________________
242
ફાલ્ગની ઝવેરી
બધા ભવસાગરના પારને પામો (એવો આભાસ થાય છે).
પડહ ભેરી ઝાલર તવર, સંખ પણવ, ઘુઘરિય ઘમ ઘમ, સિરિમંડલ મહુઅર મણુજ્જ નિપુણનાદ રસ છંદતમ,
દુંદુભિ દેવતણી ગયણ, વાજે સૂર ગંભીર૧૧ આ વાજિંત્રોના નાદ સુણતાં એટલા આલાદક લાગે છે કે જાણે પોતે સાક્ષાત્ સમવસરણમાં તીર્થંકર પરમાત્મા સન્મુખ પહોંચી ગયો હોય અને પ્રભુના અતિશયોને એકલીન થઈ નિરખતો હોય અને કોઈ જુદી જ ભાવસૃષ્ટિમાં એનું વિહરન થવા માંડે છે.
આમ સંગીતપૂજા કરતાં શરૂઆત વૈખરીથી ભલે થઈ હોય. અંતિમ તબક્કે નાભિમાંથી સંવેદનો ઊઠે છે ને હૃદયને સ્પર્શી આરપાર નીકળી જાય છે.
અહીંયાં એક વાત ખૂબ સ્પષ્ટ સમજવી કે સંગીત એટલે ગીત વાઘ જ નૃત્યં જ ત્રાં હિતમુખ્યતે. અભિધાનચિંતામણિ ગ્રંથમાં હેમચંદ્રસૂરિ કહે છે : “ગીત, વાદ્ય અને નૃત્યના સમાહાર (ત્રણના સમૂહ)ને સંગીત કહે છે. સ્ત્રી-પુરુષની ૬૪ સ્ત્રીકળા અને ૭૨ કળાપુરુષની એમાં સંગીતકળા અગિયારમી કળા છે.” “પંચાશક' નામના ગ્રંથમાં કહ્યું છે – “જે ભવ્યાત્મા શુદ્ધ ગીત, નૃત્ય અને વાજિંત્રથી એટલે કે તૌર્વત્રિકરૂપી સંગીતથી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરે છે તે અનંતફળને પામે છે.'
આ સંગીતપૂજાનો સમાવેશ મહાભાષ્યની ગાથા અનુસાર અગ્રપૂજામાં કર્યો છે. બીજી રીતે એનો સમાવેશ ભાવપૂજામાં પણ કરવામાં આવે છે.
જૈન પૂજાઓમાં વિવિધ પરિબળોને ગૂંથી લેવામાં આવ્યાં છે; જેમ કે કથાનુયોગ, પ્રતીકો, કલ્પનો, ભાષાવૈભવ, સમાજદર્શન, જ્ઞાન-વિજ્ઞાન, મનોવિજ્ઞાન ઇત્યાદિ પાસાંઓને પૂજાઓના માધ્યમે વણી લેવાયાં છે. કથાનુયોગ દ્વારા માહિતી, ઉપદેશ અને સદૃષ્ટાંતતા દ્વારા લોકોને પૂજામાં પકડી રાખવા એવો ઊંડાણપૂર્વકનો અભિગમ લાઘવ શૈલીમાં રજૂ કરાયો છે. વળી તીર્થંકર પ્રભુની માતાને આવતાં ૧૪ સ્વપ્નો, ૧૪ રાજલોકની પૂજા, અષ્ટમંગલ, ૬૪ ઠાણાની પૂજા, ૮ કર્મની પૂજા જેને ૬૪ પ્રકારી પૂજા પણ કહેવામાં આવે છે. આ પૂજાઓ પ્રતીકાત્મક પૂજાઓ છે. પ્રતીક એટલે ચિહ્ન, નિશાની. ભાવોનું પ્રગટીકરણ સીધેસીધું નહિ પણ વ્યંજના દ્વારા કલાત્મક રીતે પ્રરૂપણ કરવામાં આવે છે. કલ્પનો દ્વારા અનભિવ્યક્ત, અગોચર, અમૂર્ત, અપ્રત્યક્ષ, અસ્પષ્ટ, અવ્યક્ત, અગ્રાહ્ય ભાવો પ્રતીકકલ્પનો દ્વારા મૂર્તિમંત થાય છે. જ્ઞાનોત્સવ પ્રકારથી ૧લી સદીમાં પ્રાકૃત એવમ્ સંસ્કૃત ભાષામાં શરૂ થયેલી પ્રાસંગિક પ્રાચીન પૂજા મધ્યકાળમાં ૧૫મી થી ૧૯મી સદી સુધીમાં કળશ રૂપે જૂની ગુજરાતી અપભ્રંશ, મારુગુર્જર, જૂની ગુજરાતી અને વર્તમાન ગુજરાતી ભાષામાં રચાઈ. ૧૭મી સદીમાં ગુજરાતમાં જે ભક્તિ-આંદોલન ઊડ્યું તેના કારણે જૈન સાધુ-કવિઓએ તત્ત્વજ્ઞાનને પૂજાઓમાં ઢાળવાનું શરૂ કર્યું અને વિષયવૈવિધ્ય ધરાવતી પૂજાઓનો સુવર્ણકાળ શરૂ થયો. આ પૂજાઓની રચના ૧૯મી સદીમાં તો સોળે કળાએ ખીલી ઊઠી. અર્વાચીન કવિઓરચિત પૂજામાં ગઝલ, કવ્વાલી, હૂમરી, વિદેશી સંગીત, હિન્દી અને ઉર્દૂ ભાષાની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.