________________
૨. તેવીજ રીતે જિનમૂર્તિપૂજા પ્રદીપ' નામની બીજી કૃતિની ઉદ્ભાવના એ રીતે થવા પામેલ છે કે પૂ. મૂનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજ, રતલામમાં બીરાજમાન હતા. તે વખતે મૂર્તિ માનનાર અને મૂર્તિને નહિ માનનાર એવા બે શ્રાવકો, તેમની પાસે આવેલા અને મૂર્તિ નહિ માનનારે - “મૂર્તિ, આગમમાં માનવાનું કયાં જણાવેલ છે, જડમૂર્તિને પૂજવાથી તે શું કલ્યાણ કરવાની હતી ? વગેરે વાતો કરવા માંડી. તેને વિસ્તારથી સમજાવવા માટેનો સમય આપ્યો. સંધ તરફથી બે - ત્રણવાર બોલવવામાં આવ્યો છતાં ન જ આવતાં અને તે પ્રદેશમાં સ્થાનકવાસી - લોકાગચ્છીઓનો મૂર્તિનિષેધ પ્રચાર વધારે હોવાથી ૪૦૦ની જૈન શ્રાવક - શ્રાવિકાની મેદની વચ્ચે ગીતાર્થ મૂર્ધન્ય એવા પૂ. ઝવેરસાગરજી મહારાજે જાહેર પ્રવચન રાખવા પૂર્વક “જિનમૂર્તિ ભરાવવામાં, તે સ્થાપના મૂર્તિના દર્શનમાં, તેની સેવા-પૂજા-ભક્તિ થી થતા લાભો, જિનમંદિરની જરૂરીઆત કેટલી છે તે અંગે, તીર્થયાત્રાથી શું લાભો ?” વિગેરે વિષયો, શાસ્ત્રના આધારો આપવા પૂર્વક ચર્ચેલા હતા. આ બધાનો સંગ્રહ કરીને રતલામના શ્રી સંઘે ૧૯૩૦ આસપાસમાં છપાવીને ગામોગામ પ્રચારેલ. આ કૃતિ પણ અલભ્યપ્રાયઃ બની ચુકી છે.
- ૩ - ત્રીજી તેઓશ્રીની કૃતિ “જિનભક્તિપ્રકાશ' નામની છે. તેમાં જિનેશ્વરદેવના ચારે નિક્ષેપાની સ્થાપના, સ્થાપના નિક્ષેપાની અગત્યતા, સ્થાપના નિક્ષેપવાળી જિનમૂર્તિના દર્શન - સેવા - પૂજા ભક્તિ - અંગરચના - આરતી આદિ ક્રિયાથી થતા લાભો, તીર્થયાત્રામાં થતા લાભો આદિની છણાવટ કરેલ છે. જેની તાજેતરમાં પાલીતાણા જંબુદ્વીપ' સંસ્થા તરફથી પુનર્મુદ્રણ (અલભ્યપ્રાય બનવાથી) થયેલ છે.
આ ત્રણેય કૃતિઓ, આજના ભૌતિકવાદના જમાનાના રંગે રંગાયેલા અને સ્થાનકવાસી તથા લોકાગચ્છીય મુનિરાજોની તેમજ મૂર્તિપૂજા વિરોધી વર્ગના વક્તાઓથી મૂર્તિને ન માનવાની શ્રદ્ધાવાળા બનતા જતા જૈનધર્મીઓના ભદ્રિક આત્માઓ દેવ અને ગુરૂના રાગી બનવા પામે તેમજ તેવા અશ્રદ્ધાજનક વાતોથી ઉભગી જવા પામેલા આત્માઓ ઉન્માર્ગ છોડી સન્માર્ગની ઉપાસના કરતા થાય તે શુભાશયે “ઝવેરાબ્ધિકૃતિત્રય સંગ્રહ'મુદ્રિત કરવામાં આવે છે.