________________
૧૭૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગણીએ છીએ. અને તે કુપીમાં પોતાનું મૂત્ર ભરીને તે યોગીના શિષ્યને આપ્યું. તે લઈ શિષ્ય નાગાર્જુનને આપ્યું. તેથી તેણે ક્રોઘ પામી તે કુપીને પત્થર ઉપર પછાડી કે તે આખો પત્થર સોનાનો બની ગયો. તે જોઈ યોગીએ વિચાર્યું કે સૂરિના શરીરમાં કેવી કેવી સિદ્ધિઓ પ્રગટેલી છે. મેં સુવર્ણસિદ્ધિ માટે ખોટી મહેનત કરી. એમ વિચારી નાગાર્જુન કલ્પવૃક્ષ સમાન ગુરુની સેવા તથા વંદન કરવામાં તત્પર થયો.
લેપ વગેરે અનેક સિદ્ધિઓ વડે જૈનશાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી આચાર્ય સ્વર્ગે પધાર્યા.
જે મુનિ અભુત ભાવથી યુક્ત કાવ્ય રચીને રાજા આદિ મહાજનોને પ્રતિબોધ પમાડે તે કવિ પ્રભાવક નામના આઠમા પ્રભાવક ગણવામાં આવેલ છે. તે ઉપર દ્રષ્ટાંત
માનતુંગસૂરિનું દ્રષ્ટાંત - કવિ પ્રભાવક, ઘારાનગરીમાં બાણ અને મયૂરી નામના બે પંડિતો રહેતા હતા. બાણ, મયૂરનો સાળો હતો. બહેનના શ્રાપથી બાણ કુષ્ટી રોગવાળો થયો હતો. બન્ને પંડિતો રાજસભામાં એકઠા થયા. ત્યારે મયૂરે પોતાના સાળા બાણને કુષ્ટી કહીને બોલાવ્યો. તેથી તેણે મોટો ખાડો કરી તેમાં અંગારા ભર્યા. પછી ઉપર શીકું બાંધી તેની અંદર બેઠો. પછી સૂર્યની સ્તુતિ કરતાં દોરી કાપતાં છઠ્ઠી શ્લોકે છઠ્ઠી દોર કપાતાં અંગારામાં નહીં પડતાં સૂર્ય દેવે પ્રત્યક્ષ થઈ તેના દેહને વ્યાધિરહિત સુવર્ણમય કરી દીધો. તેથી બાણે મયૂરને કહ્યું કે હે ક્ષુદ્ર પક્ષી! ગરુડની પાસે કાળા કાગડાની જેમ મારી પાસે તારી શી શક્તિ છે? જો હોય તો મારી જેમ પ્રત્યક્ષ દેખાડ. ત્યારે મયૂરે પણ પોતાના હાથ પગ કાપી નાખ્યા. પછી ચંડીદેવીની સ્તુતિ કરતા તેના હાથપગ સાજા થઈ ગયા અને શરીર વજમય બની ગયું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી મયૂરને ઘણું માન આપ્યું. તે જોઈ જૈનધર્મના દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે “જો જૈનોમાં પણ કોઈ આવો પ્રભાવશાળી હોય તો જ આ દેશમાં જૈનોને રહેવા દેવા; નહિં તો તે સર્વને દેશ બહાર કાઢી મૂકવા જોઈએ.” આવું વચન માનતુંગ આચાર્યના સાંભળવામાં આવ્યું. તેથી જૈન શાસનનો પ્રભાવ બતાવવાની ઇચ્છા કરી. રાજસભામાં આવ્યા. રાજા પાસે પોતાના શરીર પર ચૂમ્માલીશ બેડીઓ નખાવી અને ઓરડાની અંદર ઓરડો એવા ચૂમ્માલીશ ઓરડામાં પોતે બેઠા. બધા ઓરડાઓને પણ તાળા લગાડી દીઘા. પછી માનતુંગ સૂરિએ ભક્તામર સ્તોત્ર રચ્યું. એક એક ગાથા બોલતાં જાય તેમ તેમ શરીર ઉપરની એક એક બેડી તૂટતી જાય અને એક એક ઓરડાનું તાળું પણ તૂટતું જાય. એમ બધા તાળા તૂટી ગયા. એટલે સૂરિ મહારાજ સભામાં આવી પહોંચ્યા. એમ ઉત્તમ કાવ્ય રચીને સૂરિએ જૈનશાસનનો મોટો પ્રભાવ પ્રગટ કરી સર્વને આશ્ચર્ય ચકિત કર્યા. ૩રા
પંચ ભૂષણ ભૂષણ પંચ સુદર્શનનાં વિધિ-કુશળતા, વળ તીરથ-સેવા, દેવ-ગુરુ પ્રતિ પૂજનભક્તિ, સુદર્શન-ભાવ ચળે નહિ તેવા; પંચમ ભૂષણ ઘર્મ-પ્રભાવ અનેક પ્રકારથી લોક વખાણે;
તેમ સુવર્તન, દાન, દયા, તપ, જ્ઞાન ઘરે નિજ શક્તિ પ્રમાણે. અર્થ :- હવે ભૂષણ એટલે જે સમકિતનું ઘરેણું છે. તેના પાંચ પ્રકાર છે.
તેમાં વિવિઘ કુશળતા એટલે છ આવશ્યકાદિક ક્રિયાઓ કરવામાં જે કુશળ હોય તે સમકિતનું પહેલું ભૂષણ છે. (૧) પ્રતિક્રમણ, (૨) પચ્ચખાણ, (૩) સામાયિક, (૪) સ્તવન એટલે ભગવાનના ગુણગાન, (૫) વંદન એટલે ભગવાનના દર્શન તથા (૬) કાયોત્સર્ગ. એ છ આવશ્યક ક્રિયાઓ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત –