદિષણ મુનિએ આ પ્રમાણે વિચારીને ગ્લાનમુનિને મધુરવચનોથી કહ્યુંઃ જરા પણ ખેદ ન કરો. હવે હું તમને સુખપૂર્વક લઇ જઉં છું. હે ભગવંત! મકાને પહોંચ્યા પછી આપ જે રીતે નિરોગી બનો તે રીતે મારે કરવાનું છે. મારા ઉપર નાખુશ ન થાઓ. આપ મારા વડે કોઇપણ રીતે જે પીડા કરાયા તેની ક્ષમા કરો. આ પ્રમાણે દેવોએ અવધિજ્ઞાનથી જોયું (=પરીક્ષા કરી) તો નંદિષણમુનિ શુદ્ધ સુવર્ણની જેમ બહાર અને અંદર શુદ્ધ જણાયા. પછી તુષ્ટ થયેલા તે દેવોએ પોતાનું રૂપ પ્રગટ કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિથી વંદન કરીને, મુનિવરને કહ્યું: હે મહાયશસ્વી! આપ ધન્ય છો, સર્વ વિશ્વને આપ જ પૂજ્ય છો કે જે આપની સ્વયં ઇંદ્ર સતત પ્રશંસા કરે છે. માનથી ભરેલા લોકમાં આ પ્રમાણે બીજાની
૧. પસંસાર્ અવળિો=પ્રશંસાથી અક્ષણિક=સતત પ્રશંસા.