________________
ડૉ. સુધીર શાહ
ખાસ કરીને તમે જોયું તે મુજબ નાનાં નાનાં સૂત્રોના રૂપમાં ગહન જ્ઞાન પ્રતિપાદિત થયેલ છે. તે તેની લાક્ષણિકતા છે. કાળ અર્થાત્ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter)ના મૂળભૂત સિદ્ધાંતો, શાશ્વતતાનો નિયમ, અણુ-પરમાણુ વિજ્ઞાન, દળનું સાતત્ય, સાપેક્ષવાદ, ઊર્જાના સિદ્ધાંત, ગતિના નિયમો અને જડત્વવાદ, શક્તિના નિયમો, ટેલિપથી, ટેલિપોર્ટિંગ, ધ્વનિના નિયમો, મનની અગાધ શક્તિ... આ બધું જ શાસ્ત્રોમાં સુંદર રીતે નિરૂપાયેલું છે અને તેનો હેતુ માનવજાત અને વિશ્વના કલ્યાણ માટે અને અંતે દરેક આત્માના મોક્ષ માટેની વિદ્યા સમજાવવાનો છે.
50
કયાં કયાં ઉપકરણોથી વસ્તુ-પરિસ્થિતિનું સંપૂર્ણ દર્શન (Complete knowledge) પ્રાપ્ત થાય છે, તેનો જવાબ આપતા ભારતના આ પ્રાચીનતમ મહાન વિજ્ઞાની સંકલનકારશ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શ, કાળ, અંતરભાવ વગેરેથી સંપૂર્ણ દર્શન પામી શકાય છે. એમણે એમ પણ લખ્યું છે કે પદાર્થ માત્રમાં, પછી તે જડ હોય કે ચેતન, દરેક પદાર્થમાં નિત્યતા અને ક્ષણિકતા . સાથે સાથે હોય છે. એટલે કે અમુક અપેક્ષાએ તે નિત્ય હોય છે તો અમુક અપેક્ષાએ તે અનિત્ય હોય છે. અને તે રીતે તે પરિવર્તનશીલ હોય છે.
આઇન્સ્ટાઇને કહ્યું છે કે પુદ્ગલને સ્થાન આપે તે જ અવકાશ છે. પુદ્ગલ અને અવકાશ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. અવકાશ વિના પુદ્ગલ સંભવ નથી. અવકાશ ન હોય તો પુદ્ગલ પણ ન હોય. તે જણાવતું એક વિધાન શ્રી ઉમાસ્વાતિજીએ પણ કર્યું છે. તેમણે કહ્યું કે જેટલા ક્ષેત્રમાં એક પરમાણુ રહી શકે તેટલા ક્ષેત્રને પ્રદેશ અર્થાત્ એક આકાશપ્રદેશ કહે છે.
જીવવિજ્ઞાન :
હવે જીવવિજ્ઞાનની વાત કરીએ તો આપણા વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝે વૃક્ષોમાં પણ જીવ છે એવું પ્રતિપાદિત કર્યું છે. વનસ્પતિમાં જીવ છે એવું જૈન શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે, પણ એક પગથિયું આગળ જઈને પૃથ્વી, પાણી, અગ્નિ અને હવામાં પણ જીવ-આત્મા છે એવું દર્શાવ્યું છે. આમ આ દિશામાં યોગ્ય સંશોધનની જરૂર છે જેથી આપણે વિશ્વને યોગ્ય દિશા આપી શકીએ. અલબત્ત, સૈદ્ધાન્તિક રીતે સાબિત કરવા માટે આ અંગેના પ્રયત્નો ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા છે.
વાચક શ્રી ઉમાસ્વાતિજીએ જીવના વિભાગ પાડ્યા છે. જેનું વધારે સારું, વિકસિત ચિત્તતંત્ર તે ઉચ્ચતર પ્રાણી, જેને જૈન પરિભાષામાં સંજ્ઞિ કહે છે. તે સિવાય અલ્પવિકસિત ચિત્તતંત્રવાળા એટલે કે અસંજ્ઞિ અર્થાત્ સંજ્ઞા વગરના જીવો એટલે કે જડ દેખાતા પદાર્થોમાં પણ ચેતના હોવાનું તેમણે કહ્યું. તેમણે જણાવ્યું કે પાણી અને હવામાં પણ જીવત્વ છે. જીવોના પ્રકાર તરીકે ત્રણ-સ્થાવર, ત્રસ એટલે હાલતા-ચાલતા. તેમાં બેઇન્દ્રિય. ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે. સ્થાવર અર્થાત્ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તેમાં પણ વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ એટલે નિગોદના જીવો. તેમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોમાં પણ સંમૂર્છિત જીવોની ઉત્પત્તિ. આ બધાંનું સવિસ્તર વર્ણન ખરેખર અદ્ભુત અને અકલ્પનીય છે. કેટલો વિશદ વિચાર આપણી પ્રાચીન સંસ્કૃતિએ કર્યો હશે ?