________________
વર્તમાન સમયના મહાતપસ્વી.. - પ.પૂ.આ.હેમચન્દ્રસૂ.મ.સા.
જૈન શાસન એ તો રત્નોની ખાણ છે. સમય સમયે એવાં અનેક રત્નસમા સાધુપુરુષો થઇ ગયા છે. તેઓના વૃતાંતોથી આપણો ઇતિહાસ ભર્યો ભર્યો છે. તે બધા સાધુ પુરુષોના તપોબળથી જ આપણે સહુ ચારે બાજુના વિષમ વાતાવરણમાં પણ કંઇક સુખશાંતિનો અનુભવ કરી રહ્યા છીએ.
‘તપસ્તીદાદા’ના હુલામણા નામથી આ-બાલ વૃધ્ધ સૌના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર તપસ્વી શ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી એવા જ વિરલ સાધુ પુરુષ થઇ ગયા તપ અને ત્યાગની મૂર્તિસમા તેઓનું જીવન પૂર્વના ઋષિમુનિઓની ઝાંખી કરાવે તેવું હતું. જેવો તપ એવો જ ત્યાગ, બંનેમાંથી કોણ વધારે એ કહેવું જ મુશ્કેલ. લોકોને ધર્મ પમાડવાની અદમ્ય ભાવના જૈનશાસનની એકતા અને અભ્યુદયની તીવ્ર ઝંખના જે સિદ્ધ કરવા માટે એમણે જાનની બાજી લગાવી દીધેલી.
તેઓના સંસારીપુત્ર આચાર્યશ્રી વિજયનરરત્નસૂરિજી પણ વિનયનમ્રતાની મૂર્તિસમા હતાં. પોતાના સમુદાયમાં તેઓ નામ પ્રમાણે જ રત્નસમાન ગણાતા હતાં. તેઓ પોતાના પિતાની સાથે સદાય પડછાયાની જેમ જ રહેતા તપસ્વી મહારાજ લોકોને થોડાક કડક લાગતા પણ શ્રી નરરત્નસૂરિજી તો એકદમ શાંત પ્રકૃતિના હતા એમની સાથે રહેનારા કોઇએ એમને કદી ઉગ્ર થયેલા જોયા ન હતા – પિતા/પુત્રની આવી જુગલ જોડી જવલ્લે જ જોવા મળે. તેઓ તો ઉત્કૃષ્ટપણે તપ ત્યાગ અને સંમયની આરાધના કરી પોતાનું કલ્યાણ કરી ગયા પણ સૌના માટે આદર્શ મૂકી ગયા તેઓના ચરણોમાં સદાય વંદના.....
મહાતપસ્વી આચાર્ય ભગવંતનાં સુખદ સંભારણાં
૫.પૂ. આ. શીલચંદ્રસૂરિ મ.
પૂજ્યપાદ મહાતપસ્વી આચાર્યભગવંત શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં એક ગ્રંથતૈયાર થઇ રહ્યો હોવાના સમાચારે ચિત્તમાં સ્મૃતિ આંદોલનો જગાડયાં છે. એમાં પણ એ ગ્રંથમાં લેખ લખી મોકલવાની આવેલી માગણીએ મનને શું લખું અને શું ન લખું ? એની ઘેરી વિમાસણમાં મૂકી દીધું છે.
સ્મૃતિઓ અઢળક છે, કેટલી વાતો લખવી ? કેટલું લખવાથી ફાયદો થાય ? કેટલુંક ખરેખર અત્યંત ઉજળું અને લાભકર્તા હોય, છતાં તે લખવા જતાં કોઇકને અરુચિકર પણ નીવડે તો ? આવા સવાલો પણ મનમાં મરાય છે. અને છતાં લખવું તો છે જ. ઉત્તમ વ્યક્તિના ગુણ ગાવા એ પણ આરાધનાનો એક સુંદર પ્રકાર જ છે ને ! એટલે કોઇનેય બાધારૂપ ન બને તે રીતે ગુણાનુવાદનો ઉપક્રમ કરીએ.
તેઓશ્રી વિષે સૌ પહેલાં સાંભળ્યું સંવત્ ૨૦૪૦ લગભગના અરસામાં, ૪૦ થી ૪૨ નાં વર્ષો એ તત્કાલીન તપાગચ્છ માટે સંક્રાન્તિનો કાળ હતો. એ ગાળામાં તપગચ્છમાં એક એવો પરિવર્તનનો માહોલ રચાયો કે જેણે કલ્પનાતીત એવાં સુખદાયી પરિણામો નીપજાવ્યાં.
આનાં કારણોની ચર્ચામાં ઉતરીએ, તો અનેક મહત્ત્વના કારણો આની પાછળ કામ કરી ગયાં હતાં. એમાંનું એક મહત્ત્વપૂર્ણ કારણ કહો કે પરિબળ કહો, તે હતું પૂજ્યપાદ શ્રીહિમાંશુસૂરીદાદાની અદ્ભુત અને શાસન-સમર્પિત તપસાધના ! સંઘમાં ઐકય થાય અને શાસનમાં શાંતિ સ્થપાય, એવા પુનિત અને સાત્ત્વિક આશયથી તેઓશ્રીએ અખંડ હજારો આયંબિલની કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે પણ સમગ્ર ગચ્છના ઐક્ય માટેની ભૂમિકા રચવામાં એક અગત્યનું પરિબળ હતું, એ વાત ભૂલી ન શકાય. કેટલાક લોકો આજે આ વાતને નજરઅંદાઝ કરે છે, પણ તે કોઇ રીતે ઉચિત નથી લાગતું.