________________
૨૦૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ જેનાથી તે અપરિમિત પરિગ્રહ ગ્રહણ કરવાની વૃત્તિ પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય છે અને ત્યારપછી તે અપરિમિત પરિગ્રહવાળા આત્માને વોસિરાવે છે જેનાથી પરિમિત પરિગ્રહથી અધિક પરિગ્રહ પ્રત્યેનો સ્નેહસંબંધ તૂટે છે. જેથી પાંચમાં અણુવ્રતની પ્રાપ્તિ થાય છે. તે દઢ કરવા અર્થે શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત આલાવો ત્રણ વખત બોલે છે જેથી તે પરિણામ અતિશયથી સ્થિર થાય.
વળી, વ્રતગ્રહણકાળમાં આ પાંચે અણુવ્રતોના દરેક વ્રતનું પચ્ચખ્ખાણ નમસ્કારના પાઠપૂર્વક ત્રણ વખત બોલાય છે. એ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે જેનાથી સ્વીકારાયેલી પ્રતિજ્ઞાનો પરિણામ અત્યંત સ્થિર થાય છે. ત્રણ ગુણવ્રત :(૬-૭-૮) દિકપરિમાણવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત, અનર્થદંડવિરમણવ્રત:
ત્યારપછી ત્રણ ગુણવ્રતોનો સમુદિત આલાવો બોલાય છે તે આ પ્રમાણે છે –
“હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે ગુણવ્રત માટે હું ઊર્ધ્વ, અધો અને તિર્યકુ ગમન વિષયક દિશાનું પરિમાણ સ્વીકારું છું.” આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી શ્રાવકને સંપૂર્ણ નિર્ચાપાર અવસ્થા ઇષ્ટ છે તેવો પરિણામ થાય છે પરંતુ હજી ભોગાદિની ઇચ્છા છે તેથી સંપૂર્ણ નિર્ચાપાર જીવન જીવી શકે તેમ નથી અને વ્યાપાર અવસ્થામાં તપાવેલા ગોળાની જેમ પોતાની પ્રવૃત્તિ છકાયની હિંસાનું કારણ બને છે. તે હિંસાની પ્રવૃત્તિ અપરિમિત ક્ષેત્રમાં જવાનો પરિણામ હોવાથી ઘણી અતિશયવાળી છે. તેના સંકોચ અર્થે શ્રાવક ઊર્ધ્વ-અધો અને તિર્યકુ ગમન વિષયક દિશાનું પરિમાણ કરે છે. જેથી તે ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં ગમનાદિકૃત આરંભની નિવૃત્તિ થાય છે. આ પ્રકારના યત્નના બળથી સંપૂર્ણ નિરારંભ જીવન જીવવાને અનુકૂળ કંઈક-કંઈક શક્તિનો સંચય થાય છે. તેથી સ્વીકારાયેલાં પાંચ અણુવ્રતને ગુણ કરનાર આ દિપરિમાણવ્રત છે જેનાથી તે પાંચ અણુવ્રતમાં કંઈક અતિશયતા આવે છે. જે વૃદ્ધિ પામીને મહાવ્રતનું કારણ બનશે માટે “દિક્પરિમાણવ્રત'ને ગુણવ્રત કહેવાય છે.
ત્યારપછી “ભોગોપભોગ પરિમાણના વિષયમાં ભોજનથી અનંતકાય, બહુબીજ, રાત્રિભોજન આદિનો હું પરિહાર કરું છું, એ પ્રકારની પ્રતિજ્ઞા કરાય છે અને કર્મથી પંદર કર્માદાન અને રાજનિયોગનો હું પરિહાર કરું છું, એમ પ્રતિજ્ઞા કરાય છે.
એથી એ પ્રાપ્ત થાય છે કે ભોજનને આશ્રયીને ઘણા જીવોની હિંસાના કારણ એવા અનંતકાય આદિનો ત્યાગ કરીને સંપૂર્ણ ભોગ-ઉપભોગના ત્યાગ અર્થે શક્તિનો સંચય થાય એવું આ વ્રત છે. તેથી ગુણવ્રત છે; કેમ કે આ ગુણવ્રતના પાલનથી જ સંપૂર્ણ ભોગોપભોગના ત્યાગરૂપ ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.
વળી, કૃત્યને આશ્રયીને પંદર કર્માદાનનો ત્યાગ કરે છે. જે પંદર કર્માદાનમાંથી પાંચ કર્માદાન અંગારકર્મ આદિ છે, ૫ કર્માદાન બહુસાવદ્ય છે અને પાંચ કર્માદાન ખરકર્માદિ છે, જેનાથી શ્રાવકજીવનમાં ઘણી મલિનતા થાય છે. આ વ્રતના પાલનથી ઘણા આરંભ-સમારંભની નિવૃત્તિ થાય છે. વળી રાજનિયોગનો પરિહાર કરાય છે જેથી સ્વામીદ્રોહના પરિણામરૂપ કર્માદાનનો ત્યાગ થાય છે.