________________
૨૦૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ રેખા સુવર્ણના જેવી પડે નહિ પણ કંઈ ભિન્ન પ્રકારની રેખા પડે તો તે સુવર્ણ કષશુદ્ધ નથી તેમ કહેવાય છે. તે રીતે જે શાસ્ત્રોમાં વિધિવાક્યો છે તે વિધિવાક્યો મોક્ષને અનુકૂળ હોય અને જે નિષેધવાક્યો છે તે મોક્ષથી વિરુદ્ધ એવી પ્રવૃત્તિના નિષેધરૂપ હોય તે આગમ કષશુદ્ધ છે તેમ નક્કી થાય. તે સ્પષ્ટ કરવા માટે કહે છે – અવિરુદ્ધ કર્તવ્યના અર્થનું ઉપદેશવાક્ય વિધિવાક્ય છે. તેથી એ ફલિત થાય કે આત્માના એકાંત હિતરૂપ મોક્ષથી અવિરુદ્ધ એવું જે કર્તવ્ય છે તેના અર્થને બતાવનાર જે વચનો છે તે વિધિવાક્ય છે.
તે વિધિવાક્યો કયાં છે ? તે સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે આત્માના હિતની પરંપરારૂપ સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થી પુરુષે તપ-ધ્યાનાદિ કરવાં જોઈએ. અને સમિતિ-ગુપ્તિની શુદ્ધ ક્રિયા કરવી જોઈએ.
તેથી એ ફલિત થાય કે જે શાસ્ત્રમાં કહેવામાં આવે કે સંસારમાં ભટકતા જીવોએ કલ્યાણની પરંપરારૂપ સ્વર્ગની પ્રાપ્તિ અર્થે અને મોક્ષની પ્રાપ્તિ અર્થે તપ-ધ્યાન-અધ્યયન આદિ કરવું જોઈએ, સમિતિ-ગુપ્તિની શુદ્ધ ક્રિયા કરવી જોઈએ, કોઈ જીવોની હિંસા કરવી જોઈએ નહિ, જૂઠું બોલવું જોઈએ નહિ. આ પ્રકારનાં વિધિવાક્યો અને નિષેધવાક્યો જે શાસ્ત્રમાં ઉપલબ્ધ થતાં હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે શ્રતધર્મમાં તપ-ધ્યાન-સ્વાધ્યાય-સમિતિ-ગુપ્તિનાં પદે-પદે વિધિવાક્યો મળતાં હોય અને જે શાસ્ત્રમાં પદ-પદે હિંસાદિનાં નિષેધવચનો મળતાં હોય તે શ્રત કષશુદ્ધ છે. પરંતુ જે દર્શનના વચનમાં કહેવામાં આવતું હોય કે જેમ વિષ્ણુએ અસુરોને મારી નાખ્યા તેમ અન્યધર્મમાં રહેલા જીવોનો નાશ કરવો જોઈએ, તેઓના વધમાં દોષ નથી. આવાં વચનોને કહેનારું તે દર્શન કષશુદ્ધ નથી.
આનાથી એ ફલિત થાય કે અન્ય કોઈક એવું દર્શન છે કે જે દર્શનમાં તપ-ધ્યાનાદિ પ્રવૃત્તિનું પણ વર્ણન હોય અને હિંસાદિના નિષેધની પ્રવૃત્તિનું પણ વર્ણન હોય; આમ છતાં તે દર્શનનાં કેટલાંક વચનો એવાં હોય કે જેમાં કહેવામાં આવે કે અન્યદર્શનના જીવોને મારી નાખવામાં કોઈ દોષ નથી, તેવા દર્શનનાં વચનો કષશુદ્ધ નથી.
અહીં વિશેષ એ છે કે જૈનદર્શનનો સ્વીકાર કરનારા પણ અને જૈનદર્શન અનુસાર ધર્મની પ્રવૃત્તિ કરનારા પણ જીવો પોતાની માન્યતાથી વિરુદ્ધ માન્યતાવાળા જીવો પ્રત્યે કરુણાબુદ્ધિ કરવાને બદલે કે તેમના હિતની ચિંતા કરવાને બદલે પોતાના શત્રુભૂત છે તેવા પ્રકારની બુદ્ધિથી શ્વેષભાવને ધારણ કરે કે તેઓના નાશમાં પણ ધર્મ છે તેવું માનતા હોય તો તેઓ વડે સ્વીકારાયેલો ધર્મ જિનવચન અનુસાર નથી પરંતુ અસંબદ્ધ પ્રલાપ કરનારા દર્શનનું વચન છે કે અન્યદર્શનવાળાને મારવામાં અધર્મ નથી તેના જેવું છે.
આ રીતે કષપરીક્ષા બતાવ્યા પછી સુવર્ણના દૃષ્ટાંતથી છેદપરીક્ષા બતાવવા અર્થે કહે છે –