________________
છેલ્લી સૂચના : જોડણી વિશે
-
જેઓનાં વ્યાકરણ રચાયેલાં મળે છે તેવી બધી પાલી પ્રાકૃતો અપભ્રંશ ભાષાઓના શબ્દોની જોડણી સંસ્કૃતભાષાની જેમ નિશ્ચિત થઈ ચૂકેલી છે, બાકી અત્યારે પૃથ્વીતલ ઉપરના પ્રદેશોની, તે તે પ્રદેશની, ભાષાઓ બોલાય છે એમ લખાતી નથી અને તેથી લખાય છે એમ બોલાતી નથી. આ વિષયમાં આપણે જાણિયે છિયે કે અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી અને એનાં ઉચ્ચારણ જુદાં પડે છે. આપણી સામે ‘but = બટ, પરંતુ put = પુટ, do =, પરંતુ go = ગો’ આવો ઉચ્ચારભેદ મળે છે. વ્યજનોને પણ ઉચ્ચારભેદ છે. અંગ્રેજી ભણવાનો આરંભ કરનારાંઓને એ ચીવટથી શીખવવામાં આવે છે અને બધાં આનંદપૂર્વક શીખે છે તથા તે તે શબ્દની જોડણી બરોબર યાદ રાખે છે, જ્યારે ભારતીય ભાષાઓમાં આટલી બધી તકલીફ સર્વથા નથી. ‘બાલપોથી'થી લઈ સાતે ધોરણનાં ‘પાઠ્યપુસ્તકો’માં આવતાં ‘ઇ-ઈ, ઉ-ઊ' સ્વરો ધરાવતા શબ્દો જ ધ્યાનમાં રાખી લેવાના હોય છે, એઓને નિયમો સમઝાવવાના પ્રસંગ જ આવતા નથી. વ્યંજનોમાં ‘શ-ષ-સ’ના પ્રાંતભેદે જુદાં ઉચ્ચારણ છે, પણ પાઠ્યપુસ્તકોમાં તત્સમતદ્ભવ શબ્દોમાં એ વ્યંજનો યાદ રાખવાના રહે છે, ભલે પોતાના પ્રદેશમાં એ કંઠય ‘સ્’ રીતે ઉચ્ચારવામાં આવતા હોય. ‘ળ’ તો સૌરાષ્ટ્રના સમુદ્રતટ નજીકના પ્રદેશોમાં અને મધ્યગુજરાતમાં ‘ર’તરીકે ઉચ્ચરિત થાય છે; વળી દક્ષિણ ગુજરાતમાં એ ‘લ’ છે, પણ બાળકો આરંભથી જ.શીખતાં હોવાથી ‘ળ’ બરોબર લખે છે. અહીં આપણે મૂર્ધન્ય ‘ડ’ અને મૂર્ધન્યતર કિંવા તાલવ્ય ‘ડ’ને જ લઇયે. શબ્દોના આરંભે એ શુદ્ધ મૂર્ધન્ય ઉચ્ચરિત થાય છે, પરંતુ શબ્દોની પોતાની અંદર વચ્ચે કે છેડે એકવડો આવતો હોય તો એ મૂર્ધન્યતર-તાલવ્ય છે. ‘ઢ’ની પણ એ જ સ્થિતિ છે. અભ્યાસે કરતાં બાળકો ત્યાં ત્યાં શુદ્ધ ઉચ્ચારણ કરતાં જ હોય છે.
અંગ્રેજી તત્સમ શબ્દોમાં ‘ઍ-ઑ’ એવાં વિસ્તૃત ઉચ્ચારણ છે, એ અવળી માત્રાથી લખવા-છાપવાનાં હોય છે એવા શબ્દો યાદ રાખવાના હોય છે જ ને ?
ભારતીય ઉપખંડની આર્યકુળની અર્વાચીન ભાષાઓમાં ‘ગુજરાતી’ ભાષા એના શિષ્ટ સાહિત્યથી હિંદી-મરાઠી-બંગાળી ભાષાઓની હરોળમાં માનભેર સ્થાન મેળવવા શક્તિમાન બની છે એને આંચ ન આવે એ રીતનું સમઝુ વિદ્વાનોનું લક્ષ્ય હોવું જોઇયે.
સવિનય જણાવું કે મેં મારા તરફથી ઉમેરવા જેવા નિયમોની ઉપેક્ષા કરી સમિતિએ સર્વાનુમતે સ્વીકારેલા સુધારાઓને જ સંમાનિત કર્યા છે. હૃદયની આવી નિરપેક્ષતાની વિદ્વાનો પાસે આશા રાખું છું. ઇતિ શમ્.
મધુવન, એલિસબ્રિજ
કેશવરામ કા. શાસ્ત્રી
અમદાવાદ-૩૮૦ ૦૦૬
૧૭