________________
1
॥ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ॥
ડૉ. કુમારપાળ દેસાઈ
* જૈન ધર્મ :
આજના સમયના જગતના ધર્મોમાં જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ભારતમાં ઉદ્ભવેલા આ ધર્મને અનુસરનારાઓ ભારત ઉપરાંત આજે વિશ્વના અનેક દેશોમાં વસે છે. જૈન ધર્મ આગવું તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સ્થાપત્ય, નીતિશાસ્ત્ર, આચાર-પદ્ધતિ અને વિચાર-પદ્ધતિ ધરાવે છે.
‘જિન’ શબ્દનો અર્થ રાગ, દ્વેષ અને મોહના વિજેતા એવો થાય છે, આથી જ જેઓએ એના પર વિજય મેળવ્યો તેઓ વીતરાગ કહેવાયા. આવા ‘જિન’ના અનુયાયીઓ તે જૈન અને આ જિને નિરૂપેલો ધર્મ તે જૈન ધર્મ.’
જૈન ધર્મના વર્તમાન સમયના ૨૪ તીર્થંકરોમાં ભગવાન ઋષભદેવ તે પ્રથમ તીર્થંકર છે અને ભગવાન મહાવીરસ્વામી તે ૨૪મા છેલ્લા તીર્થંકર છે. જૈન ધર્મનો મુખ્ય મંત્ર નવકાર મહામંત્ર છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનથી કર્મવાદનો ગહનતાથી વિચાર કરવામાં આવ્યો છે તેમ જ જૈન ધર્મના તીર્થંકરોએ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
જૈન ધર્મમાં પાંચ યામ એટલે કે મહાવ્રતોનો મહિમા છે અને તે પાંચ યામ છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ. અહિંસાને જ પરમધર્મ માનનારો આ ધર્મ વૈચારિક અહિંસા અને સહિષ્ણુતાને વધુ મહત્ત્વ આપે છે. બધાં દૃષ્ટિબિંદુઓમાં રહેલાં આંશિક સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવો તે અનેકાંત છે. અનેકાંતવાદ એવી વિશાળ દૃષ્ટિ છે, જે વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અવલોકન કરે છે. અહિંસામાંથી અનેકાંતદષ્ટિ જન્મે છે અને અનેકાંતદૃષ્ટિને કારણે અહિંસાનું વ્યાપક દર્શન સાંપડે છે. અનેકાંતવાદ એ જૈન ધર્મની જગતને આગવી દેન છે.
જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાનો બોધ મળે છે.
* તીર્થંકર :
સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા જીવાત્માઓ માટે ધર્મરૂપી તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. જે મહાન આત્માઓ સર્વ જીવોને ધર્મ પમાડવાની ભાવના સાથે પૂર્વના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધી, મનુષ્ય તરીકે જન્મી, ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી આ ભગીરથ કાર્ય કરે છે, તેઓ ‘તીર્થંકર', ‘અરિહંત’ અથવા ‘જિનેશ્વર’ તરીકે ઓળખાય છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ સિદ્ધગતિ પામે છે, ત્યાર પછી ફરી જન્મ કે અવતાર લઈ તેમને સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી.
Shri Ashtapad MahaTirth Vol. XV Ch. 119-A, Pg. 6960-6972
B$ 103
-Shri Ashtapad Maha Tirth