________________
૪૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બાળક કે વૃદ્ધ કે નથી યુવાન. એ બઘી પુદ્ગલની અવસ્થાઓ છે, એમાં મારું કંઈ જ નથી. ૩૬
ઘર્યા દેહો ઘણા, છોડ્યા તોયે જીવ નથી માર્યો
તો આ દેહ ફ્રુટે ત્યારે મરે ના, નિશ્ચય કર્યો. ૩૭ અર્થ – એવા દેહો તો પૂર્વે મેં ઘણા ઘારણ કર્યા અને છોડ્યા, તો પણ આ જીવ મર્યો નથી. માટે આ દેહ છૂટે ત્યારે પણ તે મરવાનો નથી એમ મેં નિશ્ચય કર્યો છે. ૩૭
જીવ નિત્યસ્વભાવી છે, જન્મ-મૃત્યુ ન તેહને,
જરા, વ્યાધિ, પીડા, પાક, છેદ-ભેદાદિ દેહને. ૩૮ અર્થ - જીવ તો સદા જીવવાના જ સ્વભાવવાળો છે. તે નિત્ય છે. તે કદી મરતો નથી. જન્મવું કે મરવું તે આત્માને સંભવતું નથી. કેમકે તે મૂળ દ્રવ્ય છે. દ્રવ્યનો ત્રિકાળમાં નાશ નથી.
વૃદ્ધાવસ્થા, રોગ, પીડા કે ગૂમડાં વગેરેનું પાકવું કે છેદન, ભેદન થવું એ બઘા દેહના ઘર્મો છે, આત્માના નહીં; એમ જાણીને મુનિ સુકૌશલ કે ગજસુકુમાર કે અવંતિસુકુમાર કે ભગવાન મહાવીર સ્વામી વગેરે ધ્યાનમાં ઊભા રહી અનેક પ્રકારના ઉપસર્ગોને સમતાથી સહન કરી કમને નિર્જરાવી મુક્તિને પામ્યા છે. તેમાં મૂળભૂત કારણ આત્મા સદૈવ નિત્ય સ્વભાવી છે એવો તેમનો દ્રઢ નિશ્ચય છે. ૩૮
પુણ્ય-પાપ કરેલાં જે પૂર્વનાં આજ ભોગવે;
આ ભવે જે કરે તેનાં ફળો ભોગવશે હવે. ૩૯ અર્થ :- પૂર્વભવોમાં કરેલા પુણ્ય કે પાપના ફળો આ જીવ આ ભવમાં ભોગવે છે, અને આ ભવમાં જેવા કર્મો કરશે તેના ફળ આગળ ભોગવશે. તીર્થંકરની પદવી કે ચક્રવર્તી અથવા બળભદ્ર, નારાયણ કે પ્રતિનારાયણની પદવીઓ પુણ્યકર્મથી જીવ પામે છે. જ્યારે પાપથી આ ભવમાં કે પરભવમાં પણ જીવ રોગી કે નિર્ધન વગેરે બનીને દુઃખી થયા કરે છે. ૩૯ાા
પાયો સદ્વર્તન કેરો પુનર્જન્મ-પ્રતીતિ છે,
દાન, ઘર્મ ટકે તેથી દીર્ઘદ્રષ્ટિ, સુનીતિ તે. ૪૦ અર્થ – પુનર્જન્મની જીવને શ્રદ્ધા થાય તો સદ્વર્તનનો પાયો મજબૂત બને છે. કરેલા કર્મોનું ફળ બીજા જન્મમાં કે આ જન્મમાં અવશ્ય ભોગવવું પડે છે, એવો નિર્ણય થવાથી તે જીવ અસદાચારમાં પ્રવૃતિ કરતો નથી. પુનર્જન્મની શ્રદ્ધા વડે જીવ અભયદાન, જ્ઞાનદાન, આહારદાન, ઔષઘદાનમાં પ્રવૃત્ત છે. તેમજ ઘર્મધ્યાન કરવાથી આત્મા શાશ્વત મુક્તિના સુખને પામશે, એવો વિશ્વાસ હોવાથી તે દીર્ઘદ્રષ્ટિએ વર્તન કરે છે, અને તે જ વર્તન સમ્ય-નીતિપૂર્વકનું હોવાથી તેના જીવનને ઘન્ય બનાવી સર્વકાળને માટે સુખી કરે છે. ૪૦ાા.
જેને પુનર્જન્મની શ્રદ્ધા છે તે ભવ્ય પ્રાણી, આત્મજ્ઞાન પામી સદ્ગુરુ આશ્રયે પંચ મહાવ્રત ઘારણ કરીને સર્વ કર્મોનો શીધ્ર નાશ કરી શકે છે. તે પંચ મહાવ્રત વિષે વિસ્તારથી અત્રે આ પાઠમાં જણાવવામાં આવે છે :