________________
સંપાદકીય
(પૂર્વાવૃત્તિમાંથી) ભગવાન શ્રી મહાવીર મહારાજાના શાસનની ઉજજવળ પાટ પરંપરામાં અનેક ધુરંધર આચાર્ય ભગવંતોની ઝળહળતી તારક શ્રેણિમાં થયેલા લઘુશાન્તિસ્તવના રચયિતા મહાન ગુરુદેવ આચાર્ય ભગવાન્ શ્રીમદ્ માનદેવસૂરીશ્વરજી મહારાજના પ્રભાવક શિષ્ય પૂ. આચાર્ય ભગવાન્ શ્રીમદ્ માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ પરમાત્મ ભક્તિ સ્વરૂપ ભક્તામર સ્તોત્રની અદ્ભુત રચના કરેલ છે. જૈન સંઘમાં હોંશે હોંશે આ સ્તોત્રનું સ્મરણ થાય છે, આ સ્તોત્ર પર અનેક મહાપુરુષોએ વૃત્તિઓ-ટીકાઓ રચી છે, એ ઉપરથી પણ આ સ્તોત્રની મહાપ્રભાવકતાનો ખ્યાલ આવી શકે છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણિવર વિરચિત વૃત્તિ સંસ્કૃત અભ્યાસીઓને કાવ્ય તરીકેની ગરજ સારે એમ છે.
સંસ્કૃત બુકનો અભ્યાસ કરીને કાવ્ય ભણાવવામાં આવતાં હોય છે. છેલ્લા વર્ષોમાં શ્રી સિદ્ધહૈમવ્યાકરણના આધારે રચાયેલી શ્રી સિદ્ધહૈમ સંસ્કૃત પ્રવેશિકા જૈન સંઘમાં ખૂબ જ આદરણીય બનવા પામી છે. તેની જેમ આપણા સંઘમાં અન્ય દર્શનના કાવ્યો ભણાવવાને બદલે જૈન કાવ્યો જ અભ્યાસક્રમમાં ગોઠવાય તેમ કેટલાક જ્ઞાનપ્રેમીઓ ઈચ્છતા હતા. એ અંગે તપાસ કરતાં શ્રી ભક્તામર સ્તોત્ર પર કાવ્યપદ્ધતિએ પૂ. ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણિવર વિરચિત વૃત્તિ પ્રાપ્ત થતાં અને ઘણાં વર્ષો પૂર્વે એ છપાયેલ હોવાથી વર્તમાનમાં અપ્રાપ્ય જણાતાં આજે વૃત્તિ સહિત શ્રી ભક્તામર સ્તોત્ર મહાકાવ્ય પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. જેનો અભ્યાસ કાવ્ય પદ્ધતિએ ખૂબ જ સરળતાથી કરી શકાય તેમ છે. ઉપરાંત પૂ. શ્રી કનકકુશલ ગણિ વિરચિત વૃત્તિ તેમજ પૂ. શ્રી ગુણાકરસૂરિજી વિરચિત વૃત્તિનો પણ આ પુસ્તકમાં પાછળ સંગ્રહ કર્યો છે, જે કાવ્ય સમજવામાં ખૂબ જ ઉપયોગી બનશે એવો વિશ્વાસ છે.
પૂ. પરમોપકારી પ્રગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજના શુભાશિષથી અને પૂ. પરમોપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી પ્રારંભેલું આ કાર્ય સારી રીતે પૂર્ણહુતિને પામ્યું છે, તેમાં પૂજયોની કૃપા જ કારણ છે.
આ ગ્રંથના પ્રફવાંચન આદિમાં વિનીત શિષ્ય બાલમુનિરાજ શ્રી મુક્તિશ્રમણવિજયજી મહારાજ તથા પંડિત શ્રી જયકરભાઈ તથા મુમુક્ષુ પ્રભુભાઈએ આપેલો સહકાર ભૂલી શકાય તેમ નથી. તેવી રીતે શ્રી ભક્તામર સ્તોત્રની વૃત્તિવાળું "શ્રી પર્વતમાળાનમક/
TATય" પુસ્તક મેળવી આપનાર ડુવાતીર્થ પ્રેમી લક્ષ્મીચંદ ભીખાભાઈ શાહ - (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન પુસ્તકાલય ગોરેગાંવ - મુંબઈના સંચાલક) ને પણ કેમ ભૂલી શકાય ? તેમજ શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા (એમ.એ.) દ્વારા સંપાદિત અને શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા દ્વારા પ્રકાશિત “ભક્તામર - કલ્યાણ મંદિર - નમિઉણ સ્તોત્રત્રયમ્” પુસ્તકને નજર સમક્ષ રાખીને આ પુસ્તકનું સંકલન - સંપાદન કરવામાં આવેલ છે.
કાવ્યપદ્ધતિએ આ ગ્રંથનું વાંચન ચતુર્વિધસંઘમાં થતું રહે, એ આશયથી દંડાન્વય અને ગુજરાતી અર્થ સહિત સંપાદન કરવામાં કંઈપણ ક્ષતિ રહી જવા પામી હોય તો ત્રિવિધિ ત્રિવિધિ મિચ્છા મિ દુક્કડમ્ !
જ્ઞાનપંચમી, વિ.સં. ૨૦૫૧ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય મુંબઈ-૪,
- સમર્થ સાહિત્યકાર વિદ્વદ્રર્ય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો ચરણ સેવક મુનિ યુગચન્દ્રવિજય