________________
૧૫૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આ રીતે ઉપદેશ આપ્યા પછી શ્રોતાના મુખના ભાવો કે તેના ઉદ્ગારો કે તેના વર્તનથી જણાય કે આ શ્રોતાને એક વખતના કથનથી પરમાર્થનો બોધ થયો છે અથવા તો અનેક વખતના કથનથી પણ પરમાર્થનો બોધ થયો છે. ત્યારે તે શ્રોતાને વિશેષ-વિશેષ તત્ત્વ જાણવા માટે ઉત્સાહ થાય તદર્થે અને પોતાને બોધ સાચો થયો છે તેવો નિર્ણય કરાવવા અર્થે તેની બુદ્ધિની પ્રશંસા ઉપદેશકે કરવી જોઈએ. અને ઉપદેશક કહે કે જે જીવો લઘુકર્મી નથી તેવા પ્રાણીઓ આવા પ્રકારના સૂક્ષ્મ અર્થને જાણનારા થતા નથી જેથી તને સ્માર્થ દેખાય છે તે જ બતાવે છે કે તારામાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થાય તેવા કર્મો લઘુતાને પામ્યાં છે.
આ રીતે, શ્રોતાને સામાન્ય ગુણો અને વિશેષ ગુણોનો બોધ કરાવ્યા પછી તે શ્રોતાને આગમ પ્રત્યે બહુમાનભાવ થાય તે પ્રમાણે ઉદ્યમ કરવો જોઈએ. કઈ રીતે આગમમાં બહુમાન પેદા કરવું જોઈએ ? તે બતાવવા અર્થે યોગબિંદુના શ્લોકો બતાવે છે –
કોઈ શ્રોતા લોક-લોકોત્તર સામાન્ય ધર્મના મર્મને જાણનારો બને ત્યારપછી પાંચ મહાવ્રતોરૂપ વિશેષ ધર્મને જાણનારો બને તેવા શ્રોતાને સર્વજ્ઞના આગમ પ્રત્યે બહુમાનભાવ થાય તે પ્રકારનો ઉચિત ઉપદેશ અપાય છે. જે આ પ્રમાણે
જે જીવો નજીકમાં મોક્ષમાં જવાના છે, તત્ત્વને જોવાની મતિવાળા છે અને આત્મકલ્યાણની રુચિરૂપ ધનથી સમન્વિત છે તેવા જીવો પરલોકની પ્રવૃત્તિમાં પ્રાયઃ શાસ્ત્રથી અન્યની અપેક્ષા કરતા નથી. માટે કલ્યાણના અર્થી જીવે શાસ્ત્રને જ પ્રધાન કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ. વળી, સંસારી જીવોને ઉપદેશ આપવામાં ન આવ્યો હોય તોપણ તેઓ અર્થ-કામમાં પટુ હોય છે. વળી, તેઓ ધર્મ કરવા માટે પ્રવૃત્ત થાય તોપણ લોકસંજ્ઞાથી જ કરનારા બને છે; પરંતુ શાસ્ત્રના વચન વગર ધર્મ થતો નથી માટે ધર્મની પ્રવૃત્તિ કરનારા જીવોએ શાસ્ત્રમાં જ આદર કરવો હિત છે. માત્ર ગતાનુગતિક ધર્મપ્રવૃત્તિ કરવાથી હિત થાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે સંસારની પ્રવૃત્તિ છોડીને ધર્મની પ્રવૃત્તિ થતી હોય તેવા જીવોની કદાચ શાસ્ત્રપ્રધાન મતિ ન હોય તોપણ તેઓનું હિત થશે ? તેથી કહે છે –
અર્થાદિની પ્રવૃત્તિમાં અવિધિથી પ્રવૃત્તિ કરવામાં આવે તો મનુષ્યને અર્થાદિની પ્રાપ્તિ થાય નહિ પરંતુ ધર્મમાં લોકમતિ કે સ્વમતિથી પ્રવૃત્તિ કરવામાં આવે તેથી જે અવિધિ થાય તેનાથી મહાન અનર્થ થાય છે.. જેમ કોઈ કુષ્ઠાદિ રોગી પુરુષ ચિકિત્સા શરૂ કરે અને કુપથ્યનું સેવન કરે તો વિશેષ પ્રકારના અનર્થને પ્રાપ્ત કરે છે, તેમ ભાવરોગ મટાડવા માટે કરાતી ધર્મની પ્રવૃત્તિ કરતી વખતે શાસ્ત્રના અવલંબન વગર યથાતથા કરવામાં આવે તો તે ધર્મની પ્રવૃત્તિથી ભાવરોગની વૃદ્ધિરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અર્થી જીવે શાસ્ત્રમાં સદા યત્ન કરવો ઉચિત છે; કેમ કે મોહના અંધકારવાળો આ લોક છે. તેથી સંસારી જીવો જે કંઈપણ પ્રવૃત્તિ કરે છે તેથી મોહની ધારાની જ વૃદ્ધિ થાય છે. મોહધારાને નાશ કરવામાં શાસ્ત્રનો પ્રકાશ જ પ્રવર્તક છે માટે શાસ્ત્રને આગળ કરીને ધર્મની પ્રવૃત્તિ કરવામાં ન આવે તો ધર્મની પ્રવૃત્તિ પણ મોહધારાની વૃદ્ધિ કરીને વિનાશનું કારણ બને છે. આથી જ ઘણા જીવો ધર્મમાં ધનવ્યય આદિ કરીને પણ લોકમાં માનખ્યાતિ આદિ ભાવોને પોષે છે પરંતુ શાસ્ત્રવચનથી ભાવિત થઈને તે રીતે પ્રચ્છન્ન દાનાદિ પ્રવૃત્તિ કરવા ઉત્સાહિત થતા નથી.