________________
પરિશિષ્ટ-૧
૨૫૭
તરવરાટ
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારની આરાધનાનો જે અદમ્ય ઉલ્લાસ એનું જ નામ વીર્યાચાર. સાધનાનો તલસાટ કહો, આરાધનાનો તરવરાટ કહો, મોક્ષની ઉત્કંઠા કહો કે નિર્જરાની અભીપ્સા કહો, આ સર્વનું મૂર્તિમંત સ્વરૂપ હતા પૂજ્યશ્રી. તેમનો તરવરાટ કોઇ ક્ષણે છૂપો ન રહી શકતો.
૮૨ વર્ષની ઉંમરે સોલ્જરની જેમ વિહાર કરતી એમની મુદ્રા....૮૩ વર્ષની ઉંમરે સ્પ્રિંગની જેવી સ્ફૂર્તિથી પ્રમાર્જનાપૂર્વક ઉભા થઇ-થઇનેં ખમાસમણા દેતી એમની કાયા....શિબિરોમાં છ-છ કલાકના પ્રવચનો આપીને ઉપાશ્રયમાં પગ મુકતાની સાથે વાચનાનું નિમંત્રણ આપતા એમના મધુર વચન.... વર્ધમાન તપની ૧૦૦ મી ઓળીના અંતિમ દિને ૧૦૧મી ઓળીના શમણા સેવતી એમની ચિત્તવૃત્તિ. શિષ્યના શિષ્યના શિષ્ય બિમાર પડે, તો તેમની પણ સેવા કરવાની સહજ વૃત્તિ.... શબ્દોના બીબામાં તેમનો અમાપ અફાટ તરવરાટ સમાઇ જાય એવી કોઇ જ શક્યતા નથી.
વિરાગમહાસાગર
‘સાહેબ ! ચોમાસું પૂરું થશે, ચાર ચાર મહિના આપે પ્રવચનગંગા વહાવી. આપનું પ્રવચન તો બેજોડ છે જ. સાથે સાથે મેં એક વાત માર્ક કરી છે કે આપે કદી