________________
અમદાવાદના વિકાસમાં જૈન શ્રેષ્ઠિઓનું પ્રદાન
149
શાંતિદાસ ઝવેરી પછી તેમનાં કુટુંબીજનો-વારસદારો નગરશેઠપદના અધિકારી બન્યા હતા. તેમાંથી કેટલાક નગરશેઠનાં કાર્યો શ્રેષ્ઠી જેવાં હતાં. ૧૭૨૫માં સૂબા હમીદખાનના વખતમાં નગરશેઠ ખુશાલચંદે શહેરને મરાઠાઓની લૂંટમાંથી બચાવ્યું હતું. શહેરની પ૩ જેટલી મહાજન જેવી વ્યક્તિઓએ શહેરમાંથી જકાતવેરો ઉઘરાવવાનો દસ્તાવેજ કરી આપ્યો હતો. એના આધારે વારસદારોને આની આવક મળતી રહી હતી. આ જ રીતે ફરી ૧૭૮૦માં નથુશાએ અમદાવાદને લૂંટાતું બચાવ્યું હતું. ૧૮૧૨માં નગરશેઠ વખતચંદ ખુશાલચંદની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં આવેલ ફત્તેહસિંહરાવ ગાયકવાડને વારસાગત વેરાની મુક્તિ માટે મળ્યું હતું અને ગાયકવાડ સરકારનો વારસાગત વેરો દૂર કરતો શિલાલેખ ત્રણ દરવાજાની દીવાલે હાલમાં પણ જોવા મળે છે.
નગરશેઠ હીમાભાઈ શિક્ષણપ્રેમી હતા. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાત કૉલેજની સ્થાપના અને પાંજરાપોળમાં આર્થિક મદદો કરી હતી. નગરશેઠ પ્રેમાભાઈના રૂપિયા ૨૦,૦૦૦/-ના દાન અને બનેવી હઠીસિંહના દાનના સહયોગથી સિવિલ હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. એમણે પિતાશ્રી હીમાભાઈની યાદમાં લાલ દરવાજા ખાતે પુસ્તકાલય શરૂ કર્યું હતું - - જે હાલમાં હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામે ચાલુ છે. તેઓ ગુજરાત કૉલેજ, વર્નાક્યુલર સોસાયટી અને આણંદજી કલ્યાણજી પેઢીમાં સહયોગી હતા. બ્રિટિશ સરકારે ૧૮૭૭માં એમને “રાવબહાદુર'નો ઇલકાબ આપ્યો હતો અને મુંબઈ ધારાસભામાં સભ્યપદ અને માન મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક કરી હતી. પ્રેમ દરવાજા અને પ્રેમાભાઈ હૉલ એમના કાર્યની સુવાસને કારણે નામકરણ પામ્યા હતા. આ નગરશેઠ મણિભાઈ ૧૮૯૮-૧૯૦૦ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે રહ્યા હતા – એમણે છપ્પનિયા દુકાળમાં “પુઅર હાઉસ” અને કેટલ કેમ્પ' જેવી સેવાઓ પૂરી પાડી હતી. નગરશેઠ તરીકે વારસાગત માનમોભો પામેલા લક્ષ્મીચંદ, ચીમનભાઈ, લાલભાઈ, કસ્તૂરભાઈ મણિભાઈ અને વિમલભાઈ માયાભાઈએ શ્રેષ્ઠીઓને શોભે એવાં કાર્યો કરવામાં સક્રિયતા દાખવી નહોતી. : -
શેઠ હઠીસિંગ કેસરીસિંગ પરિવાર : અમદાવાદનાં નગરરત્નોની નામાવલિમાં શેઠ હઠીસિંગ કેસરીસિંગનો સમાવેશ થાય છે. તેઓ એક દિલદાર દાનવીર હતા. ૧૮૫૮માં શરૂ થયેલ શહેરની પ્રથમ સિવિલ હૉસ્પિટલ માટે શેઠ હઠીસિંગ કેસરીસિંગે રૂ. ૫૫,૦૦૦/-નું દાન આપ્યું હતું અને આ હૉસ્પિટલ સાથે હઠીસિંગ અને પ્રેમાભાઈનું નામ જોડાયેલું હતું. શેઠ હઠીસિંગ દિલ્હી દરવાજા બહાર દહેરાં બાંધવાનું શરૂ કર્યા પછી થોડા વખતમાં અવસાન પામ્યા હતા. એમની પત્ની હરકુંવર શેઠાણીએ દહેરાંનું કામકાજ પૂર્ણ કર્યું હતું. શેઠાણી કન્યા કેળવણીને ખૂબ મહત્ત્વ આપતાં. ૧૮૫૧માં શહેરમાં પ્રથમ કન્યાશાળા કાલુપુર વિસ્તારમાં શરૂ કરી હતી. તેઓ ટ્રેઇનિંગ સ્કૂલ અને વર્નાક્યુલર સોસાયટીમાં પણ રસ લેતાં હતાં. બ્રિટિશ સરકારે એમની ઉમદા સેવાઓની કદર કરી “નેક નામદાર સખાવતી બહાદુર' નામનો ઇલકાબ આપ્યો હતો.
શેઠ લાલભાઈ દલપતભાઈ પરિવાર : પાંજરાપોળની અસ્મિતાને ઉજાગર કરનાર શ્રેષ્ઠી શેઠ લાલભાઈ દલપતભાઈ અગ્રસ્થાને હતા. બાપ કરતાં બેટો સવાયોની જેમ કસ્તૂરીમૃગ સમા