________________
૨૭૯
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | ોક-૨૯ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. માટે પોતાની પાસે વિદ્યમાન પરિગ્રહથી અધિક પરિગ્રહ રાખવાની ઇચ્છા સ્વરૂપ પ્રતિજ્ઞા હોવા છતાં તે પ્રતિજ્ઞાથી શ્રાવકને અલ્પ કર્મબંધરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. સંસારી જીવોને સર્વદા અપરિમિત ઇચ્છા છે તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથ'નું ઉદ્ધરણ બતાવે છે – પરિગ્રહમાં લુબ્ધ એવા મનુષ્યને કૈલાસ જેટલા મોટા અસંખ્યાતા સુવર્ણ અને રૂપાના પર્વતોની પ્રાપ્તિ થાય તોપણ તેઓને સંતોષ થતો નથી; કેમ કે જેમ જેમ પરિગ્રહની વૃદ્ધિ થાય છે તેમ તેમ અધિક-અધિકની પ્રાપ્તિની ઇચ્છા થાય છે. અને તે ઇચ્છા આકાશ જેટલી અમર્યાદિત છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહની ઇચ્છા વિદ્યમાન હોય છે. તેને શ્રાવક મર્યાદિત કરે છે. માટે ઇચ્છાના પરિમાણરૂપ પાંચમું અણુવ્રત શ્રાવકને મહાન ગુણ માટે થાય છે. કઈ રીતે મહાન ગુણ માટે થાય છે ? તેમાં સાક્ષી બતાવે છે – જેમ જેમ અલ્પ લોભ થાય છે અને તેને કારણે અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થાય છે તેમ તેમ જીવમાં સુખ વર્તે છે અને જીવમાં ધર્મની સંસિદ્ધિ થાય છે.
આશય એ છે કે વિવેકસંપન્ન શ્રાવક પરિગ્રહનું પરિમાણ કરે છે તેનાથી તેમને સંપૂર્ણ નિષ્પરિગ્રહી પ્રત્યે પક્ષપાત થાય છે અને પોતાની પરિગ્રહવાની અવસ્થા અસાર જણાય છે. તેથી પરિગ્રહમાં ઇચ્છાના પરિમાણ દ્વારા તે પોતાના લોભને નિયંત્રિત કરે છે અને આ રીતે પોતાના લોભને નિયંત્રિત કરવાને કારણે જેમ જેમ તેનો લોભ ઘટે છે તેમ તેમ તેના જીવનમાં બાહ્ય પરિગ્રહને મર્યાદિત કરવા યત્ન થાય છે અને તેના કારણે તે પરિગ્રહકૃત આરંભ પણ અલ્પ થાય છે અને અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થવાને કારણે તે શ્રાવકમાં સંતોષના પરિણામરૂપ સુખ વર્તે છે અને તેના કારણે તે શ્રાવક વિશેષ રીતે ધર્મની નિષ્પત્તિ કરવા અર્થે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. તેથી તેનામાં ધર્મની સિદ્ધિ થાય છે. માટે શ્રાવકે ઇચ્છાના વિસ્તારનો નિરોધ કરીને સંતોષમાં યત્ન કરવો જોઈએ; કેમ કે સંતોષમૂલ જ સુખ છે.
સંતોષમૂલ જ સુખ કેમ છે ? તેમાં સાક્ષી બતાવે છે –
આરોગ્યસાર મનુષ્યપણું છે અર્થાત્ રોગથી આક્રાંત મનુષ્યપણું હોય તો તે મનુષ્યપણું નિષ્ફળ છે. પરંતુ જેનું મનુષ્યપણું આરોગ્યપ્રધાન છે તે મનુષ્ય પોતાના મનુષ્યભવને હિતમાં પ્રવર્તાવી શકે છે. માટે આરોગ્યસાર મનુષ્યપણું છે.
વળી, સત્યસાર ધર્મ છે. અર્થાત્ જીવનમાં સર્વ ઉચિત પ્રવૃત્તિઓ સત્યપૂર્વક થાય છે. તેથી જે મનુષ્ય ક્યારેય મૃષાવાદ બોલે નહીં, ક્યારેય ખોટું કરે નહીં, ક્યારેય ખોટું વિચારે નહીં તે જીવમાં ધર્મ પ્રગટી શકે. માટે સત્યસાર ધર્મ છે.
નિશ્ચયસાર વિદ્યા છે.” સર્વ વિદ્યાઓનું તાત્પર્ય એ છે કે જીવને અસંગભાવની પ્રાપ્તિ કરાવીને વીતરાગતુલ્ય બનાવે તેવા પરમાર્થનો બોધ છે જેમાં તેવી વિદ્યા અથવા તેવું જ્ઞાન તે જ જ્ઞાન છે અને અન્ય સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ અજ્ઞાન સ્વરૂપ છે.