________________
જૈન યોગ અને પાતંજલ યોગ
આ ચારેય તત્ત્વ અનાદિકાળથી છે. ઇન્દ્રિયોની મદદ વિના ઉત્પન્ન થતાં જ્ઞાનાદિ પરિણામો અપરિમિત છે, પરાકાષ્ઠાનાં છે. માટે સર્વજ્ઞતાની સિદ્ધિ તેમાં થાય છે. સર્વશક્તિસંપન્ન ઈશ્વરની ઇચ્છાનુસાર આખું જગત કર્મ મુજબ પ્રવર્તે છે, પરિણમે છે.
199
પાતંજલ યોગમાં ઈશ્વર અને ઈશ્વરનો અનુગ્રહ છે એના વિશે ઉપાધ્યાય યશોવિજયજી સમાલોચના કરતાં કહે છે કે ઈશ્વરના અનુગ્રહથી જ યોગ ઉત્પન્ન થાય છે. આ વાત બરાબર નથી કારણ કે જે જીવમાં યોગ્યતા ન હોય તેવા જીવમાં ઈશ્વર યોગને ઉત્પન્ન ન કરી શકે. જેમ જડ એવા અણુને ઈશ્વર ક્યારે પણ જીવ બનાવી શકતો નથી. વસ્તુનો મૂળભૂત સ્વભાવ ક્યારેય બદલાતો નથી. તેથી યોગ્યતાથી નિરપેક્ષ એવા કેવળ ઈશ્વરના અનુગ્રહથી જ જીવોને યોગસિદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ થાય છે આ વાત બરાબર નથી. જો ઈશ્વરમાં અનુગ્રહ કરવાનો સ્વભાવ એકસરખો હોય તો એકીસાથે બધા જીવોને યોગસિદ્ધિ, મુક્તિ મળી જાય, પણ એવું થતું નથી. એટલે વ્યક્તિભેદ, આત્મભેદે ઈશ્વરમાં અનુગ્રહતા પણ વિભિન્ન પ્રકારની માનવી પડે, જે પાતંજલ દર્શનને માન્ય નથી.
જૈનદર્શન અનુસાર સંસારમાં ભટકતા જીવો ઈશ્વરના, અરિહંતના માર્ગદર્શન અનુસાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે, પુરુષાર્થ કરે તો આ ભવ અટવીથી પાર પામે છે. ઈશ્વર એટલે કે અરિહંત જીવોને મોક્ષમાર્ગ દેખાડે છે. આરાધક જીવો એ માર્ગ પર ચાલી, યોગમાર્ગમાં આગળ વધી મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. આ રીતનો અનુગ્રહ જૈનદર્શનને માન્ય છે પણ ઈશ્વરના અનુગ્રહથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ રીતનો અનુગ્રહ જૈનદર્શનને માન્ય નથી.
જૈનદર્શન પ્રમાણે આ સૃષ્ટિ અનાદિ-અનંત છે. અર્થાત્ આ સૃષ્ટિની ઉત્પત્તિ કે લયનો કોઈ અવકાશ નથી, કર્તા-સંહર્તા રૂપે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં નથી. પ્રત્યેક જીવ એના વર્તમાન પર્યાયનો પોતે જ કર્તા છે અને પ્રત્યેક જીવમાં ૫૨માત્મતત્ત્વ રહેલું છે. પોતે પુરુષાર્થ કરી વર્તમાન બદ્ધ પર્યાયથી મુક્ત બની શકે છે અને પોતામાં રહેલા પ૨માત્મતત્ત્વને સંપૂર્ણ પ્રગટ કરી પોતે પરમાત્મા બની શકે છે. જૈનદર્શનમાં બધાય મુક્ત જીવો (જે સિદ્ધ તરીકે ઓળખાય છે) સમાન ભાવે ઈશ્વર તરીકે ઉપાસ્ય છે. આમ જૈનદર્શનમાં ઈશ્વરનું સ્થાન અરિહંત કે સિદ્ધનું છે જે અનાદિકાળથી સદા મુક્ત એવા ઈશ્વરનું નથી પણ સંસારી જીવ જે પોતાના પુરુષાર્થથી, યોગ્યતાથી એ પદ પ્રાપ્ત કરી શક્યા છે.
યોગના તૃતીય અંગ ‘આસન'નું મહત્ત્વ સાધના માટે શરીરને સ્થિર કરવાનું છે. મન સ્થિર કરવા માટે શરીરની નિશ્ચલતાની જરૂ૨ છે જે આસનથી સિદ્ધ થાય છે. અષ્ટાંગ યોગના આગળના અંગ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાનના અભ્યાસ માટે શરીરની સ્થિરતા આવશ્યક છે. એટલે પાતંજલ યોગ અને જૈન યોગ આ બંને પરંપરામાં ‘આસન'ને સ્થાન આપ્યું છે. આચાર્ય હેમચંદ્ર ‘યોગશાસ્ત્ર'માં ધ્યાનથી સિદ્ધિ કરવા માટે આસનનો જય ક૨વાનું કહે છે.
‘પ્રાણાયામ’ એ અષ્ટાંગ યોગનું મહત્ત્વનું અંગ છે. શ્વાસ-પ્રશ્વાસની ગતિનો શાસ્ત્રોક્ત રીતે નિરોધ કરવો તે પ્રાણાયામ છે. પ્રાણાયામ વડે ચિત્તની સ્થિરતા થાય છે જે ધ્યાનની સાધના માટે જરૂરી છે. જૈન યોગમાં પ્રાણાયામ અર્થાત્ ભાવ-પ્રાણાયામ એવો અર્થ લીધો છે.