________________ તમસો માં જ્યોતિર્ગમય શિક્ષકને કશું નુકસાન નથી થતું પણ વિદ્યાર્થી અવિનય આચરીને પોતાનું શિક્ષણ ધૂળ કરે છે. કૉલેજોમાં તો આવી ઉદ્ધતાઈએ ઉગ્રરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં જ આંબાવાડીમાં મારા ચાતુર્માસ વખતે અમદાવાદની બે પ્રખ્યાત કૉલેજના પ્રિન્સિપાલ પર ઘાતક હુમલો કરીને તમાચા ચોડી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીગણની ઉદ્ધતાઈનું આ વરવું પ્રદર્શન નહિ તો બીજું શું? આવા લોકો ભણીને પણ શું ઉકાળવાના હતા? એવા લોકો ભૂલા પડયા છે. એમની જગ્યા વિદ્યાપીઠમાં નહિ પણ દારૂપીઠામાં હોવી જોઈએ. આવાં કૃત્યો વિદ્યાર્થીઓ નહિ પણ શરાબીઓ જ કરી શકે. સાચો વિદ્યાર્થી તો વિદ્યાઉપાર્જનમાં એવો તલ્લીન હોય કે એને આવાં તોફાનો કરવાનો, હડતાલો પાડવાનો, ઘેરાવ કરવાનો સમય જ ન હોય. પ્રાચીનકાળમાં એવા પણ દાખલા હતા કે કોઈક વખત લીંબડાના તેલમાં શાકનો વઘાર કરવામાં આવે તોય હોસ્ટેલના કોઈ વિદ્યાથીને ખ્યાલ સરખો પણ આવતો નહિ કે શાક કડવું છે, કેમકે તેમનું ચિત્ત સદા માટે અધ્યયનમાં પરોવાયેલું રહેતું પ્રયોગવીર આઈન્સ્ટાઈન પરણીને સીધો જ પ્રયોગશાળામાં ભાગી ગયેલો. એને ખ્યાલ સુદ્ધાં ન હતો કે હું આજે પરણ્યો છું. વાચસ્પતિ મિશ્ર શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા. વચમાં પિતાશ્રીએ લગ્ન લીધાં. ઘોડેથી ઊતરીને વાચસ્પતિ પાછા ટીકા લખવા બેસી ગયા. સતત ચૌદ વર્ષ સુધી આ લેખનકાર્ય ચાલ્યું. કાર્ય પૂર્ણ કરીને ટીકાનું નામ શું રાખવું એના વિચારમાં હતા ત્યાં એક સ્ત્રી હાથમાં તેલ લઈને આવી. વાચસ્પતિ પૂછે છે, ‘તું કોણ છે?' “આપની અર્ધાગિની' જવાબ મળે છે. “અરે! તું શું બોલે છે? કોણે તને મારી સાથે પરણાવી?” “મારા પિતાશ્રીએ તમારી સાથે પરણાવી. પરણીને આપ તરત લેખનકાર્યમાં પરોવાયેલા હતા. હું શા માટે આપને હરકત પહોચાડું? જ્યારે જ્યારે દીવો બુઝાવાની તૈયારી થતી ત્યારે ધીમે પગલે આવી તેલ પૂરીને ચાલી જતી.” વાચસ્પતિએ ભૂતકાળ સંભાર્યો. તેમને એક દિવસ પોતે પરણેલા તે વાત યાદ આવી. પત્નીની આ મૂક સેવાને બિરદાવવા વાચસ્પતિએ રચેલી ટીકાનું નામ પત્નીના નામ પરથી રાખ્યું “ભામતી ટીકા'. જ્ઞાનરસનો આ આનંદ છે. એમાં દુનિયા ભુલાઈ જતી હોય છે. મને કહેવા દો કે આવી તલ્લીનતા આજે વિદ્યાર્થીઓમાં રહી નથી.