________________
૧૫૯
ચિત્રમય લેખન :
કેટલાક લેખકો લખાણની વચ્ચે સાવધાનીપૂર્વક એવી જગા છોડી દેતા હોય છે કે જેનાથી અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ, ડમરું, ગોમૂત્રિકા, ૐ હ્રીં વગેરે આકૃતિ ચિત્રો તથા લેખક દ્વારા ઇચ્છિત ગ્રંથનામ, ગુરુનામ અથવા જે-તે વ્યક્તિનું નામ કે શ્લોક-ગાથા વગેરે દેખી કે વાંચી શકાય છે. એટલે જ આવા પ્રકારનાં ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ ‘રિક્તલિપિચિત્ર’ના નામથી ઓળખવા જણાવેલ છે. આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં કાળી સહીથી લખાયેલ લખાણની વચ્ચે કેટલાક અક્ષરો ચીવટ અને ખૂબીપૂર્વક લાલ સહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ નામ અથવા શ્લોક વગેરે દેખી-વાંચી શકાય છે. આવા પ્રકારનાં ચિત્રોને ‘લિપિચિત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રમયલેખનનો એક પ્રકાર ‘અંકસ્થાનચિત્ર' પણ છે. જેમાં, પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણીઓ, વૃક્ષ, મંદિ૨ વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્રક્રમાંક લખવામાં આવે છે.
જ્ઞાન પુષ્પાંજલિ
અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સોના-ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ સંવત ૧૫મીથી ૧૭મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોનાં પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે, જેને ‘ચિત્રપૃષ્ઠિકા'ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી પ્રતોમાં પાર્શ્વરેખાઓ પણ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી.
સચિત્ર પ્રત :
ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃતકથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ-બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ સહી તથા અન્ય વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર અને સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદ૨ વેલ-લતા-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલ જોવા મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, બૂંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે. ચિત્રશૈલી અને એમાં વપરાયેલ રંગો વગેરેના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે.
લેખન કાર્ય :
સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ પ્રકારના ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભોજક વગેરે જાતિના લોકોએ લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કર્યું છે. પ્રત લખનારને લહિયા કહેવાય છે. તેમને પ્રતમાં લખેલા અક્ષરો અંદાજે ગણીને મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org