________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૩૩ સ્વીકાર્યો. ચોરો બહુ દૂરથી તિરસ્કાર કરાયા. હે રાજ! પછી બીજા પણ ઘણા દેશોમાં આ પ્રમાણે જ ચોરોની વિડંબનાઓથી ઘણા લોકને છોડાવતો અને ગામ-નગર સહિત તમારા દેશને મોહરૂપ મહાચોરોથી લુંટાતો જોઈને ઉત્પન્ન થયેલ કરુણાના પરિણામવાળો તે હું વિમલબોધ આ સાધુઓથી પરિવરેલો અહીં આવ્યો છું. તેથી યથોક્ત ચોરસમુદાયનો ઘાત કરવા માટે પૂર્વોક્ત કુળમાં ઉત્પન્ન થયેલા સાધુઓ આ કષ્ટોને સહન કરે છે. તમોએ અહીં જે પૂછ્યું હતું તે બધું જણાવ્યું. હે નરાધિપ! આ સાંભળીને જે યોગ્ય હોય તે કરો.
આ વચન સાંભળ્યા પછી તુરત જ વિજયસેન રાજા ગુસ્સે થઈ ગયો. તેનો ભાલરૂપ 'ફલક ત્રણ વળીઓ રૂપી તરંગોથી યુક્ત બન્યો. શરીરમાંથી પસીનાના ઘણા બિંદુઓ ટપકવા લાગ્યા. હોઠરૂપ પલ્લવો સતત ફરકવા લાગ્યા. કાયારૂપી લાકડી કંપવા લાગી. આંખો ગુંજાના અર્ધભાગ જેવી લાલ અને ભયંકર બની ગઈ. તલવાર ઉપર હાથ નાખતો તે ઝડપથી ઊભો થયો. આક્ષેપપૂર્વક તેણે કહ્યું: હે મંત્રીઓ! હે સામંતો! હજી પણ વિલંબ કેમ કરાય છે? જલદી તૈયાર થાવ. દુષ્ટ ચોરોના મસ્તકોને પકડો. મોહ મહાચોર વગેરેને લાંબી શૂળીઓમાં નાખો, અર્થાત્ શૂળી ઉપર ચડાવીને મારી નાખો. મદન વગેરેને મજબૂત યંત્રોમાં પીલી નાખો. એમણે મને પણ બીજા રાજા સમાન (સામાન્ય) ગણ્યો. એમણે મારો પ્રભાવ પૂર્વે સાંભળ્યો નથી. જેથી એઓ મારી હદનું ઉલ્લંઘન કરે છે. તેથી પાપી તેઓ આજે સ્વદુર્નતિના ફલને પામો, મારા સ્વરૂપને જાણો. જગત ચોરરૂપ કાંટાઓથી રહિત બનો. આ પ્રમાણે પિતાને ક્રોધથી પરાધીનતાને પામેલા જોઇને કંઈક હસીને ઊભા થઈને પિતાને બાહુરૂપ દંડથી પકડીને પુરંદરકુમારે કહ્યું: હે તાત! અહીં ભ્રાંતિથી સર્યું. આ અંતરંગ ચોર લોકો છે. આપના સામંત વગેરેના બલથી જીતી શકાય તેવા નથી. કિંતુ હમણાં જ આ આચાર્ય ભગવંતે બતાવેલા ઉપાયથી અવશ્ય જીતી શકાય તેવા છે. વળી બીજું, જેમનાથી સ્વર્ગમાં ઇંદ્ર, પૃથ્વીમાં ચક્રવર્તી, પાતાળમાં નાગેન્દ્ર લુંટાયો છે, તેમની આગળ આપના જેવાની શી ગણના હોય? તેથી આપ કૃપા કરીને બેસી જાઓ. તેથી રાજા વિલખો બનીને દિશાઓને જોતો તે જ પ્રમાણે બેસી ગયો. એકક્ષણ પછી સ્વસ્થ થઈને રાજાએ પુરંદરકુમારને કહ્યું: હે વત્સ! જો એમ છે તો મેં મુનીંદ્રના ગંભીર વચનોનો તેવા પ્રકારનો કોઈક અર્થ જાણ્યો નથી. પણ તેં આ સઘળો અર્થ જાણ્યો હોય તેમ જણાય છે. તેથી તું જ તે અર્થને જણાવ, જેથી અમે પણ કૃતાર્થ થઈએ. તેથી પુરંદરકુમારે કહ્યું હે પિતાજી! આ મુનીશ્વરની સઘળી ય વચનરચના સ્પષ્ટ જ છે. તો પણ જો ક્યાંક સંકેત ન પકડાવાથી આપને સંદેહ હોય તો ફરી પણ સ્વબોધ પ્રમાણે હું પણ કંઇક કહું છું. આ પ્રમાણે કહીને પુરંદરકુમારે પ્રારંભથી જ આરંભીને સઘળો ય ભાવાર્થ પિતાને જણાવ્યો.
૧. ફલક=પાટિયું. ૨. પલ્લવ-કુંપળ.