________________
૨૧૫
ભાવાર્થ :
વૈરાગ્યભેદાધિકાર
જે જીવો ઉત્સર્ગાદિમાં એકાંતે આગ્રહ રાખનારા છે, તેઓને જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી, તે આ રીતે –
૧. ઉત્સર્ગ :- કોઈ જીવ સ્યાદ્વાદને માનતો હોય, તેથી તે સામાન્યથી જાણે છે કે જૈનશાસન ઉત્સર્ગ-અપવાદમય છે. તો પણ સ્થૂલબુદ્ધિ હોવાને કા૨ણે ઉત્સર્ગની પ્રવૃત્તિ સંયમને અનુકૂળ છે અને અપવાદની પ્રવૃત્તિ સંયમને પ્રતિકૂળ છે, તેમ તેને દેખાય છે. તેથી અપવાદનું સ્થાન હોય ત્યાં પણ તે ઉત્સર્ગને જોડવા યત્ન કરે છે. તેવા જીવને એકાન્ત ઉત્સર્ગની રુચિ હોય છે. કારણ કે અપવાદના સેવનથી જ જ્યારે વિશેષ લાભ હોય તેવા સ્થાનમાં પણ ઉત્સર્ગને જોડવો તે ઉત્સર્ગ પ્રત્યેનો અધિક પક્ષપાત છે, જે દોષરૂપ છે.
૨. અપવાદ :- વળી કોઈક જીવ આરાધના અર્થે તપ-સંયમમાં યત્ન કરતો હોય અને સ્યાદ્વાદને માનતો હોય, તો તે જાણતો હોય છે કે જૈનશાસન ઉત્સર્ગઅપવાદમય છે. પરંતુ જો પોતાનો સુખશીલિયો સ્વભાવ હોય તો, ઉત્સર્ગના સ્થાને પણ અપવાદનું અવલંબન લઈને માને કે ભગવાનના શાસનમાં અપવાદ પણ છે, માટે હું અપવાદનું સેવન કરું છું. આવા જીવોને એકાન્તે અપવાદમાં રુચિ હોય છે. કેમ કે ઉત્સર્ગના સ્થાનમાં પણ અપવાદને જોડવાની મનોવૃત્તિ તેઓને છે, જે દોષરૂપ છે.
એ જ રીતે વ્યવહારમાં કે નિશ્ચયમાં એકાન્ત આ રીતે પ્રાપ્ત થાય. જેઓ એકાન્તે બાહ્ય ક્રિયાઓને જ મોક્ષનું કારણ માને છે, તેઓ એકાન્તવ્યવહારરુચિવાળા છે.
જેઓ બાહ્ય ક્રિયાઓને મોક્ષનું કારણ માનતા નથી, અને શરીર આદિ સાથેના ભેદજ્ઞાનને જ એકાન્તે મોક્ષનું કા૨ણ માને છે; તેઓ એકાન્તનિશ્ચયરુચિવાળા છે. આ સિવાય જેઓ સ્યાદ્વાદને માનવા છતાં એકાંતે વ્યવહારને કે નિશ્ચયને જ માને છે તેઓ પણ એકાન્તવાદી છે. તે આ પ્રમાણે -
૩. વ્યવહાર :- સ્યાદ્વાદને માનનારા કેટલાક એમ જ કહે છે કે, અમને વ્યવહાર અને નિશ્ચય ઉભય અભિમત છે, પરંતુ પ્રથમ ભૂમિકામાં વ્યવહાર જ સાધક છે માટે વ્યવહારમાં જ યત્ન કરવો જરૂરી છે. શબ્દથી આ વચન માનવા છતાં જે લોકોની રુચિ પરિણામનિરપેક્ષ ક્રિયામાં જ છે, અને જેઓ એમ જ માને છે કે ક્રિયા કરવાથી જ પરિણામ આવે, અને પરિણામપૂર્વકની ક્રિયા જ અમને