________________
ગુણોનો સમૂહ જેવો ગૌરવપાત્ર થાય છે તેવા ગૌરવને પાત્ર શરદપૂનમના ચંદ્રના કિરણોની સુંદરતાના ભેગા થયેલા સમુદાયને ટપી જાય તેવો નિર્મળ (કુળમાં) જન્મ પણ થતો નથી. અત્યંત અગાધ વાડ્મયરૂપી સમુદ્રનું મંથન કરવા માટે હિમાલય પર્વત સમી બુદ્ધિ પણ થતી નથી તથા કામદેવના અહંકારરૂપી સર્પ માટે ગરુડ તુલ્ય રૂપ પણ થતું નથી. ।।૧૬૦।।
જેમ ગામડીયાઓમાં શહેરી માણસ, આંકડાના ફૂલોમાં ઉત્તમ ભમરો, મરુભૂમિમાં હાથી, દાવાનળથી દાઝેલા વનમાં મૃગલો, ચન્દ્રના પ્રકાશમાં ચક્રવાક પક્ષી તથા અગ્નિમાં જળચર પ્રાણી આનંદને પામતા નથી તેમ વૈરાગીઓનું હૃદય ભોગોમાં ક્યારેય આનંદને પામતું નથી. ।।૧૬૧।।
યોગની પ્રવૃત્તિમાં જોડાયેલા સમતાવંત પુરુષો ઉંચા અને ભરાવદાર સ્તનવાળી સ્ત્રીને દુર્ભાગિણીની જેમ જે ઈચ્છતા નથી, સદા આનંદને આપનારા ભાઈઓ સાથે જે ચોર લોકોની જેમ સ્નેહ કરતા નથી અને અપાર એવા મણિ-હારોમાં પણ સાપની જેમ જે મોહાતા નથી તે બધો સામ્યનો (વૈરાગ્યનો) પ્રભાવ છે. ।।૧૬૨ા