________________
ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैव शक्यते ।
नोपमेयं प्रियाश्लेषै - नापि तच्चन्दनद्रवैः ॥ જ્ઞાનમાં ડૂબેલાનું જે સુખ છે તે કહી શકાય એવું નથી. તે પ્રિયાના આલિંગનના સુખ જેવું નથી. તે ચંદનના રસના વિલેપનથી થતાં સુખ જેવું નથી. (તે તેમનાથી પણ ચઢિયાતું છે.)
આપણે પણ આ પુસ્તકના માધ્યમે જ્ઞાનનું સુખ માણવાનું છે. જિનશાસનમાં જ્ઞાનના અનેક વિષયો છે. જેમ કે – વ્યાકરણ, ન્યાય, કર્મસાહિત્ય, તત્ત્વજ્ઞાન, આચાર, ઈતિહાસ, ભૂગોળ, કથાસાહિત્ય વગેરે. પ્રસ્તુત પુસ્તક જૈનભૂગોળ સંબંધી છે. જૈનભૂગોળની સંક્ષિપ્ત રૂપરેખા આ પ્રમાણે છે.
અનંત અલોકમાં લોક કોઈપણ આલંબન વિના અદ્ધર રહેલો છે. તેના ત્રણ વિભાગ છે – ઊર્ધ્વલોક, તિથ્યલોક અને અધોલોક, લોક ચૌદ રાજ ઊંચો છે. અધોલોકના તળિયે તેની પહોળાઈ સાત રાજ છે. ત્યારપછી ઉપર જતાં તેની પહોળાઈ ઘટતાં ઘટતાં તિષ્ણુલોકની મધ્યમાં તેની પહોળાઈ એક રાજ છે. ત્યારપછી તેની પહોળાઈ વધતાં વધતાં ઊર્ધ્વલોકની મધ્યમાં તેની પહોળાઈ પાંચ રાજ છે. ત્યારપછી તેની પહોળાઈ ઘટતાં ઘટતાં ઊર્ધ્વલોકના ઉપરના છેડે તેની પહોળાઈ એક રાજ છે. તિચ્છલોકમાં - અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. સૌથી મધ્યમાં જબૂદ્વીપ છે, તેને ફરતો લવણસમુદ્ર છે. તેને ફરતો ધાતકીખંડ છે. તેને ફરતો કાળોદધિસમુદ્ર છે. તેને ફરતો પુષ્કરવરદ્વીપ છે. આમ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. પુષ્કરવરદ્વીપની મધ્યમાં વલયાકારે માનુષોત્તરપર્વત છે. ત્યાં સુધીના ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપ અને બે સમુદ્ર છે. અઢી દ્વીપ આ પ્રમાણે છે – જંબૂદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધદ્વીપ. બે સમુદ્ર આ પ્રમાણે છે – લવણસમુદ્ર અને કાળોદધિસમુદ્ર. મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તેની બહાર લબ્ધિથી કે દેવ વગેરેની સહાયથી જઈ શકાય છે, પણ ત્યાં કોઈ પણ મનુષ્યના જન્મ-મરણ થતાં નથી.