________________
મહામાત્ય વસ્તુપાલની મહત્તા !!
મહામાત્ય વસ્તુપાલ જૈનધર્મના અને તે સાથે સમગ્ર ગુર્જરરાષ્ટ્રના ઇતિહાસમાં એક અદ્વિતીય વિભૂતિશાળી વ્યક્તિ થયા. શૌર્ય, ઔદાર્ય, સૌભાગ્ય, સૌજન્ય અને સંસ્કારસૌષ્ઠવ આદિ અનેકાનેક લોકોત્તર ગુણોના તે એક મૂર્તિમાન અવતાર હતા. સાહિત્ય, સંગીત અને સ્થાપત્ય જેવા જીવનોલ્લાસનિદર્શક જ્ઞાન-વિજ્ઞાનના તે પરમ રસિક અને પ્રકૃષ્ટ પ્રોત્સાહક હતા. રાજનીતિ અને રાષ્ટ્રવ્યવસ્થાના તંત્રના તે મહાન સૂત્રધાર હતા. સ્વયં શ્રેષ્ઠ વિદ્વાન હોઈ, વિદ્વાનો અને વીરોના મોટા પ્રશંસક પોષક અને આશ્રયદાતા હતા. તેના ભાગ્યે તેને તત્કાલીન સત્તા અને સમૃદ્ધિના ચરમશિખરે પહોંચાડ્યો હતો અને તેનો તેમણે સર્વોત્કૃષ્ટ સુકૃતલાભ લીધો હતો.
વસ્તુપાલના જેવી અસાધારણ પ્રકારની ઉચ્ચ ગુણધારક વ્યક્તિઓ મહાન ભારતના પ્રભૂત ભૂતકાળમાં બહુ જ વિરલ થયેલી જણાશે તેમને મળેલી સત્તાનો સદુપયોગ તેમણે સ્વકીય રાષ્ટ્રની સુસ્થિતિ નિર્મિત કરવા માટે કર્યો અને સમૃદ્ધિનો સવ્યય તત્સમયની પરિસ્થિતિને અનુરૂપ સર્વલોકોપકારક અને સાથે સુસંસ્કારપરિપોષક એવા ધર્મસ્થાનોની રચના કરવામાં કર્યો. તેમના એ ઉદાતતમ અવદાતોથી આકર્ષાઈને તદીય સમકાલીન દેશના શ્રેષ્ઠ કવિઓ અને વિદ્વાનોએ તેમની સત્કીર્તિ અને સુસ્તુતિના ઉન્મુક્ત ગુણગાન કરનારાં અનેક પ્રશસ્તિકાવ્યો રચ્યાં, જેમાંના ઘણાં ખરાં હજુ સુધી પણ સચવાઈ રહ્યા છે. તેવી જ રીતે અઢળક દ્રવ્ય ખર્ચે સ્થાપત્યકળાનાં ઉત્કૃષ્ટ પ્રતીકો જેવાં શત્રુંજય, આબૂ, ગિરનાર આદિ તીર્થસ્થાનોમાં જે ભવ્ય દેવમંદિરો બનાવ્યાં, તેમાંના ઘણાં ખરાં આપણા સદ્ભાગ્યે હજુ સુધી સુરક્ષિત રહી શક્યાં છે અને જગતના પ્રવાસીઓને પોતાના નિર્માતાની દિવ્યગાથા સંભળાવી રહ્યા છે. સુકૃત્યો અને સત્કીર્તનો દ્વારા આ જાતનું અમર નામ પ્રાપ્ત કરનારા મનુષ્યો સંસારના ઇતિહાસમાં બહુ વિરલ થયા છે.
પ્રસ્તુત “સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિપ્રશસ્તિસંગ્રહ' ગ્રંથમાં અનેક આચાર્યાદિમહાપુરુષો અને કવિઓ દ્વારા વસ્તુપાલની પ્રશસ્તિ, સ્તુતિ, સ્તોત્રાદિનો સંગ્રહ કરીને આ ગ્રંથનું સંપાદન