________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૧-૨૨
૧૦૫ કઈ રીતે અન્યોન્યાશ્રય દોષ છે ? તે બતાવે છે –
વિહિતભાષા કહેવાથી તે ભાષા વિધિબોધિતકર્તવ્યતાવાળી છે અર્થાત્ શાસ્ત્રમાં સાધુને તે ભાષા બોલવાની વિધિ છે નિષેધ નથી એવો અર્થ પ્રાપ્ત થાય. સાધુને જે ભાષા બોલવાની અનુજ્ઞા હોય તે ભાષા સત્યભાષા જ હોય અન્ય નહિ, તેથી જ્યાં સુધી આ ભાષા સત્ય છે તેવો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ ભાષા બોલવા માટે વિહિત છે તેવો નિર્ણય થાય નહિ; અને જ્યાં સુધી વિહિત છે તેવો બોધ થાય નહિ ત્યાં સુધી આ ભાષા સત્ય છે તેવો નિર્ણય થાય નહિ, માટે શાસ્ત્રમાં વિહિત છે તે સ્વરૂપે આ ભાષા આરાધક છે તેવું લક્ષણ કરી શકાય નહિ પરંતુ આ ભાષામાં પારિભાષિક આરાધકપણું છે તેમ સ્વીકારીએ તો જ લક્ષણ સંગત થાય અર્થાત્ જે ભાષા સ્યાદાદની મર્યાદા અનુસાર સત્ય છે તે ભાષામાં શાસ્ત્રકારોએ પારિભાષિક આરાધકપણું સ્વીકાર્યું છે, તેથી તે ભાષા ભાષારૂપે યથાર્થ પ્રરૂપણા કરનાર છે કે નહીં તેના નિર્ણયથી તેના લક્ષણનો નિર્ણય થઈ શકે છે. વળી, સાધુએ પારિભાષિક સત્યભાષા બોલવી જોઈએ અન્ય નહિ, એ પ્રકારે ઉત્સર્ગથી નિયમ છે. તે પારિભાષિક આરાધકભાષા પણ સાધુ જિનવચનાનુસાર ઉપયોગ રાખીને બોલે તો તે ભાષાથી સંયમની વિશુદ્ધિ થાય છે તેથી તે પ્રકારે બોલનારને નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને અપવાદથી તો અન્ય ભાષા પણ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક સાધુ બોલે તો નિર્જરાની પ્રાપ્તિ થાય છે, છતાં સાધુને ઉત્સર્ગથી સત્યભાષા બોલવાની જ વિધિ છે અસત્યભાષા અને મિશ્રભાષા નહિ, તેવો બોધ કરાવવા અર્થે સત્યભાષામાં પારિભાષિક આરાધકત્વ લક્ષણ કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે સત્યભાષાને પારિભાષિક આરાધકત્વરૂપે ન સ્વીકારીએ અને સમ્યગુ ઉપયોગપૂર્વકપણાથી, અથવા પ્રાતિસ્વિકરૂપપણાથી આરાધક સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
સમ્યગુ ઉપયોગપૂર્વકપણાથી આરાધત્વરૂપે સત્યભાષાનું લક્ષણ કરવામાં આવે તો અસત્ય આદિ અન્ય ત્રણ ભાષામાં પણ સત્યભાષાના લક્ષણની પ્રાપ્તિ થાય તેથી અતિવ્યાપ્તિ દોષ આવે.
જેમ કહેવામાં આવે કે જિનવચનાનુસાર સમ્યગુ ઉપયોગપૂર્વક બોલાયેલી જે ભાષા હોય તે ભાષા સત્ય છે તો કોઈ મહાત્મા તેવા પ્રકારના શાસનના ઉડ્ડાહના નિવારણ અર્થે અસત્યભાષા બોલે કે મિશ્રભાષા બોલે અથવા કોઈ શિષ્યને સન્માર્ગમાં ઉચિત યત્ન કરાવીને નિર્જરાની પ્રાપ્તિ અર્થે જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક આજ્ઞાપનીભાષા બોલે, તો તે ત્રણેય ભાષામાં પણ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વકપણું હોવાથી તે ત્રણે ભાષા આરાધક છે, તેથી તે ત્રણેય ભાષામાં સત્યના લક્ષણની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે પારિભાષિક જે આરાધકભાષા હોય તે સત્યભાષા છે એ પ્રકારનું સત્યભાષાનું લક્ષણ છે. તે સત્યભાષા અવધારણ એકભાવથી તે વસ્તુમાં તદ્વચનસ્વરૂપ છે અને આ ભાષા સાધુને બોલવા માટે વિહિત છે તે પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય.
વળી પ્રાતિસ્વિકરૂપે=પોતપોતાના વ્યક્તિત્વરૂપે, સત્યભાષાને આરાધક સ્વીકારીએ તો પ્રાતિસ્વિકરૂપે ચારે ભાષાઓ આરાધક છે; કેમ કે જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક બોલાયેલી તે ચારે ભાષા બોલનારને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેથી સત્યભાષાનું લક્ષણ અન્ય ત્રણ ભાષામાં પણ પ્રાપ્ત થાય.