________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક 335 જેના ફળસ્વરૂપે આજથી પંચોતેર વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત ૧૯૭૦ના ફાગણ સુદ પાંચમને સોમવાર, તા. 2 માર્ચ ૧૯૧૪ના મંગળ દિને ભારતની બહુરત્ના વસુંધરાને ખોળે જ્ઞાનના પ્રકાશપુંજનું અવતરણ થયું હતું, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ ગતિ થઈ હતી, જેન જયતિ શાસનમની આભા પથરાઈ ગઈ હતી અને જેન સમાજના હર્ષોલ્લાસની વચ્ચે તે દિને જન્મ લે છે : શ્રી મહાવીર જૈન વિદ્યાલય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાયારોપણમાં આ પ્રસંગે એક અદભુત અને અપૂર્વ ઘટના ઘટી હતી. મા શારદાના મંદિરના પાયામાં પોતાની અર્ચના અર્પવા લક્ષ્મીજી જાણે સ્વયં પધાર્યા હતાં. શેઠશ્રી ગોવિંદજી માધવજી કરમચંદ તરફથી ખાસ આ વિદ્યાલયના મકાનમાં પાયામાં પૂરવા માટે છવ્વીસ તોલા સોનાની ઢાલ-લગડી ભેટ મળી હતી. તેની રજ બનાવીને શ્રી દેવકરણ શેઠના વરદ હસ્તે પાયામાં પધરાવવામાં આવી હતી. આ ભવ્ય ભેટના પ્રસંગની ભાવનાનો પ્રતિસાદ એટલો મોટો પડ્યો કે ત્યાં હાજર રહેલા જનસમૂહમાંથી પણ એમાં સાથ પૂરવા માટે રૂપાનાણું ભેટ ધરવામાં આવ્યું. બે બહેનો, સરસ્વતી અને લક્ષ્મી, જ્ઞાનનો રાસ રમવાને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આ પ્રારંભ પ્રસંગે જાણે અવનિ પર ઊતરી આવી હોય તેવો આ પ્રસંગ સાચે જ ઈતિહાસમાં વિરલ છે, અમૂલ્ય છે. જ્યાં લક્ષ્મીજીએ પણ પોતાનો વાસ સ્વીકાર્યો હોય ત્યાં પછી એમની અસીમ કૃપા વરસતી જ રહેને! સહેજે વિચાર તો આવે જ કે આવું ઉમદા કાર્ય સંભવિત કરનાર જરૂર કોઈ મહાનુભાવો જ હશે! સ્વાભાવિક રીતે પ્રશ્ન પણ થાય કે એ કોણ હતા? એ અગિયાર વિભૂતિઓ હતી : શ્રી રતનચંદ તલકચંદ માસ્તર, શ્રી ગુલાબચંદજી ઢઢઢા, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી હેમચંદ અમરચંદ, શ્રી મકનજી જુઠાભાઈ મહેતા બેરિસ્ટર-એટ-લૉ, શ્રી જમનાદાસ મોરારજી, શ્રી ચુનીલાલ વીરચંદ, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ અને શ્રી મૂળચંદ હીરજીભાઈ. આ નવ આગેવાનોએ બીજા બેને નિમંત્ર્યા હતા. તે હતા શેઠશ્રી દેવકરણ મૂળજી તથા ખજાનચી તરીકે શેઠશ્રી નગીનભાઈ મંછુભાઈ. સમિતિના મંત્રીપદે હતા શ્રી મૂળચંદ હરજી.