________________
236
આર. ટી. સાવલિયા
હાજાપટેલની પોળમાં ‘સંગ્રહણીસૂત્ર’ (ઈ. સ. ૧૮૫૪-૫૫)ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરુપર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે.
અમદાવાદમાં ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનના મ્યુઝિયમમાં વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે જેમાં કલ્પસૂત્ર, મધુમાલતીકથા જેવી, મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જૈનસૂરિઓ અને સાધુઓને તેમજ સંઘને યાત્રા દરમિયાન આમંત્રણ આપતું એક વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે.
લા.દ. વિદ્યામંદિરમાં મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ સચિત્ર હસ્તપ્રતો છે જેમાં ૧૮મી સદીની ‘કલ્પસૂત્ર’ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરોના જીવનપ્રસંગો આલેખાયેલા છે.
આ જ સંસ્થામાં આવેલા મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. જેમાં કલ્પસૂત્રની ઈ. સ. ૧૪૩૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાના દશ્યમાં કાલક અને શાહીને વાર્તાલાપ કરતા દર્શાવ્યા છે. બીજી પ્રતમાં રાજાને દાન આપતો બતાવ્યો છે જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્શ્વભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. ‘વ્રતાચાર્ય કથા'ની હસ્તપ્રત (ઈ. સ. ૧૪૬૮)માં શત્રુંજય માહાત્મ્યનું દૃશ્ય આકર્ષક છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માંના એક દશ્યમાં મુનિશ્રી શ્રાવકને ઘે૨ વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. ‘માધવાનલ કામકન્દલા'ની પ્રતમાં વિક્રમાદિત્ય - કામસેનના યુદ્ધનું દૃશ્ય કંડારેલું છે. ‘ચંદ્રપ્રભચરિત'માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દૃશ્ય દોરેલું છે. ઈ. સ. ૧૫૮૩માં લખાયેલી ‘સંગ્રહણીસૂત્ર'ની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે.
અહીં સિદ્ધચક્ર પટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં - જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને સિદ્ધિ; તપમાંથી ચાર સિદ્ધિ - ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ · આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં અરિહંત એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય
છે.
અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગલ ચિહ્નો તથા અષ્ટમંગલનું ચિત્ર, નગરનું આલેખન, સાધુ-મહારાજના વ્યાખ્યાનને ચિત્રાંકિત કરી, વિગતો લખીને એના ઉપર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાળવણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલો જે આજે પ્રાચ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે. જેમાં દરેક પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે.