________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૩૧ અમારા ઉપર કૃપા કરીને તે પ્રમાણે પ્રયત્ન કરો કે જેથી અમારું મન પણ કર્મદોષથી કે પ્રમાદ-અજ્ઞાન દોષથી ચારિત્ર રાજાને છોડીને પ્રમાદરૂપ વન તરફ ન જાય. તેમણે આ પ્રમાણે કહ્યું એટલે જેમનું મન વિશેષથી વધતા કરુણારસથી આÁ થઈ રહ્યું છે એવા સમયરાજે વિમલબોધમાં વિશેષ યોગ્યતા જોઇને પોતાની પાસે રહેલું જિનવચન રૂપ મહામંત્રનું સઘળું રહસ્ય તેને જણાવ્યું. તેને તે સમ્યક્ પરિણમ્યું. તેથી સમયરાજે તેને તેના શમજલધિ વગેરે બાકીના બંધુઓના નાયક તરીકે સ્થાપ્યો અને હિતશિક્ષા આપી કે- હે વત્સ! વિમલબોધ! તારા આ સઘળા ય બંધુઓ આજથી તારા શિષ્યો છે. તેથી જે રીતે મેં એમનું 'અનુવર્તન કર્યું તેમ તારે પણ તેમનું અનુવર્તન કરવું. તથા હે વત્સો! આજથી તમારો પણ આ વિમલબોધ ગુરુ છે. જેવી રીતે તમોએ મારી સમ્યમ્ આરાધના કરી તેવી રીતે તેની પણ સમ્યમ્ આરાધના કરવી. વળી બીજું, સદાય મારાથી અપાયેલ જિનવચનરૂપ મંત્રનો અપ્રમત્ત બનીને વિધિપૂર્વક જાપ કરવો. તે વિધિ આ છે– સુધાને જીતવી=સહન કરવી. તૃષા સહન કરવી. ઠંડી સહન કરવી. ગરમીને ન ગણવી. પોતાના શરીર ઉપરથી મચ્છરને દૂર ન કરવા. જીર્ણ અને મલિન વસ્ત્ર પહેરવા. મોટી આપત્તિમાં પણ અરતિ ન કરવી. સ્ત્રીસંગનો દૂરથી ત્યાગ કરવો. ક્યાંય આસક્તિ કર્યા વિના વિહાર કરવો. સર્વ ભયોથી મુક્ત બનીને મશાન આદિમાં રહેવું. સ્ત્રીસંગ આદિ દોષથી રહિત વસતિમાં રહેવું. કોઈ આક્રોશ કરે, વધ કરે, પીડા આપે તો પણ ગરમ ન થવું. કોઈ વસ્તુ ન મળે તો દીનતા ન કરવી. રોગોમાં આર્તધ્યાન ન કરવું. કઠોર સ્પર્શથી ઉગ ન પામવો. શરીર અને ઉપધિનો સૂક્ષ્મ પણ સંસ્કાર ન કરવો. પૂજા-અપમાનમાં સમચિત્તવાળા થવું. બુદ્ધિ વગેરે ગુણોમાં અભિમાન ન કરવું. જ્ઞાન બિલકુલ ન ચઢે=જીવાદિતત્ત્વોને વિશેષથી ન સમજી શકાય વગેરેમાં વિપરિણામવાળા ન થવું, અર્થાત્ દીન ન બનવું. શંકા અને કાંક્ષા આદિ દોષોમાં ન રહેવું, અર્થાત્ શંકા અને કાંક્ષા આદિ દોષોને ઉત્પન્ન ન થવા દેવા. વળી બીજું– ઉપવાસ, છઠ્ઠ અને અક્રમ વગેરે તપ કરવો. ઊણોદરીથી રહેવું. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અભિગ્રહોથી ભિક્ષા ગ્રહણ કરવી. રૂક્ષ અને પ્રાંત આહારથી જીવનનિર્વાહ કરવો. ઉત્કટુક અને ગોદોહિકા વગેરે આસન અને કેશલોચ વગેરે કષ્ટોને સહન કરવાં. ઇંદ્રિય અને કષાયની સલીનતાથી રહેવું, અર્થાત્ ઇંદ્રિયો અને કષાયો ઉપર કાબૂ રાખવો. ખોટા આચરણોમાં પ્રાયશ્ચિત્ત કરવું. બધી જ રીતે વિનય અને વૈયાવચ્ચના જ રસવાળા થવું. વાચના આદિમાં પ્રયત્ન કરવો. સદા ય શુભધ્યાનમાં રહેવું. પોતાના શરીરમાં પણ મમત્વ ન કરવું. ઉચ્છવાસ અને નિશ્વાસ સિવાય બીજું કોઈ પણ કાર્ય કયારેય ગુરુને પૂછ્યા વિના ન કરવું. તેથી જીવદયા, સત્ય, ચોરીત્યાગ, ૧. અનુવર્તન એટલે શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરવો. ૨. શરીર ઉપરથી મેલ ઉતારવો વગેરે શરીરસંસ્કાર છે. કપડામાં રંગીન દોરા નાખવા વગેરે ઉપધિસંસ્કાર છે. ઉ. ૧૦ ભા. ૧