________________
256
૮. તિલકમંજરીવૃત્તિ
૯. યશોધરચરિત્ર
જિતેન્દ્ર શાહ
Makaranda
આમ તેઓએ સંસ્કૃત ભાષામાં સારી એવી કૃતિઓ રચી છે અને તેમાંની મોટા ભાગની બધી જ પ્રકાશિત પણ થયેલી છે.
પ્રતિ પરિચય :
આ ગ્રંથની મૂળ પ્રત ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તપ્રત સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ છે. તેનો ક્રમાંક નંબર-૭૨૭ છે. કાગળ ઉપર લખાયેલ આ હસ્તપ્રતની સાઇઝ ૧૧ × ૨૬ સેમીની છે. કુલ ૧૨ પાના છે. દરેક પાનાની આગળ પાછળ સુંદર સુવાચ્ય અક્ષરે પડિમાત્રા લિપિમાં લખાણ કર્યું છે. દરેક પૃષ્ઠ ઉપર ૧૩ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં આશરે ૪૫ અક્ષરો છે. પ્રતના અંતે લેખન સંવત્ દર્શાવ્યો નથી પરંતુ આ હસ્તપ્રતના અક્ષર અને મરોડના આધારે આશરે ૧૭મા સૈકાની હસ્તપ્રત હોવાનું અનુમાની શકાય.
દર્શન-વિષયક ગ્રંથો :
પં. પદ્મસાગરગણિએ ત્રણ પ્રકાશાંત કૃતિઓની રચના કરી છે. આ કૃતિઓ કદમાં લઘુ હોવા છતાં વિષય અને વિવેચનની દૃષ્ટિએ મહત્ત્વની છે. નયના સ્વરૂપને દર્શાવતી કૃતિ નયપ્રકાશ છે, યુક્તિના સ્વરૂપને સ્પષ્ટ કરતી યુક્તિપ્રકાશ છે, અને પ્રમાણના લક્ષણને દર્શાવતી કૃતિનું નામ પ્રમાણપ્રકાશ છે. આ ત્રણેય કૃતિઓ સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે લખાયેલ છે. પ્રાચીન કાળમાં તેમ જ મધ્યકાળમાં જૈન ધર્મમાં દાર્શનિક સ્તોત્રો રચાતાં હતાં તે સ્વરૂપની આ કૃતિઓ મૂળે તો તીર્થંકરના સ્તવના રૂપે લખાયેલ તો છે, પરંતુ તેમાં ભક્તિનું તત્ત્વ અત્યલ્પ છે. આ કૃતિઓમાં તીર્થંકરની દેશના-સ્વરૂપ તેમના તત્ત્વજ્ઞાનને કેન્દ્રસ્વરૂપે મૂકી તેમની સ્તુતિ કરી છે. અને ત્રણેય કૃતિ ઉપર તેમણે સ્વયં સરળ ભાષામાં સંસ્કૃતમાં ટીકા રચી છે, જે ઉપલબ્ધ થાય છે.
પ્રસ્તુત કૃતિમાં દર્શનશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રમાણના લક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી છે. ભારતીય દર્શન પરંપરામાં પ્રમાણને ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ પ્રમાણના લક્ષણ વિશે વિભિન્ન દર્શનોમાં વૈમત્ય પ્રવર્તે છે. નૈયાયિકો સન્નિકર્ષને પ્રમાણ તરીકે સ્વીકારે છે, સાંખ્યો ઇન્દ્રિયવૃત્તિને, જૈનો જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે. અહીં નૈયાયિક સંમત ઇન્દ્રિય-સંનિકર્ષને પૂર્વપક્ષરૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે અને તેમાં રહેલાં દૂષણ દાખવી, અંતે તેનું ખંડન કરી, જૈનદર્શન સંમત જ્ઞાનને પ્રમાણ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે.