________________
28
આર. ટી. સાવલિયા
સચિત્ર જૈન હસ્તપ્રતો
ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય છે. એની વિદ્યાપ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું બહુમૂલ્ય પ્રદાન છે. તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ. સ. ૫મી સદીમાં વિદ્યાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમગ્રંથો પુસ્તક રૂપે વલભીમાં લાવવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યાપ્રવૃત્તિના ઇતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્ય-પ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી ‘સિદ્ધહેમવ્યાકરણ'ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા ગ્રંથભંડારો સ્થાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત - એમ ત્રણ ગ્રંથભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાનભંડારોમાંની એકમાત્ર, તાડપત્ર પર લખાયેલી ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધર્માભ્યુદય’ કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે.
આવા હસ્તલિખિત ગ્રંથભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથભંડારોમાં જૈન ધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલા છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સૂરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કૅમ્પ, માંગરોળ વગેરે