________________
104
તેમાં મારા કેટલાક અધ્યાપક મિત્રોની સાથે જૈન સાહેબનો પણ મહત્ત્વનો સહયોગ રહ્યો છે.
ઉત્તમ વક્તા
ડૉ. શેખરચંદ્ર જૈન અમારી કોલેજમાં હિન્દીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા ત્યારે મેં એવું સાંભળેલું કે તેઓ બહુ જ સારા વક્તા છે. કોલેજમાં એક સમારંભમાં મેં જ્યારે પહેલપહેલું તેમનું વક્તવ્ય સાંભળ્યું ત્યારે હું અને અમારા સૌ અધ્યાપકો, વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. તેઓ હિન્દીની સાથે ગુજરાતી ભાષામાં પણ તેમના વક્તવ્યથી શ્રોતાઓને પ્રભાવિત કરી દે. જૈન સાહેબ પાંચ મિનિટ બોલે, પંદર મિનિટ બોલે કે એક કલાક બોલે અને તે પણ કોઇપણ વિષય પર, કોઇપણ પ્રસંગે, એક વાત નક્કી કે તે શ્રોતાઓને રસતરબોળ અને મંત્રમુગ્ધ કરી દે.
કવિ-વિચારક, ચિંતક અને લેખક
જૈન સાહેબના સ્વભાવની સરળતા, મોં પરની હળવાશ અને આનંદિત ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે તેઓ બહુ મોટા ગજાના કવિ, વિચારક, ચિંતક અને લેખક હશે. તેમની બહુમુખી વિદ્વતાનો અણસાર પણ ના આવે. જૈન સાહેબના ચહેરા પર કે તેમન સાથેની વાતચીતમાં કે તેમના વ્યક્તિત્વમાં વિદ્વત્તાનો ભાર ક્યારેય જોવા ન મળે. જૈન સાહેબ હિન્દી સાહિત્યના ઉત્તમ કવિ. તેમના કાવ્યો અને તે પણ તેમના મુખેથી સાંભળવા એ લ્હાવો હતો. અમારી કોલેજમાં તેમના આવ્યા પછી પ્રતિવર્ષ હિન્દી અને ગુજરાતી કવિ સંમેલનો થતાં, મુશાયરાઓ થતા અને તેમાં પણ જૈન સાહેબનું સંચાલન હોય! સૌ મંત્રમુગ્ધ બની જતા. કવિ હોવા ઉપરાંત તે ઉત્તમ લેખક પણ ખરા. તેમણે હિન્દી સાહિત્ય અને જૈન સાહિત્યનાં અનેક લેખો, પુસ્તકો પણ લખ્યા. અત્યારે પણ તેઓ આ ક્ષેત્રમાં પ્રવૃત્ત છે. જૈન ધર્મના સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે તેઓ અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા વિગેરે દેશોમાં ઘણીવા૨ ગયા છે. અત્યારે પણ આ પ્રવૃત્તિ કરે છે. જૈન ધર્મના ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં તેમના સંશોધન લેખો રજૂ કર્યા છે. આ રીતે જોઇએ તો જૈન સાહેબને કવિ, લેખક, ચિંતક, વિચારક અને સંશોધકની કક્ષામાં મૂકી શકાય.
માનવીય સંબંધોના માણસ
ડૉ. શેખરચંદ્ર જૈનમાં ઉપરનાં ગુણોની સાથે નાના મોટા સૌને સ્પર્શે તેવું એક વિશિષ્ટ પાસું તે છે તેમના વિવિધ ક્ષેત્રના લોકો સાથેના વ્યાપક અને આત્મીય સંબંધ. મેં જે રીતે જૈન સાહેબને અને તેમના સંબંધોને જોયા છે, જાણ્યા છે અને માણ્યા છે તેથી ટૂંકામાં કહેવું હોય તો કહી શકાય કે- ‘ડૉ. શેખરચંદ્ર જૈન એટલે ! માનવીય સંબંધોના માણસ'. તેમને વિવિધ ક્ષેત્રના અનેક લોકો અને મહાનુભાવો સાથે વ્યાપક અને આત્મીય સંબંધો બંધાયા છે. જૈન સાહેબ માત્ર સંબંધો બાંધી જાણે એટલું જ નહીં પરંતુ ટકાવી પણ જાણે. વિવિધ પ્રસંગોમાં મિત્રોને બહુ ભાવથી બોલાવે. કોલેજમાંથી નિવૃત્ત થયા હોવા છતાં આજે પણ તેમનું ભાવભીનું નિમંત્રણ ઘેર આવવા માટેનું અમારા જેવા સૌ મિત્રોને હોય જ.
હું કોલેજમાં આચાર્ય હતો ત્યારે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જૈન સાહેબનાં પ્રભાવ-પ્રતિષ્ઠાથી અમે બન્ને તે સમયના રાજ્યપાલશ્રી શાસ્ત્રી સાહેબને લાવી શક્યા.
હું કોલેજના એન.એસ.એસ.ના રાષ્ટ્રીય એકતા શિબિરમાં પંજાબમાં ભટીંડા મુકામે જવાનો હતો. તે સમય દરમ્યાન જ દિલ્હીમાં ઇન્ટરનેશનલ જૈન સેમિનાર હતો અને તેમાં જૈન સાહેબ તેમનો સંશોધન લેખ રજૂ કરવાના હતા. તેમને મને આગ્રહ કરીને આ સેમિનારમાં હાજર રહેવા માટેનું નિયંત્રણ આપ્યું. હું આ સેમિનારમાં ગયો ત્યારે ભારત અને અન્ય દેશોમાંથી જૈન ધર્મના વિદ્વાનો અને દિલ્હીના શ્રેષ્ઠીઓ સાથેનો જૈન સાહેબનો પરિચય જોઇને મને તેમના સંબંધોની વ્યાપકતાનો સવિશેષ ખ્યાલ આવ્યો.