SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું બોઘબળ તૃણના અગ્નિ જેવું હોય છે. જેમ ઘાસમાં અગ્નિ નાખવાથી ભડકો થાય; પછી પાછળ કંઈ રહે નહીં. તેમ સપુરુષના બોઘની તેને તાત્કાલિક અસર થાય, ભાવમાં એકદમ ઉભરો આવે; પણ તે લાંબા સમય સુધી ટકી રહેતો નથી. અનાદિકાળની દર્શનમોહની નિદ્રા આછી બનતા આ પ્રથમ દ્રષ્ટિવાળો જીવ અપૂર્વકરણની નિકટ આવે છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ એ પૂર્ણ કરે ત્યારે જીવ સમકિતને પામે છે. તેમાં આ પાંચમી કરણલબ્ધિના પાછા ત્રણ ભેદ છે. તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તે પૂર્ણ થયે જીવ સમકિતને પામે છે. મિત્રાદ્રષ્ટિવાળો જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી આવી શકે છે. અનાદિકાળના અહંભાવ, મમત્વભાવને લીધે રાગદ્વેષ મિથ્યાત્વની ગ્રંથિને છેદે એવો ભાવ પૂર્વે કોઈ વાર જીવને આવ્યો નથી, તે અપૂર્વભાવ અથવા અપૂર્વકરણ કરવા માટે જે ઉત્સાહ જોઈએ તે આ પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. તેથી આ મિત્રાદ્રષ્ટિના ગુણવાળા જીવને અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાન કહ્યું છે. જ્યાં સુધી મન વચન કાયાના યોગ વંચક એટલે ઠગરૂપ હોય ત્યાં સુધી સદગુરુ સમીપે પણ તેને પોતાની મહત્તાનો જ વિચાર આવે છે અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે છે. તેની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા અહંભાવ સહિતની હોય છે. તેથી ઘર્મ સાઘન કરતાં પણ તે સંસારની જ વૃદ્ધિ કરે છે. પણ સદગુરુનો યોગ થયા પછી તેના બોઘબળે અવ્યક્તપણે પણ તેની આજ્ઞામાં તેનો મનોયોગ પ્રવર્તવાથી તે યોગાવંચક થાય છે. તથા જ્ઞાનીની આજ્ઞાએ વચન અને વંદન આદિ ક્રિયા પણ કાયાવડે વિનયપૂર્વક કરવાથી તે ક્રિયાવંચક બને છે અને સદ્ગુરુ સાચા હોવાથી તેની ભક્તિનું ફળ પણ મોક્ષમાર્ગમાં આગળ વઘારનાર હોવાથી તેને ફળાવંચક કહેવાય છે. એમ યોગ, ક્રિયા અને ફળ એ ત્રણેય અવંચક થાય ત્યારે તે જીવ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય. આ અવંચકયોગથી તેનો ભાવમલ દૂર થાય છે. આ અવંચકયોગ છેલ્લા પુદગલ પરાવર્તનમાં વર્તતા એવા અલ્પસંસારી જીવને પ્રગટે છે. જેમ સાધુને હમેશાં સિદ્ધદશા પ્રાપ્ત કરવાનો લક્ષ રહે છે; તેમ આ દ્રષ્ટિમાં આવેલા જીવને મોક્ષની સાથે જોડે એવા સાઘનોને આરાઘવાનો જ લક્ષ રહે છે. તે બીજા કાર્યમાં વધારે વાર ખોટી થતો નથી. આ દ્રષ્ટિવાળાને અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. તેને આ પ્રથમ દ્રષ્ટિમાં આવેલ જીવ વ્રતરૂપે ગ્રહણ કરે છે. આ દ્રષ્ટિનું “યમ” નામનું તે અંગ કહેવાય છે. વળી આ દ્રષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે. તેથી શુભ કાર્યો કરવામાં તેને ખેદ અથવા થાક લાગતો નથી. પણ આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં પ્રબળ મનોબળથી તેને ઉત્સાહ હોય છે. તે નિયમ, પચખાણ આદિ અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ પણ પાળે છે. તથા શુભ કાર્યોમાં તે આગમના જ્ઞાનનું શ્રવણ કરે છે, તેને અનુસરી વર્તવાનો આદરસહિત ભક્તિભાવ રાખે છે. સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવા શાસ્ત્રો લખાવે, છપાવે તથા શાસ્ત્રોનું પુષ્પાદિવડે પૂજન કરે, બીજાને વાંચવા આપે, શ્રી ગુરુના વચનો દ્વારા વિસ્તારપૂર્વક શાસ્ત્રના અર્થને સમજે, પછી તળુસાર સ્વાધ્યાય કરે, તે સંબંધી ચિંતન મનન કરે તથા વારંવાર તેની અનુપ્રેક્ષા કરે છે. એ બધા સમ્યક્દર્શન પ્રાપ્તિના યોગના બીજ અથવા કારણ છે, તેને તે ભાવપૂર્વક સેવે છે.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy