________________
નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીત (પીળો), ઉપાધ્યાય પદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષત ધ્યાતા-ધ્યાનની દષ્ટિએ કરવામાં આવી છે અને તેમાં વિશિષ્ટ પ્રયોજન રહેલું છે. સામાન્ય અનુભવની એ વાત છે કે આંખ બંધ કરીને કોઈ પણ એક પદાર્થનું ધ્યાન ધરીએ તો આંખ બંધ થતાં જ શ્યામ વર્ણ દેખાય છે, પછી ધીમે ધીમે નીલો વર્ણ, પછી પીળો વર્ણ અને પછી શ્વેત વર્ણ દેખાય છે. ધ્યાનમાં બહુ સ્થિર થતાં બાલસૂર્ય જેવો, તેજના ગોળા જેવા લાલ વર્ણ દેખાય છે. પંચપરમેષ્ઠિમાં છેલ્લું પદ સાધુનું છે. ત્યાંથી જીવે ઉત્તરોત્તર ચઢતાં ચઢતાં સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. એટલા માટે રંગનો ક્રમ એ પ્રમાણે આપવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ આત્માના જ ગુણો હોવાથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવ્યો છે.
ઉપાધ્યાયપદનો રંગ નીલો છે. વીજળીના બે તાર અડતાં તેમાંથી ઝરતા તણખાનો જેવો ભૂરી ઝાંયવાળો લીલોરંગ હોય છે તેવા રંગથી માંડીને ઘાસના લીલા રંગ જેવા લીલા રંગ સુધીના રંગ હોય છે. નીલમણિની પ્રભા પણ શીતળ, નયનરમ્ય અને મનોહર હોય છે. ઉદ્યાનની હરિયાળી વનરાજિ પોતે પ્રસન્ન હોય છે અને જોનારને પણ પ્રસન્ન કરી દે છે. હરિયાળાં વૃક્ષો પોતાના આશ્રયે આવનારનો શ્રમ હરી લે છે અને તેમને શીતળતા, પ્રસન્નતા અર્પે છે. તેવી રીતે ઉપાધ્યાય ભગવંત પોતે હંમેશાં ઉપશાંત અને પ્રસન્ન હોય છે તથા એમના સાન્નિધ્યમાં આવનારને તેઓ શાંત અને પ્રસન્ન કરી દેતા હોય છે. ઉપાધ્યાય ભગવંત પાસે ભવનો ભય અને થાક ઊતરે છે, શંકાનું સમાધાન થાય છે અને તે થતાં પ્રસન્નતા અનુભવાય છે.
મંત્રશાસ્ત્રમાં અંતરાયો, ઉપદ્રવો કે અશિવના નિવારણ માટે નીલ (લીલા રંગ)નું ધ્યાન ધરવાનું વિધાન છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનના આવરણને કે અંતરાયને દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ગ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રશાસ્ત્રમાં (જૈન, હિંદુ અને બૌદ્ધ એ ત્રણેમાં) બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચે તત્ત્વો સંકળાયેલા છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકાર મંત્રના નમો એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્વ સાથે અનુસંધાન થાય છે. નમો ઉવજ્ઝાયાણં એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો=આકાશ, ઉ=પૃથ્વી, વ-જલ, ઝા=પૃથ્વી અને જલ, યા=વાયુ અને ણ=આકાશ · એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે.
-
ઉપાધ્યાય-પદની મહત્તા
Jain Education International
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org