________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સંકલના ગુપ્ત છે અને પોતાની ગુપ્તિના પરિણામને અતિશયિત કરવા અર્થે અવસર ઉચિત ગુણને ક૨ના૨ પરિમિત શબ્દોથી બોલે છે તે મહાત્મા તે ભાષાના પ્રયોગ દ્વારા પણ પોતાનામાં વર્તતા ગુપ્તિના પરિણામને જ અતિશયિત કરે છે, જેથી વિપુલ નિર્જરાને પ્રાપ્ત કરીને અસંગભાવની પરિણતિરૂપ ચારિત્રની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. આવા મહાત્મા પ્રસંગે સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા ઉચિત ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચારિત્રની વિશુદ્ધિ દ્વારા મોહનો નાશ કરીને કેવળજ્ઞાનને પામે છે અને અંતે યોગનિરોધ કરીને સર્વશ્રેષ્ઠ એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે એમ ગ્રંથકારશ્રીએ ગાથા-૯૯માં સ્પષ્ટ કરેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રસ્તુત ગ્રંથના હાર્દને જાણીને જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના વચનના બળથી વાગ્ગુપ્તિમાં અને ભાષામિતિમાં દૃઢ વ્યાપા૨ ક૨શે તે મહાત્માને વર્તમાનભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ હોવા છતાં કેવળજ્ઞાનની આસન્નતર આસન્નતર ભૂમિકાને પામીને ચારગતિની વિડંબના રૂપ સંસારનો અવશ્ય ક્ષય કરશે.
અહીં કહ્યું કે ચારિત્રસંપન્ન મહાત્મા ભાષા દ્વારા ચારિત્રની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે તેથી વિચારકને પ્રશ્ન થાય કે ચારિત્રાચારથી ચારિત્રની વિશુદ્ધિ થાય, જ્ઞાનાચારથી જ્ઞાનની વિશુદ્ધિ થાય અને દર્શનાચારથી દર્શનની વિશુદ્ધિ થાય અને તે ત્રણ આચારની વિશુદ્ધિથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે પરન્તુ માત્ર ભાષાની વિશુદ્ધિથી કઈ રીતે સર્વકર્મનો નાશ થઈ શકે ? તેથી ગાથા-૧૦૦માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યુ કે આ ભાષારહસ્યને જાણીને રાગદ્વેષનો વિલય થાય તે રીતે કોઈ સમ્યક્ યત્ન કરે તો ભાષાના બળથી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે; કેમ કે પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ જ્ઞાનાવરણીયકર્મના નાશ પ્રત્યે કા૨ણ છે. આ પ્રવૃત્તિ દર્શનાવરણીયકર્મના નાશ પ્રત્યે કારણ છે ઇત્યાદિ એકાન્ત નથી પરન્તુ કોઈપણ ઉચિત પ્રવૃત્તિથી રાગદ્વેષનો વિલય થાય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. વસ્તુતઃ વ્યવહારનયથી જ્ઞાનની આરાધનાથી જ્ઞાનાવરણીયકર્મ તૂટે છે, દર્શનની આરાધનાથી દર્શનમોહનીયકર્મ તૂટે છે અને ચારિત્રની આરાધનાથી ચારિત્રમોહનીયકર્મ તૂટે છે. આ પ્રકારનો સ્થૂલ વ્યવહાર હોવા છતાં પરમાર્થથી તો જે અનુષ્ઠાનથી, જેટલા રાગાદિનો વિલય થાય તેટલી રત્નત્રયી પ્રગટે છે. સંપૂર્ણ રાગાદિનો વિલય થાય તો ક્ષાયિકભાવની રત્નત્રયી પ્રગટે છે અને ક્ષાયિકભાવની રત્નત્રયીની પ્રાપ્તિ પ્રત્યે ધર્મનું કોઈપણ અનુષ્ઠાન વીર્યના પ્રકર્ષ દ્વારા કારણ બની શકે છે. આથી જ નાગકેતુને પુષ્પપૂજા કરતી વખતે પણ કેવળજ્ઞાન પ્રગટ થયું. આ કથનની વિશેષ ચર્ચા ગાથા-૧૦૦થી જિજ્ઞાસુએ જાણવી.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮,
તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર
૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
(R
卐
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા