________________
હેમચંદ્રાચાર્યોત્તર સંસ્કૃત જૈનસાહિત્યમાં હેમ-કુમારપાળ સંબંધિત રૂપક કથાઓ
a ડૉ. પ્રફ્લાદ પટેલ
ગુજરાતના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું સ્થાન એક સર્જક તરીકે તેમજ એક મહાન ધર્મપુરુષ તરીકે, સમગ્ર ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય ઇતિહાસમાં ચિરંજીવ અને પ્રગાઢ અસર મૂકી જનાર વિરલ પ્રતિભા તરીકેનું છે.
સૌપ્રથમ ‘ગૂર્જર' શબ્દ પ્રચલિત કરનાર હેમચંદ્રાચાર્ય છે. વર્તમાન ગુર્જરગિરાનાં મૂળ એમની વાણીમાં છે. ગુજરાતને ભારતીય સાહિત્યકારોની પંગતમાં સ્થાન અપાવવાનું કાર્ય એમને હાથે થયું છે. સિદ્ધરાજની સ્થળ વિજયગાથાઓને “સિદ્ધહેમ શબ્દાનુશાસન દ્વારા માળવાની સરસાઈમાં ગુજરાતની કીર્તિને ભારતવ્યાપી તેમણે કરી; તેમજ અહિંસા જેવા મહાધર્મની મહત્તાને વર્તમાન ગુજરાતી સમાજ સુધી પહોંચાડનાર હેમચંદ્રાચાર્યનું વ્યક્તિત્વ લોકોત્તર હતું.
ઉપનિષમાં પરબ્રહ્મ-પરમેશ્વર વિશે કહ્યું છે કે – તેના પ્રકાશ્યા પછી જ બધું પ્રકાશે છે અને તેના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. ગુજરાત ઉપરની હેમચંદ્રાચાર્યની પ્રભાવક અસર જોતાં આ કથન એમને માટે પ્રયુક્ત કરી શકાય તેમ છે. તેમના વિરાટ વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંઓને અનુલક્ષીને - થોડાક વિવાદો સર્જીને આપણે એમની પ્રતિભાને ઓળખવામાં ઊણા ઊતર્યા છીએ. પરંતુ મહામાનવોનું કેટલુંક તો લોકોત્તર હોય છે. મહતાં દિ સર્વષથવા અનાતિમ્ | (શિશુપાલવધ)
એક વીતરાગ સાધુ હોવા છતાં ગુજરાત માટેની તેમની ભાવના પ્રશસ્ય છે. “જ્યાં લક્ષ્મી લેશ પણ દુઃખ ન પામે અને સરસ્વતી સાથે વેર ન રાખે' એવા ગુજરાતની કલ્પનામાં તેઓ રાચતા હતા.
એમની સિદ્ધિઓ ચાર પ્રકારે મૂલવાઈ છે (૧) વિદ્વાન સાહિત્યકાર, (૨) સંસ્કારનિર્માતા સાધુ, (૩) સમયધર્મી રાજનીતિજ્ઞ અને (૪) સૌથી વિશેષ આધ્યાત્મિક સાધુ તરીકે - પરિણામે તેમનામાં લોકસંગ્રહની - લોકાનુગ્રહની ભાવના સદૈવ જાગ્રત હતી.
ગુજરાતની સંસ્કારિતાનો પિંડ બાંધનાર આ આચાર્ય માત્ર કુમારપાળના જ ગુર ન હતા, પરંતુ ગૂર્જર રાષ્ટ્રના કુલગુરુ સમાન હતા તેથી જ સમકાલીનોથી પ્રારંભીને વર્તમાન સદી સુધીના સાહિત્યકારોએ તેમને સ્મરણ-વંદનાથી સન્માનિત કર્યા છે. તેમના સમકાલીન ‘કુમારપાળ પ્રતિબોધ'ના કર્તા સોમપ્રભાચાર્યના મતે તેમણે વ્યાકરણ, છંદ, અલંકાર, યોગ, જિનચરિત્રો, તર્કશાસ્ત્ર વગેરેની રચનાથી પ્રજાના અજ્ઞાન-અંધકારને દૂર કરવા પ્રયત્ન કર્યો.
कुलुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रया - लंकारी प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् ।
तर्कः संज़नितो नवो जिनवरादीनां चरितं नवम् बद्धं येन केन केन विधिना मोह कृतो दूरतः ॥
તો બીજી બાજુ આચાર્ય ધર્મપુરુષ તરીકે મહારાજા કુમારપાળના પ્રતિબોધક હતા. તેમણે સિદ્ધરાજને મિત્ર તરીકે જૈન ધર્મનો ઉપદેશ આપ્યો પરંતુ તેને જૈન ધર્મી બનાવવામાં સફળ ન થઈ શક્યા પણ કુમારપાળને જૈન ધર્માનુરાગી કરીને જૈન ધર્મને રાજધર્મ સ્થાપિત કરવામાં સફળ થયા. - આચાર્ય સૌપ્રથમ ધર્મોપદેશક હતા. પ્રાચીન કાળમાં પણ પ્રજાને ઉપદેશ આપવા કરતાં રાજવીઓને ઉપદેશ આપીને ધાર્યા પરિણામો પ્રાપ્ત કર્યાનાં અનેક દૃષ્ટાંતો જૈન ઇતિહાસ-કથાઓમાં મળી આવે છે, અને તે પણ ધર્મકથાનુયોગ દ્વારા વિશેષ પ્રમાણમાં. જૈન આગમશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે તમામનો સમાવેશ ચાર પ્રકારના અનુયોગમાં કરવામાં આવે છે. તેમાં ધર્મકથાનુયોગને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એથી વિશેષ તો ધર્મોપદેશનું કાર્ય પ્રભાવક રીતે તો રૂપકાત્મક કથાઓ દ્વારા થયું છે. તેથી જ ભારતીય કથા-આખ્યાનસાહિત્યમાં રૂપકાત્મક સાહિત્યનું સ્થાન વિશિષ્ટ છે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હેમચંદ્રાચાર્યે ઉપદેશના માધ્યમ તરીકે રૂપક જેવા પ્રભાવશાળી સાહિત્યપ્રકારને સ્પર્શ કર્યો નથી; તો પણ બીજી એક ઉલ્લેખનીય બાબત એ છે કે હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને કેન્દ્રમાં રાખીને તેમના સમકાલીન અને પરવર્તી જૈન સર્જકોએ રૂપક રચનાઓ કરી છે. તે બાબત હેમચંદ્રાચાર્યનો પ્રભાવ અને કુમારપાળ માટેનો આદર સૂચવે છે. તેમના સમકાલીન સોમપ્રભાચાર્યથી શરૂ કરીને જિનમંડન ગણિ (પંદરમી સદી) સુધી આ ગુરુશિષ્યની બેલડી સંબંધિત અનેક રૂપક રચનાઓ થઈ છે.
જૈન પરંપરામાં રૂપક સાહિત્યના મહત્ત્વને લીધે પ્રથમ તેના સ્વરૂપની ચર્ચા અસ્થાને નથી. અંગ્રેજી સાહિત્યમાં જેને Allegory કહે છે તે રૂપકાત્મક સાહિત્યમાં અમૂર્ત ભાવોને મૂર્ત રૂપે ઉપસ્થિત કરવામાં આવે છે. હૃદયના સૂક્ષ્મ ભાવો ઇન્દ્રિયોનો વિષય બની શકતા નથી; જ્યારે તે જ ભાવો ઉપમા-રૂપક દ્વારા સ્થૂળ-મૂર્તરૂપ ધારણ કરે છે તો ઇન્દ્રિયગોચર થતાં વધારે સ્પષ્ટ અને બોધગમ્ય બને છે. ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્ રૂપમાં પ્રત્યક્ષ થતાં એ સૂક્ષ્મભાવો સજીવ રૂપ ધારણ કરીને હૃદયને અત્યધિક પ્રભાવિત કરવા સમર્થ બને છે. તેથી રૂપક સાહિત્યમાં અમૂર્તનું મૂર્તમાં વિધાન પ્રચલિત થયું.
જૈન આગમ સાહિત્યમાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર,’ ‘સૂત્રકૃતાંગ’ જ્ઞાતાધર્મકથા' વગેરેમાં આવાં રૂપકો છે, પરંતુ તે અલ્પશબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org