________________
૨૮
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દર્શન નિસર્ગથી અને અધિગમથી થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપમાદિથી સમ્યગ્દર્શન થાય છે. એ પ્રમાણે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. છતાં નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે ? એમ કેમ કહ્યું ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિ થાય છે. તે ક્ષયોપશમાદિ નિસર્ગથી કે અધિગમથી થનારા છે. માટે નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવામાં દોષ નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે નિસર્ગથી મિથ્યાત્વમોહનીય કર્મનો ઉપશમ થાય છે તેના કારણે સમ્યક્ત થાય છે અને અધિગમથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમાદિ થાય છે તેથી સમ્યગ્દર્શન થાય છે.
આ કથનને સ્પષ્ટ કરવા માટે વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે – જેમ અગ્નિનું ઇંધન બળી ગયું હોય તો અગ્નિ બુઝાઈ જાય છે તેમ ઊખર ભૂમિને પ્રાપ્ત કરીને વનનો અગ્નિ બુઝાઈ જાય છે. એ રીતે જીવ ગ્રંથિભેદ કરીને જ્યારે મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરે છે ત્યારે મિથ્યાત્વના દળિયાનો ઉપશમભાવ વર્તે છે તેથી જીવ પથમિક સમ્યક્ત મેળવે છે. આ ઔપશમિક સમ્યક્ત નિસર્ગથી થનારું છે માટે નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે એમ પણ કહેવાય છે અને મિથ્યાત્વના ઉપશમથી સમ્યગ્દર્શન થાય છે એમ પણ કહેવાય છે. નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે, એમ કહીએ ત્યારે નિસર્ગથી મિથ્યાત્વના ઉપશમરૂપ વ્યાપાર દ્વારા સમ્યગ્દર્શન થાય છે તેમ અર્થ પ્રાપ્ત થાય. જેમ દંડ ભ્રમી દ્વારા ઘટને કરે છે તેમ નિસર્ગ મિથ્યાત્વના દળિયાના ઉપશમ દ્વારા સમ્યગ્દર્શનને કરે છે.
વળી, અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમાં સાક્ષી આપે છે – મિથ્યાત્વનો ક્ષયોપશમભાવ હોતે છતે જીવાજીવાદિનો અધિગમ બોધ, થાય છે અને અધિગમથી યુક્ત એવો જીવ સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ ગુરુઉપદેશાદિ દ્વારા કે અન્ય રીતે જીવાજીવાદિના પદાર્થનો બોધ કરવા માટે ઉદ્યમ કરે તો તેના તે પ્રયત્નથી મિથ્યાત્વના દળિયાનો ક્ષયોપશમભાવ થાય છે. અને મિથ્યાત્વના દળિયાના ક્ષયોપશમભાવને કારણે તે જીવને ઉપદેશાદિના બળથી જીવાજીવાદિ નવતત્ત્વનો બોધ થાય છે તે વખતે તે બોધથી યુક્ત જીવ સમ્યગ્દર્શનના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરે છે. તેથી અધિગમથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે અને તેનાથી સમ્યગ્દર્શન થાય છે. માટે અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવામાં કોઈ દોષ નથી.
અહીં પ્રસંગથી શંકા કરી તેનું સમાધાન કર્યું. હવે મૂળ શ્લોકના કથનને કહેવા અર્થે ટીકાકારશ્રી કહે છે પ્રસંગથી સર્યું.
હવે તે સમ્યગ્દર્શન કેટલા પ્રકારનું છે ? તે શ્લોકના શેષ ભાગથી કહે છે –
પૂર્વમાં નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ સ્થાપન કર્યું. હવે તે સમ્યગ્દર્શન પાંચ પ્રકારનું છે તે બતાવે છે –