________________
પ્રથમાવૃત્તિનું નિવેદન પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત “પ્રજ્ઞાવબોથ” ગ્રંથનો સંક્ષિપ્ત અર્થ અત્રે આપીએ છીએ. આ ગ્રંથ પૂજ્યશ્રીની એક અજોડ, અદ્ભુત કૃતિ છે. આખો ગ્રંથ કાવ્યમાં હોવા છતાં તેઓશ્રીનું વિશાળ શાસ્ત્રજ્ઞાન, કાવ્યકળા તથા અનેકવિધ પ્રજ્ઞાના એમાં દર્શન થાય છે. તેમજ પરમકૃપાળુદેવ પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ દરેક પાઠની પ્રથમ ગાથામાં ઝળકી ઊઠે છે. મુમુક્ષુને પરિચિત એવા સુંદર ગેય રાગોમાં આ ગ્રંથની રચના કરી પૂજ્યશ્રીએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે.
શ્રી “મોક્ષમાળા'ના ચોથા ભાગરૂપે આ “પ્રજ્ઞાવબોઘ’ ગ્રંથની સંકલના પરમકૃપાળુદેવે સ્વયં, “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક ૯૪૬માં લખાવેલ છે. તેના આધારે પૂજ્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. તથા પરમકૃપાળુદેવના પત્રોને પણ વિષયને અનુરૂપ આ ગ્રંથમાં વણ્યા છે. તે પત્રોને તે તે ગાથાઓ નીચે આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે, જેથી તે તે ભાવોની વિશેષ વૃઢતા થાય.
તથા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર પરમકૃપાળુદેવે ઉપદેશમાં સ્વયં જણાવેલ છે કે “એનો “પ્રજ્ઞાવબોઘ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.”તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ રચી પરમકૃપાળુદેવની ભવિષ્યવાણી પુરવાર કરી છે. એવા ગ્રંથો કોઈ આત્મઅનુભવી પુરુષો જ લખી શકે, બીજાનું ગજું નથી.
અગાસ આશ્રમના સભામંડપમાં “પ્રજ્ઞાવબોઘ” ગ્રંથ ક્રમશઃ વંચાયો ત્યારે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે આ સંપૂર્ણ ગ્રંથ કાવ્યમાં હોવાથી આના અર્થ જો છપાય તો સમજવામાં વિશેષ સુગમતા રહે. તેથી મુમુક્ષુઓની ભાવનાને લક્ષમાં લઈ આ અર્થ છપાવવાનો નિર્ણય કર્યો છે. સાથે ૩ર પ્રાસંગિક રંગીન ચિત્રો ઉમેરવામાં આવ્યા છે.
આ અર્થ ગાથાને ટૂંકાણમાં ક્રમપૂર્વક કિંચિત્ સમજવા અર્થે અલ્પમતિ અનુસાર લખેલ છે. “સત્પરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેમ આ ગાથાઓમાં પણ અનંત અર્થ સમાયેલો છે, જે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. જ્ઞાનીપુરુષ આ ગાથાઓનો વિસ્તાર કરે તો હજારો પેજ થાય એવું એમાં ગૂઢ તત્ત્વ, દૈવત રહેલું છે, કેમકે ઘણા શાસ્ત્રોનું એમાં દોહન છે. સુજ્ઞ વાચકવર્ગને અર્થમાં ક્યાંય ભાવભેદ જણાય તો ધ્યાન દોરવા વિનંતી.
આ ગ્રંથમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે :શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.....) વ. વચનામૃત. પૃ.=પૃષ્ઠ, ઉ=ઉપદેશામૃત, બો.૧, ૨, ૩= બોઘામૃત ભાગ-૧, ૨, ૩. આ ગ્રંથ મુમુક્ષ સમુદાયને આત્મહિત સાધવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું.
–આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
(૩)