________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૩
૧૮૩
ઉચિત ચિંતા કરવાને અનુકૂળ દયાનો પરિણામ રહે અને જો શ્રાવક તેમ ન કરે અને બધાની ઉપેક્ષા કરીને સ્વયં ભોજન કરે તો બીજાની પીડા પ્રત્યેના કઠોર પરિણામને કારણે પોતાના અહિંસારૂપ અણુવ્રતમાં મલિનતા થાય છે. વિશેષથી શું? પહેલાં અહિંસા લક્ષણ મૂળગુણનો અતિચાર ન થાય તે પ્રકારે શ્રાવકે યત્ન કરવો જોઈએ. આથી જ ભેંસ-બકરી વગેરેના ઉછેરમાં નવા નવા જીવોની ઉત્પત્તિ વગેરે અનેક દોષોની પ્રાપ્તિ છે. તેથી તેવાં કાર્ય શ્રાવકે વર્જન કરવાં જોઈએ.
અહીં કોઈ શંકા કરે છે કે શ્રાવકે હિંસા નહીં કરવાનું પચ્ચખ્ખાણ કરેલ છે, તેથી તે તાડનાદિ કરે તેમાં કોઈ દોષ નથી; કેમ કે તાડનાદિ કરવા છતાં તે જીવની હિંસા થઈ નથી માટે અહિંસાવ્રતનું પાલન છે. જો એમ કહેવામાં આવે કે હિંસાવ્રતનું પ્રત્યાખ્યાન કરેલું છે તેમ તાડનાદિનું પણ પચ્ચખ્ખાણ કરેલ છે માટે તાડનાદિ કરવામાં વ્રતનો ભંગ જ પ્રાપ્ત થાય. પરંતુ વ્રતના અતિચારો પ્રાપ્ત થાય નહિ; કેમ કે હિંસા અને તાડનાદિ સર્વનું પ્રત્યાખ્યાન છે. વળી હિંસા અને તાડનાદિનું પચ્ચખાણ છે એમ સ્વીકારવામાં આવે તો એક હિંસાવ્રત થવાને બદલે હિંસા-તાડનાદિ મળીને વ્રતની સંખ્યા હિંસાને આશ્રયીને કની પ્રાપ્તિ થાય અને તેમ સ્વીકારવાથી દરેક વ્રતોના અતિચાર સહિત વ્રતની સંખ્યા ગણવાથી ૧૨ વ્રતોની સંખ્યાની મર્યાદા રહે નહીં માટે બંધાદિનો અતિચાર કહી શકાય નહિ. આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – " શ્રાવક હિંસાનું પ્રત્યાખ્યાન કરે છે, તે વખતે અર્થથી વધાદિનું પણ પચ્ચખાણ થાય છે; કેમ કે દયાળુ સ્વભાવના રક્ષણ અર્થે કોઈના પ્રાણ નાશ કરવા ઉચિત નથી તેમ કોઈને પીડા આદિ કરવી પણ ઉચિત નથી અને તેમ સ્વીકારવાથી વધાદિ કરણમાં વ્રત ભંગ થશે. અતિચારની પ્રાપ્તિ નહીં થાય એ પ્રકારની શંકા કરવી નહિ; કેમ કે વ્યવહારનયની દૃષ્ટિથી વ્રત બે પ્રકારનું છે. બાહ્ય આચરણારૂપે અને અંતરંગ પરિણામરૂપ છે અને અંતઃપરિણામરૂપ વ્રત દયાળુ પરિણામ સ્વરૂપ છે અને બાહ્ય આચરણારૂપ વ્રત અહિંસાના કૃત્યરૂપ છે. તેથી કોઈ શ્રાવક “આને હું મારી નાખું' એ પ્રકારના વિકલ્પ વગર ક્રોધાદિના આવેશથી નિરપેક્ષપણાપૂર્વક તાડનાદિમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે અંતરંગ વૃત્તિથી દયાનો પરિણામ નાશ પામે છે. તેથી વ્રત ભંગ થાય છે તોપણ બાહ્ય રીતે તે જીવોની હિંસા થઈ નથી તે દૃષ્ટિથી વ્રતનું રક્ષણ છે. આથી જ કોઈ શ્રાવકને સાક્ષાત્ કોઈને મારી નાખવાનો પરિણામ થયો હોય અને મારવા માટે પોતાનાથી શક્ય યત્ન કર્યો હોય છતાં તે જીવ મરે નહીં ત્યારે અંતઃવૃત્તિથી વ્રતનો નાશ થયો હોવા છતાં બહિર્ આચરણાથી પ્રાણીવધ થયેલો નહીં હોવાથી અતિચાર કહેવાય છે. આથી જ સિંહગુફાવાસી મુનિએ કોશા વેશ્યા પાસે કામની માંગણી કરી છતાં કાયાથી ભોગની પ્રવૃત્તિ થઈ ન હોવાથી અંતઃવૃત્તિથી ચોથું મહાવ્રત નાશ થયું હોવા છતાં બહિવૃત્તિથી મહાવ્રતનું પાલન હોવાને કારણે ચોથા વ્રતમાં અતિચાર સ્વીકારાય છે. માટે નિર્દયતાથી તાડનાદિ કરનારા શ્રાવકમાં ભાવથી વ્રત ભંગ હોવા છતાં તે પ્રવૃત્તિ કર્યા પછી પશ્ચાત્તાપ આદિ થાય અને તેની શુદ્ધિ અર્થે ગુરુ પાસે તે શ્રાવક પ્રાયશ્ચિત્ત માંગે ત્યારે અતિચારને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આપે છે. અનાચારને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આવતું નથી અને જો હિંસા કરી હોય તો અનાચારનું પ્રાયશ્ચિત્ત આપે છે.